મોબાઇલથી સીધા રોકડા ઉપડશે: હવે ATM નહીં, UPI દ્વારા બનશે શક્ય
Soon Customer Can Withraw Money From UPI: UPIનો ઉપયોગ આજે પૈસા મોકલવામાં અને લેવા માટે કરવામાં આવે છે. જોકે હવે બહુ જલ્દી એનો ઉપયોગ પૈસા ઉપાડવા માટે પણ કરી શકાશે. આજે કોઈ પણ દુકાનમાં પૈસા ચૂકવવા માટે UPIનો ઉપયોગ ફટ કરીને કરવામાં આવે છે. આ સાથે જ બિલ ચૂકવવા માટે અને ઑનલાઇન ખરીદી માટે પણ એનો ઉપયોગ થઈ શકે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા હવે UPI દ્વારા કોડ સ્કેન કરીને પૈસા ઉપાડવા માટેની સુવિધા પણ શરુ કરવા માટે જઈ રહી છે. આ માટે લાખો બિઝનેસ કોરેસ્પોન્ડન્ટ્સ એટલે કે કિરાણાની દુકાન અથવા તો અન્ય નાની-નાની સર્વિસ પોઇન્ટ ધરાવનાર વ્યક્તિ QR કોડ આપશે. ગ્રાહક એને સ્કેન કરીને હવે રોકડા પૈસા પણ મેળવી શકશે.
શું છે આ ફીચર?
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા હાલમાં જ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા પાસે એક પરવાનગી માંગવામાં આવી છે. આ હેઠળ બિઝનેસ કોરેસ્પોન્ડન્ટ્સ ગ્રાહકને રોકડા પૈસા પણ આપી શકશે. ગ્રાહક હાલમાં જે રીતે કોડ સ્કેન કરીને જે-તે વસ્તુ ખરીદી હોય એના પૈસા ચૂકવે છે એ જ રીતે આ ફીચર પણ કામ કરશે. જોકે એમાં વસ્તુ ખરીદવાની જરૂર નહીં પડે, પરંતુ એના બદલામાં રોકડા આપવાના રહેશે. આથી દુકાનદાર રોકડા પૈસા આપશે અને એ પૈસા સીધા તેના બૅન્ક એકાઉન્ટમાં જમા થશે. એક રીતે જોવા જઈએ તો આ લોકલ બૅન્ક એમ કહી શકાય. આ માટે હજી પરવાનગી માંગવામાં આવી છે અને એના વિશે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.
અત્યાર સુધી UPI દ્વારા પૈસા ATM મશીનમાંથી ઉપાડી શકાય છે. જોકે આ માટે UPI સપોર્ટ હોય એવા મશીનની જરૂર પડે છે. દરેક મશીનમાં એ ઉપલબ્ધ નથી. આ સાથે જ કેટલાક દુકાનદારો આ સુવિધા પૂરી પાડે છે, પરંતુ એમાં એક મર્યાદા રાખવામાં આવી છે. આ માટે એક ટ્રાન્ઝેક્શન પર ફક્ત એક હજાર રૂપિયા જ મળી શકે છે. ગ્રામ્ય વિસ્તારમાં આ સેવા બદલ 2000 રૂપિયા મળી શકે છે. જોકે આ સેવા હવે ભારતના 20 લાખથી વધુ બિઝનેસ કોરેસ્પોન્ડન્ટ્સને આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. આથી કોઈ દિવસ બૅન્કના ATMમાં પૈસા નહીં હોય અથવા તો એ ચાલી ન રહ્યું હોય અથવા તો મહિનાની લિમિટ જેવા કોઈ બંધન એમાં નહીં રહે.
![]() |
AI Image |
બિઝનેસ કોરેસ્પોન્ડન્ટ્સ કોણ હોય છે?
એક રીતે જોવા જઈએ તો આ એક નાના-નાના સેન્ટરની જેમ કામ કરે છે. ભારતમાં ઘણી જગ્યા એવી છે જ્યાં હજી પણ બૅન્ક નથી. આથી આ જગ્યાએ જે-તે દુકાનદાર બૅન્કનું એક્સટેન્શન તરીકે કામ કરે છે. તેમને બિઝનેસ કોરેસ્પોન્ડન્ટ્સ કહેવામાં આવે છે. તેઓ દુકાનદાર હોય છે, પરંતુ આ રીતે પણ કામ કરે છે. UPIને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા 2016માં બનાવવામાં આવ્યું હતું. આ સેવા હાલમાં ખૂબ જ પ્રચલિત છે અને લોકો એના પર જ ખૂબ જ કામ કરે છે.
આ પણ વાંચો: આઇફોન 17 પછી હવે 10 નવી પ્રોડક્ટ્સની તૈયારી, જુઓ શું લોન્ચ કરી રહ્યું છે એપલ...
ગ્રાહક કેવી રીતે ઉપયોગ કરી શકશે આ સેવાનો?
સરકાર હાલમાં બૅન્કિંગ સેક્ટરમાંથી UPI દ્વારા પૈસા ઉપાડવાની પ્રોસેસને વધુ સરળ બનાવી રહી છે. જો કોઈ યુઝર હવે બિઝનેસ કોરેસ્પોન્ડન્ટ્સ પાસે જશે ત્યારે તે કોડને સ્કેન કરશે. ગ્રાહકને જેટલા રૂપિયા કેશ જોઈતા હશે એટલા તે UPI દ્વારા પૈસા ચૂકવશે. આ પૈસા તેના ખાતામાંથી કપાઈ જશે અને કોડ સ્કેન કર્યો હોય એના ખાતામાં આવી જશે. આ પૈસા જમા થયાનો મેસેજ આવતાંની સાથે દુકાનદાર તેને પૈસા રોકડા ચૂકવી દેશે.