ઇલોન મસ્ક પહેલાં નહોતા ટેસ્લાના માલિક: જાણો શું છે ઇલેક્ટ્રિક કાર્સ બનાવતી કંપનીની કહાની…
Who Started Tesla EV Car Company?: ઇલોન મસ્કની કંપની ટેસ્લાએ આજે એટલે કે 15 જુલાઈએ ભારતમાં પહેલો કાર શોરૂમ શરૂ કર્યો છે. ભારત માટે આ ખૂબ જ મોટો દિવસ કારણ કે બાંદરા કુર્લા કોમ્પ્લેક્સમાં એ કંપનીનો શોરૂમ શરૂ થયો છે જે ઇલેક્ટ્રિક કાર્સ બનાવવા માટે જાણીતી છે. આ શોરૂમ શરૂ થતાંની સાથે જ કારનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. માર્કેટ વેલ્યુના આધારે મસ્કની આ કંપનીનો સમાવેશ દુનિયાની સૌથી મોટી કાર કંપનીઓના લિસ્ટમાં થાય છે. એનું માર્કેટ કેપિટલાઇઝેશન એક ટ્રિલિયન અમેરિકન ડોલરથી પણ વધુનું છે. ટેસ્લાની શરૂઆત કેવી રીતે થઈ હતી અને રેવેન્યૂ કેટલું છે એના પર નજર કરીએ.
એક ટ્રિલિયન ડોલરથી વધુની છે માર્કેટ વેલ્યુ
ભારતમાં ટેસ્લાના આગમનને લઈને કઈને કંઈ મુશ્કેલી આવી રહી હતી. ઘણી વાર વાત છેલ્લે સુધી ફાઈનલ થઈ ગઈ હોવા છતાં એમાં અડચણ આવતી હતી. જોકે હવે આખરે શોરૂમ આજથી શરૂ થઈ ગયો છે. એક ટ્રિલિયન ડોલરની માર્કેટ વેલ્યુ ધરાવતી આ કંપનીનો દબદબો અમેરિકી ઓટો ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ છે. ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લાનું 2024માં 97.7 અબજ ડોલર રેવેન્યૂ હતું. ફોર્બ્સના એક રિપોર્ટ અનુસાર 2023માં અમેરિકાના ઇલેક્ટ્રિક કારના માર્કેટમાં ટેસ્લાનો દબદબો 55 ટકા હતો. જોકે ગયા વર્ષે એમાં ઘણી ટકાવારી ઓછી થઈ છે.
ભારતમાં એન્ટ્રીથી શેરના ભાવ વધ્યા
માર્કેટ વેલ્યુના હિસાબથી જ નહીં, પરંતુ વર્કફોર્સના આધારે પણ ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાનો સમાવેશ ટોપ લિસ્ટમાં થાય છે. એક રિપોર્ટ અનુસાર ટેસ્લામાં દુનિયાભરમાં અંદાજે 1,25,665 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. આ કર્મચારીઓ ટેસ્લા કંપની, ઑફિસ અને અન્ય લોકેશન એટલે કે શોરૂમમાં કામ કરનાર દરેક વ્યક્તિઓનો એમાં સમાવેશ થાય છે. ભારતમાં ટેસ્લાની એન્ટ્રીના સમાચાર આવતાની સાથે જ કંપનીના શેરમાં 1.08 ટકાનો વધારો નોંધાતા શેર 316.90 ડોલર પર બંધ થયો હતો. છેલ્લા પાંચ દિવસોમાં આ શેરમાં સાત ટકાનો વધારો થયો છે.
મસ્કે નહોતી કરી ટેસ્લાની શરૂઆત
ટેસ્લા આજે ભલે ઇલોન મસ્કની કંપની હોય, પરંતુ એની શરૂઆત તેના દ્વારા નહોતી કરવામાં આવી. ટેસ્લાની સ્ટોરી પણ ખૂબ જ રસપ્રદ છે. 2003ની પહેલી જુલાઈએ માર્ટિન એબરહાર્ડ અને માર્ક ટારપેનિંગ નામના બે એન્જિનિયરો દ્વારા આ કંપનીની શરૂઆત કરવામાં આવી હતી. આ કંપનીનું નામ વૈજ્ઞાનિક નિકોલા ટેસ્લાના નામ પરથી રાખવામાં આવ્યું હતું. તેમણે એલ્ટરનેટિંગ કરંટ (AC)ની શોધ કરી હતી.
