ભારત માટે ખતરાની ઘંટી: ઇન્ડિયામાં દર વર્ષે ઓછો થઈ રહ્યો છે સૂર્યપ્રકાશ, જાણો કારણ…

India is Getting Less Sunlight: એક નવી સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે ભારતને જે સૂર્યનો પ્રકાશ મળે છે એમાં દર વર્ષે ઘટાડો થઈ રહ્યો છે. વિજ્ઞાનીઓ દ્વારા છેલ્લા 30 વર્ષ પર સ્ટડી કરવામાં આવી છે. આથી સૂર્યપ્રકાશ પર નિર્ભર દરેક વસ્તુ પર ખૂબ જ ગંભીર અસર પડી શકે છે. ભારતના સર્વોચ્ચ ઇન્સ્ટિટ્યૂટના રિસર્ચર્સ દ્વારા 1988થી લઈને 2018 સુધીના વેધરના ડેટા પર સ્ટડી કરવામાં આવી હતી. એના પરથી જાણવા મળ્યું છે કે ભારતના મોટાભાગના ભાગ પરથી સૂર્યનો પ્રકાશ દર વર્ષે ઓછો થઈ રહ્યો છે.
નોર્થમાં ઓછો થયો સૌથી વધુ સૂર્યપ્રકાશ
વિજ્ઞાનીઓના ડેટા અનુસાર ભારતના નોર્થમાં સૂર્યનો પ્રકાશ સૌથી વધુ ઓછો થયો છે. એક વર્ષમાં અંદાજે 13 કલાક સૂર્યપ્રકાશ ઓછો થઈ રહ્યો છે. હિમાલય પણ એમાંથી બાકાત નથી. દર વર્ષે ત્યાં 9.5 કલાક ઓછો સૂર્યપ્રકાશ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ તરફના વિસ્તારમાં વર્ષે 8.5 કલાક સૂર્યપ્રકાશ ઓછો થયો છે. પૂર્વ અને ડેક્કન વિસ્તાર પણ એની અસર જોઈ રહ્યા છે. આ વિસ્તારમાં અન્ય જગ્યા કરતા ઓછો, પરંતુ સૂર્યપ્રકાશમાં ઘટાડો જરૂર થયો છે.
આ પણ વાંચો: વોટ્સએપ લાવી રહ્યું છે નવું ફીચર: અન્ય મેસેજિંગ એપ્સ પર થઈ શકશે મેસેજ, જાણો કેવી રીતે…
સૂર્યના પ્રકાશને રોકી રહ્યું છે પ્રદૂષણ
સૂર્યનો પ્રકાશ ઓછો થઈ રહ્યો છે એ માટે સૌથી મોટું જવાબદાર કારણ એરોસોલ પોલ્યુશન છે. એરોસોલ પોલ્યુશન એટલે કે ઘન અથવા તો પ્રવાહી કણોનું વાયુમાં પરિવર્તન થાય એને એરોસોલ કહેવામાં આવે છે. આ દ્વારા જે પોલ્યુશન થાય છે એને એરોસોલ પોલ્યુશન કહેવામાં આવે છે. વાહનો અને ફેક્ટરીમાંથી વાયુરૂપે થતા પ્રદૂષણને એરોસોલ પોલ્યુશન કહેવામાં આવે છે. આ પ્રદૂષણ હવે સૂર્યના પ્રકાશને અટકાવી રહ્યું છે. આ પ્રોસેસને વિજ્ઞાનીઓ હવે સોલર ડિમિંગ નામ આપી રહ્યા છે. એનો મતલબ એ થયો કે પાક માટે ઓછી લાઇટ અને સોલર પેનલ માટે પણ હવે ઊર્જા ઓછી મળશે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ પોલ્યુશન પર કન્ટ્રોલ કરવામાં આવતાં સૂર્યના પ્રકાશ ઓછો થઈ રહ્યો છે એના પર પણ કન્ટ્રોલ આવી જશે.


