Get The App

દરરોજ એક નવી કુદરતી આફતોનો ભોગ બની રહી છે પૃથ્વી, જાણો હવામાન ચક્રમાં આવેલા બદલાવ પાછળનું સાચું કારણ

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
environment Impact On Earth
AI Image

Environment Changes Impact On Earth : વાતાવરણના ઉપલા સ્તરમાં સર્જાયેલા અભૂતપૂર્વ અસંતુલને QBOની આપદાજનક સ્થિતિ સર્જી, જાણો પૃથ્વીના હવામાન ચક્રમાં આવેલા બદલાવ પાછળનું સાચુ કારણ અથવા પ્રતિદિન એક નવી કુદરતી આપદાનો ભોગ બની રહેલી પૃથ્વીની આવી હાલત કયા કારણસર થઈ, જાણો શું છે QBO જેને કારણે અભૂતપૂર્વ પર્યાવરણીય અસંતુલ સર્જાયું છે.

હાલમાં પૃથ્વી અસામાન્ય હવામાની ઘટનાઓના દુષ્ચક્રમાંથી પસાર થઈ રહી છે. એક તરફ જ્વાળામુખી વિસ્ફોટ થઈ રહ્યા છે, તો બીજી તરફ ચક્રવાતો અને પૂરની ત્રાસદી ચાલી રહી છે. ધરતીના કોઈક ખૂણે અતિશય ગરમી પડી રહી છે, ક્યાંક ભૂસ્ખલન થઈ જાય છે, તો ક્યાંક ધરતીકંપના આંચકાઓથી વાતાવરણ અસ્થિર બન્યું છે. ઈતિહાસમાં આટલા વ્યાપક પાયે ઋતુ પરિવર્તન પહેલાં કદી નોંધાયું નથી. આ બધી ઘટનાઓ એકબીજા સાથે સંકળાયેલી છે અને તેની છાપ સમગ્ર વિશ્વ પર પડી રહી છે. ભારત પણ કુદરતી આપદાઓના આ વૈશ્વિક પ્રભાવથી બચી શક્યો નથી. ચાલુ વર્ષે દેશે જે ભીષણ હવામાની આપત્તિઓનો સામનો કર્યો છે, તે આગામી સમયમાં પણ જારી રહેશે, એવી આગાહી કરવામાં આવી છે. આ તમામ જડના મૂળ QBO નામની પર્યાવરણીય સ્થિતિમાં છે, ત્યારે ચાલો જાણીએ કે QBO છે શું.

QBO નું પતન થયું અને આકાશીય પવનોની દિશા બદલાઈ ગઈ

વિશ્વ કુદરતી આપદાઓમાં ઘેરાઈ ગયું છે એ સમસ્યાનું મૂળ QBO એટલે કે ક્વાસી-બાયનીયલ ઓસિલેશનના સંતુલનમાં આવેલા ભંગાણમાં રહેલું છે. સરળ શબ્દોમાં કહીએ તો, પૃથ્વીની સપાટીથી 20-30 કિલોમીટર ઉંચાઈએ સ્થિત ‘સ્ટ્રેટોસ્ફિયર’ (વાતાવરણનું ઉપરનું સ્તર)માં વહેતા પવનોની દિશામાં અનિયમિત ફેરફાર થયો છે. સામાન્ય રીતે આ પવનોની દિશા દર 28-30 મહિનામાં બદલાય છે. આ પરિવર્તન જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં થાય છે, પરંતુ આ વખતે તે નવેમ્બર મહિનામાં જ થઈ ગયંદ છે. આ કોઈ સામાન્ય ઘટના નથી, બલકે એક પ્રકારનો વાતાવરણીય ભૂકંપ છે, જે સમગ્ર પૃથ્વીના હવામાન તંત્રને ખોરવી નાંખે છે. એવું કહી શકાય કે પૃથ્વીના હવામાનને નિયંત્રિત કરતું એન્જિન ઊલટું ચાલવા લાગ્યું છે. કલ્પના કરો કે આપણી ગાડી સીધી દિશામાં દોડી રહી હોય અને અચાનક તેને રિવર્સ ગિયર લાગી જાય, તો અકસ્માત ટાળી શકાય ખરો? 

QBOમાં બગાડ કેવી તકલીફો લાવશે?

વાતાવરણના ઉપરના સ્તરના પવનો સામાન્ય સમયગાળા કરતાં 2-3 મહિના વહેલા જ પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ફરી ગયા છે. QBOમાં ભંગાણને કારણે અતિવૃષ્ટિ, દુષ્કાળ અને જીવલેણ લૂ જેવી ઘટનાઓ અનિયંત્રિત, અનિયમિત અને વધુ તીવ્ર બનશે. ભારત પર પણ એની સીધી અને ગંભીર અસર થવાની સંભાવના છે. QBOમાં અસંતુલનનો સૌથી મોટો ભોગ હાલમાં દક્ષિણ-પૂર્વ એશિયાના વિયેતનામ, ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સ જેવા દેશો બન્યા છે, જ્યાં ભીષણ પૂર અને વાવાઝોડાંએ વ્યાપક તબાહી મચાવી છે.

