જેમિની AI પ્રોનો ફ્રીમાં ઉપયોગ કરવું શક્ય: જાણો કેવી રીતે એનો લાભ ઉઠાવી શકશો…
Google Gemini AI Pro Free: ગૂગલ દ્વારા હાલમાં જ એક સ્પેશિયલ ઓફર રજૂ કરવામાં આવી છે. આ ઓફર હેઠળ યુઝર્સને ફ્રીમાં એક વર્ષ માટે જેમિની AI પ્રો પ્લાન આપવામાં આવી રહ્યો છે. ગૂગલ-કંતારના એક રિપોર્ટમાં માહિતી મળી હતી કે ભારતમાં 75% લોકો ઓનલાઇન કોલાબોરેટર્સ માટે રાહ જોઈ રહ્યા છે જેથી તેઓ પોતાના વિકાસની સાથે સફળ પણ થઈ શકે. આ રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યું છે કે ભારતમાં 95% વિદ્યાર્થીઓ જેમિનીનો ઉપયોગ રોજના કરે છે અને એનાથી તેમનામાં વધુ આત્મવિશ્વાસ આવે છે. આ રિપોર્ટ બાદ ગૂગલે એક વર્ષ માટે ફ્રીમાં સર્વિસ આપવાનું નક્કી કર્યું છે.
સબ્સ્ક્રિપ્શનમાં આવશે જેમિની 2.5 પ્રો
આ ઓફરમાં ગૂગલ તેના સૌથી એડવાન્સ મોડલ જેમિની 2.5 પ્રોનું એક્સેસ 18 વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓને ફ્રીમાં આપશે. આ AIનો ઉપયોગ હોમવર્ક, પરીક્ષા, લખવા જેવી બાબતો માટે મદદરૂપ સાબિત થશે. આ સાથે જ જોબ ઇન્ટરવ્યુ માટે પણ એ ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. ગૂગલ હવે તેમની એડવાન્સ ટેક્નોલોજીને ભારતના દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માંગે છે.
પ્રીમિયમ ટૂલનો ઉપયોગ કરી શકાશે
જેમિનીની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરી શકવાની સાથે યુઝર્સ ઘણાં પ્રીમિયમ ટૂલનો પણ ઉપયોગ કરી શકશે. યુઝર્સ રિસર્ચ માટે ડીપ રિસર્ચ ટૂલ, નોટબુકએલએમ જેમાં પાંચ ગણી સ્ટોરેજ ક્ષમતા છે એનો પણ ઉપયોગ કરી શકશે. આ સાથે જ જેમિની લાઇવ અને વીડિયો ક્રિએશન ટૂલ જેવા કે Veo 3 અને ફ્લોનો પણ ઉપયોગ કરી શકશે. જીમેલ, ડોક્સ અને શીટ્સ જેવી એપ્લિકેશનની મદદથી યુઝર્સ AI નો પણ ઉપયોગ કરી શકશે.
કોણ ફ્રીમાં ઉપયોગ કરી શકશે?
આ ઓફરનો ઉપયોગ કરવા માટે વિદ્યાર્થી ભારતનો રહેવાસી હોવો જોઈએ. તેણી ઉંમર 18 વર્ષ અથવા તેથી વધુની હોવી જોઈએ. તેની પાસે વેરિફાઈ થયેલ સ્ટુડન્ટ સ્ટેટ્સ હોવો જોઈએ જેમાં ઇમેલ એડ્રેસ પણ હોય. તેમ જ યુઝરનું પોતાનું પર્સનલ ગૂગલ એકાઉન્ટ હોવું જોઈએ, જેમાં ગૂગલ પેમેન્ટ એકાઉન્ટ અને ગૂગલ પ્લે સ્ટોરનું પણ એક્સેસ હોય. ગૂગલ વન સબ્સ્ક્રાઇબર્સ અથવા તો અન્ય પ્લાનનો ઉપયોગ કરતાં સબ્સ્ક્રાઇબર્સ, તેમજ એન્ટરપ્રાઇઝ યુઝર્સ અને થર્ડ પાર્ટીની મદદથી સર્વિસનો ઉપયોગ કરતાં યુઝર્સ આ ઓફરનો ઉપયોગ નહીં કરી શકે.
આ ઓફર ક્યાં સુધી છે?
આ ઓફરનો ઉપયોગ કરવા માટે યુઝર પાસે 15 સપ્ટેમ્બર 2025 સુધીનો સમય છે. આ ઓફર ત્યાર બાદ કોઈને પણ નહીં મળે. આ ઓફરનો લાભ ઉઠાવનાર વિદ્યાર્થીઓ એક વર્ષ સુધી એનો ઉપયોગ કરી શકશે. ત્યાં બાદ ગૂગલનો જે ચાર્જ હશે એ લાગુ પડશે. ગૂગલ પણ હવે જિયોની જેમ કામ કરી રહ્યું છે. જિયો દ્વારા પહેલાં ઇન્ટરનેટ ડેટા ફ્રી આપી દરેકને એના બંધાણી બનાવી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ હવે એના પર ચાર્જ વસૂલ કરે છે. ગૂગલ પણ હવે એક વર્ષ માટે ફ્રીમાં આપી વિદ્યાર્થીઓને એના બંધાણી બનાવી દેવા માંગે છે. ત્યાર બાદ તેઓ પણ ચાર્જ વસૂલ કરશે.