જેમિનીનો સાડી ટ્રેન્ડ થયો વાઇરલ: કેવી રીતે તમારા ફોટોઝને ઓનલાઇન પ્રોટેક્ટ કરશો?
Gemini Saree Trend: ભારતમાં હાલમાં ગૂગલ જેમિની નેનો બનાનાનો વિન્ટેજ સાડી AI ટ્રેન્ડ ખૂબ જ વાઇરલ થયો છે. ચેટજીપીટીના એનિમેશન ફોટોની જેમ આ ટ્રેન્ડ પણ વાઇરલ થયો છે. આ ટૂલની મદદથી યુઝર તેમનો રેગ્યુલર સેલ્ફીને સ્ટાઇલિશ સાડી પહેરેલો ફોટો બનાવી શકે છે. એમાં રેટ્રો સાડી અને બોલીવૂડની જૂની ફિલ્મોની જેમ બેકગ્રાઉન્ડ જોવા મળે છે. જોકે આ ડિજિટલ ટ્રેન્ડને કારણે પ્રાઇવસીને લઈને ઘણાં સવાલો ઊભા થઈ રહ્યાં છે. એક્સપર્ટ લોકોને ચેતવી રહ્યાં છે કે તેઓ જે પણ ઇમેજ અપલોડ કરે છે એ સમજી વિચારીને કરે અને તેમની પ્રાઇવસીને પોતે પ્રોટેક્ટ કરે.
ફોટો અપલોડ કરવામાં શું રિસ્ક રહેલું છે?
મોટાભાગના યુઝર્સ ટ્રેન્ડને ફોલો કરી રહ્યાં છે, પરંતુ એની પાછળ શું રિસ્ક રહેલું છે એ વિશે કોઈને માહિતી નથી. આ પ્રકારના ટ્રેન્ડમાં પ્રાઇવસી અને સિક્યોરિટીને લઈને ઘણી સમસ્યા જોવામાં આવી શકે છે. આ સાથે જ ફોટો અપલોડ કરવાની શરતો પણ ખૂબ જ વિચિત્ર છે. મોટા ભાગના યુઝર્સ એને વાંચતા નથી. આ શરતોમાં લખ્યું છે કે તેઓ અપલોડ કરેલા ફોટોને AI મોડલને ટ્રેનિંગ આપવામાં અને એમાં સુધારા વધારા કરવા માટે ઉપયોગમાં લઈ શકે છે. આથી ઘણાં યુઝર્સ જેઓ તેમનો ફોટો ઓનલાઇન શેર કરી રહ્યાં છે તેમને ખબર નથી કે આ ફોટોનો ઉપયોગ હવે ગૂગલ કેવી રીતે કરશે.
કેવી રીતે ખબર પડશે AI ફોટો છે?
ગૂગલ જેમિની નેનો બનાના ટૂલમાં એક આંખે જોઈ નહીં શકાય એવો ડિજિટલ વોટરમાર્ક હોય છે. એને SynthID તરીકે ઓળખવામાં આવે છે. જેમિની દ્વારા જે પણ ફોટો બનાવવામાં આવે છે અથવા તો એડિટ કરવામાં આવે છે એમાં આ વોટરમાર્કનો સમાવેશ અવશ્ય કરવામાં આવે છે. આ વોટરમાર્કને મેટાડેટા સાથે રાખવામાં આવે છે. આ મેટાડેટા પરથી ખબર પડશે કે ફોટો AI દ્વારા જનરેટ કરવામાં આવ્યો છે. ગૂગલ દ્વારા કહેવામાં આવ્યું છે કે જેમિની 2.5 ફ્લેશ દ્વારા જે પણ ઇમેજ બનાવવામાં આવે છે એમાં આ વોટરમાર્કનો સમાવેશ કરવામાં આવે છે જેથી યુઝર્સની સિક્યોરિટી જાળવી શકાય અને તેમના ડેટાને પ્રોટેક્ટ પણ કરી શકાય.
આ પણ વાંચો: મોબાઇલથી સીધા રોકડા ઉપડશે: હવે ATM નહીં, UPI દ્વારા બનશે શક્ય
ફોટોને સુરક્ષિત કેવી રીતે રાખશો?
એક્સપર્ટ દ્વારા હંમેશાં કહેવામાં આવે છે કે તમારા ફોટોને એકદમ સુરક્ષિત રાખવો અને દુરપયોગથી દૂર રાખવો. બને એટલું સાચવીને ફોટોને અપલોડ કરવું. એવા જ ફોટો અપલોડ કરવા જે જાહેરમાં શેર કરવામાં આવે તો એ તમારા માટે યોગ્ય હોય. ફોટો અપલોડ કરવા રહેલા એમાં રહેલા GPS ડેટા અને અન્ય મેટાડેટા કાઢીને અપલોડ કરવો. દરેક પ્લેટફોર્મના પ્રાઇવસી ઓપ્શનને ધ્યાનથી જોવું. તેમ જ કોણ ફોટો જોઈ શકે છે અને ડાઉનલોડ કરી શકે એ વિશે ધ્યાન આપવું. દરેક ઓરિજિનલ ફોટોનું એક બેકઅપ રાખવું. આ બેકઅપ પરથી યુઝર્સના ફોટોનો જ્યારે દુરપયોગ થાય ત્યારે સાબિતી આપી શકાય છે કે ઓરિજિનલ ફોટો કેવો હતો.