ભારત પર કુદરતનો કેવો પ્રકોપ ઉતરશે? 

1. ઉત્તર-પૂર્વીય ચોમાસું (ઓક્ટોબર-ડિસેમ્બર 2025)

સામાન્ય રીતે આ સમયગાળામાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ, કર્ણાટક અને પુડુચેરીમાં હળવાથી મધ્યમ વરસાદ થાય છે, સાથે જ આ પ્રદેશોમાં એક કે બે નબળા ચક્રવાતો ઉદ્ભવે છે. પરંતુ QBOના ભંગાણે આ સમગ્ર હવામાની પદ્ધતિને જ ઉલટપલટ કરી નાખી છે. આ વર્ષે આ રાજ્યોમાં સામાન્ય કરતાં 20 થી 30 ટકા વધુ વરસાદ પડવાની સંભાવના છે. બંગાળની ખાડીમાં બે-ત્રણ અત્યંત શક્તિશાળી ચક્રવાતોની ઉત્પત્તિ થઈ શકે છે. ચેન્નઈ, કોચી, વિશાખાપટ્ટનમ જેવા દરિયાકિનારાના શહેરો ફરીથી ગંભીર પૂરના જોખમ હેઠળ આવી શકે છે.

2. શિયાળો (ડિસેમ્બર 2025થી ફેબ્રુઆરી 2026)

ભારતમાં શિયાળો હળવી ઠંડી અને કેટલાક પશ્ચિમી વિક્ષેપો સાથે આવે છે, જે પર્વતીય વિસ્તારોમાં બરફ અને મેદાની પ્રદેશોમાં હળવા વરસાદનું કારણ બને છે. પરંતુ QBOના ભંગાણને લીધે આ વખતનો શિયાળો વધુ અસ્થિર બનશે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં તીવ્ર ઠંડી અને શીત લહેરોનો અનુભવ થઈ શકે છે, તો ફેબ્રુઆરીમાં તાપમાનમાં અચાનક 5-7 ડિગ્રી સેલ્સિયસનો ઉછાળો આવશે. દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગાઢ ધુમ્મસનો ગાળો લાંબો ચાલશે. હિમાચલ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે બરફવર્ષા અને હિમસ્ખલનનો ખતરો વધી જશે.

3. ઉનાળો (માર્ચથી મે 2026)

ભારતમાં સામાન્ય રીતે ઉનાળાનું તાપમાન 40°થી 45° સેલ્સિઅસની મર્યાદામાં રહે છે, પરંતુ QBOમાં ભંગાણ થવાથી આગામી ઉનાળો ગરમીના તમામ રેકોર્ડ તોડી નાખશે, એવી આગાહી હવામાન નિષ્ણાતો કરી રહ્યા છે. મધ્ય ભારતમાં તાપમાન 48-50°C સુધી પહોંચવાની શક્યતા છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને પૂર્વી રાજસ્થાન સૌથી વધુ પ્રભાવિત થશે. તીવ્ર લૂના મોજા 15-20 દિવસ સુધી ચાલી શકે છે. QBOની અસરને કારણે જેટ સ્ટ્રીમનો માર્ગ વક્ર બનશે, જેથી વરસાદી પ્રણાલીઓ વિખરાઈ જશે અને દુષ્કાળની સ્થિતિ ઊભી થશે. નાગપુર, ભોપાલ, અમદાવાદ જેવા મહાનગરોમાં દિવસનું તાપમાન 50°C ને પણ પાર કરી શકે છે, જેના ફળસ્વરૂપે હીટ-વેવને લીધે થતા મૃત્યુના આંકડામાં વધારો થઈ શકે છે.

આ પણ વાંચો: હવે સિમકાર્ડ વગર નહીં ચાલે WhatsApp, Telegram અને સ્નેપચેટ..., કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

4. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું (જૂનથી સપ્ટેમ્બર 2026)

