વર્ષના અંત સુધીમાં પોતાનું GPU લોન્ચ કરશે ભારત: જાણો દેશ માટે કેમ મહત્ત્વનું છે?
India Working On Own GPU: ભારત પહેલી વખત પોતાનું જનરલ-પરપઝ ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ (GPU) વર્ષના અંત સુધીમાં લોન્ચ કરશે. ભારત માટે આ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ પડકાર અને તક છે. ઍડ્વાન્સ સેમિકન્ડક્ટર ટૅક્નોલૉજીમાં આત્મનિર્ભર બનવા માટે ભારત પ્રયાસ કરી રહ્યું છે. હાલમાં આ માટે તૈયારી કરવામાં આવી રહી છે, અને શરુઆતમાં માત્ર 29 યુનિટ તૈયાર કરવામાં આવશે. આ પ્રોટોટાઇપ હશે, જેનાથી આગળના પગલાં નક્કી કરવામાં આવશે.
કોર આર્કિટેક્ટચરનો વિકાસ કરશે ભારત
ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ માટે કોર આર્કિટેક્ટચરનો ભારત દ્વારા વિકાસ કરવામાં આવશે. આ ડિઝાઇનને હાલ પૂરતું કામ ચલાઉ નામ ‘1xK’ આપવામાં આવ્યું છે. આ ચીપ બનાવવા માટે અન્ય કોમ્પોનેન્ટ્સ પણ જરૂરી છે, જેમાં USB, મેમરી કન્ટ્રોલર્સ અને પેરિફેરલ બ્લોક્સનો સમાવેશ થાય છે. તે માટે ભારત અન્ય કંપનીઓ સાથે સહકાર સ્થાપિત કરવાની તૈયારી કરી રહ્યું છે.
ડિઝાઇન હશે એનક્રિપ્ટેડ
આ ચીપને વિકસાવવા માટે ભારત NVIDIA, AMD અને Intel સાથે ચર્ચા કરી રહ્યું છે. ભારત દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટની બ્લોક ડિઝાઇન એનક્રિપ્ટેડ હશે, જેની ક્રિપ્ટોગ્રાફિક કી માત્ર ભારત પાસે જ રહેશે. પ્રોડક્શન દરમિયાન, આ કીનો ઉપયોગ ફક્ત નિર્ધારિત કંપનીઓ જ કરી શકશે, જેથી સોફ્ટવેર અને ડિઝાઇન ભારત પૂરતી મર્યાદિત રહેશે.
આત્મનિર્ભર બનવાનો પ્રયાસ
ભારતમાં અગાઉ જે પણ ચીપ બનાવવામાં આવતી હતી, તેના ઘણા ભાગો અન્ય દેશોમાં બનાવવામાં આવતા. પરિણામે, કમર્શિયલી, ભારત અન્ય દેશો પર નિર્ભર રહેતું. પરંતુ હવે, સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ભારતનું મિશન દેશને સ્વાભિમાની બનાવવાનું છે. આ માટે જે પણ જરૂરી કોમ્પોનેન્ટ્સ હોય, તે ભારતમાં જ બનાવવા માટે પ્લાન્ટ સ્થાપિત કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે.
આ પણ વાંચો: પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયાના 15 લાખથી વધુ સાઇબર હુમલાઓને નિષ્ફળ બનાવ્યા ભારતે
પ્રોડક્શન ક્યારે શરુ થશે?
હાલમાં સરકાર આ ચીપ પર કામ કરી રહી છે અને ટૂંક સમયમાં તેના પ્રોટોટાઇપ બનાવવામાં આવશે. આ પ્રોટોટાઇપના પરિણામો અને સુધારાના સ્તર પર પ્રોડક્શનનું ભવિષ્ય નિર્માણ થશે. જો તે સફળ થશે, તો અન્ય કંપનીઓને પ્રોડક્શન માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. 2030ના અંત સુધીમાં, ભારત સંપૂર્ણપણે તેની ચીપ અને તેના તમામ કોમ્પોનેન્ટ્સ દેશમાં જ ઉત્પાદન કરવાનું લક્ષ્ય ધરાવે છે.