આ કંપની શરૂ થયાના બીજા વર્ષે ઇલોન મસ્ક એમાં ખૂબ જ મોટા ઇન્વેસ્ટર તરીકે જોડાયો હતો. ત્યાર બાદ કંપનીના પહેલાં ફંડિંગ રાઉન્ડની કમાન પણ ઇલોન મસ્ક દ્વારા સંભાળવામાં આવી હતી. જોત જોતામાં ઇલોન મસ્ક આ કંપનીમાં વધુ રસ દેખાડતો ગયો હતો. ત્યાર બાદ ઇલોન મસ્ક ટેસ્લા કંપનીનો સીઇઓ બની ગયો હતો. તેના દ્વારા કંપનીના પ્રોડક્શન પર પણ ધ્યાન આપવામાં આવ્યું હતું.
ટેસ્લાનું સંપૂર્ણ ધ્યાન હાઇ સ્પીડ ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર બનાવવા પર હતું અને 2008માં તેમણે પોતાની પહેલી EV રોડસ્ટર લોન્ચ કરી હતી. આ કારને સફળતા મળતાં જ કંપનીએ ખૂબ જ જોર પકડ્યું અને આજે ખૂબ જ મોટું નામ બની ગયું છે. 2010 ટેસ્લા દ્વારા નવા મોડલ પર કામ શરૂ કરવામાં આવ્યું હતું. ટેસ્લા મોડલ Y દ્વારા કંપની ભારતમાં એન્ટ્રી કરી રહી છે એ કારને 2020માં લોન્ચ કરવામાં આવી હતી.
ટેસ્લા પર આવ્યો હતો આર્થિક સંકટ
ઇલોન મસ્કની એન્ટ્રી થઈ હોવા છતાં આ કંપની 2008માં આર્થિક સંકટમાં આવી ગઈ હતી. કંપની નાદારી જાહેર કરે એવી સ્થિતિ સર્જાઈ હતી. એ સમયે મસ્કની સ્ટ્રેટેજી કામ આવી હતી. તેણે ફાઇનાન્સિયલ ક્રાઇસિસ જાહેર કરીને ફંડિંગની શરૂઆત કરી હતી. પહેલાં ફંડિંગ રાઉન્ડની આગેવાની પણ તેણે પોતે કરી હતી. તેની આ યુક્તિથી કંપની આ સંકટમાંથી બહાર આવી હતી. એક રિપોર્ટ અનુસાર કંપનીને બચાવવા માટે ઇલોન મસ્કે પોતાની મિલકતમાંથી પણ ખૂબ જ મોટી રકમ ચૂકવી હતી.
આ પણ વાંચો: ટ્રેડિંગ માટે AI નો કર્યો ઉપયોગ : ચેટજીપીટી અને ગ્રોકની મદદથી દસ દિવસમાં પૈસા કર્યા ડબલ
362 અબજ ડોલરની સંપત્તિનો માલિક છે ઇલોન મસ્ક
ખૂબ જ લાંબા સમયથી ઇલોન મસ્ક દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિની ખુરશી પર પોતાનું સ્થાન બનાવીને બેઠો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ મસ્ક પાસે 362 અબજ ડોલરની સંપત્તિ છે. એની ટોટલ મિલકતમાં ટેસ્લાનો ખૂબ જ મોટો હાથ છે. જોકે છેલ્લા થોડા સમયથી ટેસ્લા ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહી છે. ડીલરશિપનો વિવાદ, પોલિટિક્સ અને ડોનાલ્ડ ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના વિવાદને કારણે ટેસ્લાએ ઘણું સહન કરવું પડી રહ્યું છે.
2024ની ડિસેમ્બર અને 2025ની જાન્યુઆરી દરમ્યાન મસ્કની મિલકત 400 અબજ ડોલરને ક્રોસ કરી ગઈ હતી. જોકે આ સમય દરમ્યાન તેની મિલકતમાં 40 અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા થોડા સમયમાં ટેસ્લાનો સ્ટોક 26 ટકાથી વધુ તૂટી ચૂક્યો છે.