સામાન્ય રીતે ચોમાસુ જૂનના પ્રથમ સપ્તાહમાં કેરળ પહોંચે છે અને લાંબી અવધિના સરેરાશ (LPA – લોંગ પિરિયડ એવરેજ) ના 90-100% વરસાદથી યુક્ત હોય છે. પરંતુ 2026માં, QBO અને ‘લા નીના’ (સમુદ્રી પ્રવાહના તાપમાનમાં આવતો બદલાવ)ના મિશ્રણથી ચોમાસું સંપૂર્ણ રીતે અનિયંત્રિત બની જશે. ચોમાસુ કેરળમાં વિલંબથી, સંભવતઃ જૂનના અંત અથવા જુલાઈની શરૂઆતમાં પહોંચશે. તેની શરૂઆત નબળી રહેશે, પરંતુ જુલાઈ-ઓગસ્ટમાં તે સઘન બનશે. ઘણા વિસ્તારોમાં સામાન્ય કરતાં 110-120% વધારે વરસાદ પડશે, જ્યારે અન્ય વિસ્તારો દુષ્કાળથી પીડિત રહેશે. એક જ રાજ્યમાં, એક જિલ્લો પૂરમાં ડૂબેલો હશે, તો બીજો પાણીની તીવ્ર કમી ભોગવતો હશે. એકંદરે, ચોમાસું અસ્થિર, વિલંબિત અને વિનાશકારી રહેશે. કેરળ જેવી જ હાલત દેશના મહત્તમ રાજ્યોની થશે. 

કુદરતી કોપના આર્થિક અને સામાજિક પરિણામો ચિંતાજનક છે

આગામી 12થી 18 મહિના ભારત માટે હવામાનની દૃષ્ટિએ અત્યંત પડકારજનક સાબિત થવાના છે. આ ફક્ત 'ખરાબ મોસમ' નહીં, પણ સમગ્ર હવામાન તંત્રમાં આવેલું ભંગાણ છે, જેની અસર દરેક ઘર, દરેક ખેતર અને દરેક ઉદ્યોગ પર પડશે. વૈજ્ઞાનિકો આ ઘટનાને 'કમ્પાઉન્ડ એક્સ્ટ્રીમ્સ' અર્થાત સંયુક્ત આત્યંતિક હવામાન તરીકે ઓળખે છે, જ્યાં બહુવિધ હવામાની પદ્ધતિઓ એકબીજાને પ્રબલિત કરી વિનાશકારી પરિણામો ઉત્પન્ન કરે છે.

1. કૃષિ પર પ્રભાવ: રવી પાક (ઘઉં, ચણા, વગેરે) પર ઠંડી અને ધુમ્મસની અસર પડશે. અચાનક ગરમીના મોજાથી તેના ઉત્પાદનમાં 10-20% ઘટાડો થઈ શકે છે. બાગાયતી પાકો (સફરજન, કેરી, વગેરે) માટે જરૂરી ઠંડીનો અભાવ રહેશે, જેને લીધે એ પાક પણ બગડશે. અનિયમિત ચોમાસુ ખરીફ પાકો (ડાંગર, મકાઈ, વગેરે) ની વાવણી અને વૃદ્ધિને પ્રભાવિત કરશે.

2.  જીવન અને આરોગ્ય: લૂ, પૂર અને શીત લહેરો સીધા જ માનવજીવન માટે જોખમરૂપ છે. પરોક્ષ રીતે, મલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગોનો પ્રસાર થશે. માનસિક તણાવ અને હૃદય રોગોમાં પણ વધારો થઈ શકે છે. વૃદ્ધો અને બાળકો જેવા સંવેદનશીલ વર્ગો પર વધુ ગંભીર અસર પડશે. ફક્ત માણસો જ નહીં, પાલતુ પશુઓના આરોગ્ય પર પણ વિવિધ પ્રકારની બિમારીઓનું જોખમ તોળાશે.

3. આર્થિક નુકસાન: અનિયમિત ચોમાસુ અને આત્યંતિક હવામાની ઘટનાઓથી કૃષિ ઉત્પાદનમાં 10-20% નો ઘટાડો થઈ શકે છે, જે ખાદ્ય ફુગાવાને ઉશ્કેરશે. અનુમાન છે કે દેશના સકલ ઘરેલુ ઉત્પાદન (GDP) માં 0.5-1% નો ઘટાડો થઈ શકે છે.

આ પણ વાંચો: Exclusive: ISRO-SAC જામ ખંભાળિયામાં 25 એકર જમીન પર કરોડોના ખર્ચે બનાવી રહ્યું છે અર્થ સ્ટેશન

કુદરતી કોપનો ભોગ આખું વિશ્વ બનશે 

QBOમાં અસંતુલન એ કોઈ સ્થાનિક કટોકટી નથી, બલકે એક વૈશ્વિક સંકટની શરૂઆત છે, જેનો સામનો કરવા માટે સમગ્ર માનવજાતિએ એકઠા થઈને રણનીતિ ઘડવાની જરૂર છે. ઓસ્ટ્રેલિયામાં અભૂતપૂર્વ દુષ્કાળ પડવાની વકી છે તો યુરોપમાં અતિશય ઠંડી અને ત્યારબાદ અચાનક પૂર આવવાની શક્યતા છે. દક્ષિણ એશિયાના દેશો તીવ્ર ગરમીના મોજાનો અનુભવ કરશે.