Get The App

Explainer: પેટ્રોલિયમ પદાર્થો કેમ ‘બ્લેક ગોલ્ડ’ તરીકે ઓળખાય છે? જાણો તેના પ્રકાર અને ઉપયોગો

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
Explainer: પેટ્રોલિયમ પદાર્થો કેમ ‘બ્લેક ગોલ્ડ’ તરીકે ઓળખાય છે? જાણો તેના પ્રકાર અને ઉપયોગો 1 - image

Petroleum Products in India: શું તમે જાણો છો કે વિદેશથી આયાત કરાયેલું ક્રૂડ ઓઇલ ફક્ત તમારી કારની ટાંકી સુધી મર્યાદિત નથી? પેટ્રોલિયમ ઉત્પાદનો આધુનિક સંસ્કૃતિનો આધાર છે. સવારે તમે રસોડામાં જે ગેસ બાળો છો, રસ્તા પર દોડતી કાર, વિમાનની ઉડાન અને તમારા હાથમાંનું પ્લાસ્ટિક પણ… આ બધું જ આ ‘કાળા સોના’માંથી બને છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઓઇલનો ઉપયોગ કરતો દેશ છે. 

ચાલો જાણીએ કે ભારતમાં કેટલા પ્રકારના પેટ્રોલિયમ ઉત્પાદનો છે અને તેનો ઉપયોગ ક્યાં-ક્યાં થાય છે?

પેટ્રોલિયમ ઉત્પાદનોનું વર્ગીકરણ અને રિફાઇનિંગ 

ક્રૂડ ઓઇલ જમીનમાંથી કે સમુદ્રની નીચેથી કાઢવામાં આવે છે, ત્યારે તે સીધા ઉપયોગ માટે યોગ્ય હોતું નથી. રિફાઇનરીઓમાં તેને ‘ફ્રેક્શનલ ડિસ્ટિલેશન’ નામની પ્રક્રિયા દ્વારા ઊંચા તાપમાને ગરમ કરાય છે. આ પ્રક્રિયામાં ઓઇલના વિવિધ ઘટકો તેમના ઉકળતા બિંદુના આધારે અલગ પડે છે. સૌથી હળવા ઘટકો (LPG) ગેસ તરીકે ઉપર વધે છે, જ્યારે ભારે ઘટકો (બિટ્યુમેન) તળિયે સ્થિર થાય છે. આ પ્રક્રિયા દ્વારા ભારતમાં એક ડઝનથી વધુ પેટ્રોલિયમ ઉત્પાદનો બને છે. હાલમાં ભારતની કુલ રિફાઇનિંગ ક્ષમતા પ્રતિ વર્ષ 25.8 કરોડ ટન છે. 

ડીઝલ: ભારતીય અર્થતંત્રનું વાસ્તવિક એન્જિન

હાઇ સ્પીડ ડીઝલ (HSD) ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું પેટ્રોલિયમ ઉત્પાદન છે. તે ભારતના કુલ પેટ્રોલિયમ વપરાશમાં 35%થી વધુ હિસ્સો ધરાવે છે. 

• 2025-26માં ડીઝલનો વપરાશ: 9.1 કરોડ ટન

• 2026-27માં ડીઝલ વપરાશનો અંદાજ: 9.6 કરોડ ટન 

• ટ્રક અને બસ સહિત ડીઝલ ભારતીય રેલવેના એન્જિનો માટે પણ મુખ્ય બળતણ 

• કૃષિ ક્ષેત્રમાં ટ્રેક્ટર અને સિંચાઈ પંપ માટે ડીઝલ અનિવાર્ય 

• ઔદ્યોગિક ક્ષેત્રમાં વીજળી આઉટેજ વખતે જનરેટર ચલાવવા પણ ડીઝલ 

આ જ કારણ છે કે જ્યારે ડીઝલના ભાવ વધે છે, ત્યારે માલવાહક ભાડાં વધે છે અને ફુગાવો વેગ પકડે છે.

આ પણ વાંચો: ઘરમાં એક સમયે કેટલા ગેસ સિલિન્ડર રાખી શકાય? નિયમો તોડનારાને ખાવી પડશે જેલની હવા

પેટ્રોલ: ઝડપથી વધતો વપરાશ

‘મોટર સ્પિરિટ’ કહેવાતું પેટ્રોલ ભારતમાં બીજા ક્રમનું સૌથી વધુ ઉપયોગી બળતણ છે. 2001માં પેટ્રોલનો હિસ્સો માત્ર 7% હતો, આજે તે વધીને લગભગ 18% થઈ ગયો છે. 

• 2025-26માં પેટ્રોલનો વપરાશ: 4 કરોડ ટન

• 2026-27માં પેટ્રોલ વપરાશનો અંદાજ: 4.5 કરોડ ટન 

પેટ્રોલના વધતાં વપરાશ પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે.

• દેશમાં ટુ-વ્હીલર અને કારની સંખ્યામાં સતત વધારો

• પેટ્રોલ એન્જિનની કાર્યક્ષમતામાં સુધારો

• ડીઝલ અને પેટ્રોલ વચ્ચેના ભાવનું અંતર ઘટવું (હાલમાં ₹7-10 પ્રતિ લિટર) 

પેટ્રોલ-ટુ-ડીઝલ રેશિયો, જે એક સમયે 1:7 હતો, તે હવે ઘટીને લગભગ 1:2.3 થઈ ગયો છે, જે દર્શાવે છે કે પેટ્રોલનો વપરાશ ઝડપથી વધી રહ્યો છે.

LPG: ઘરેલુ જીવનરક્ષક ગેસ

લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ(LPG)નો ઉપયોગ મુખ્યત્વે રસોઈ માટે થાય છે. ભારત સરકારની ઉજ્જવલા યોજના જેવી યોજનાઓએ ગ્રામીણ વિસ્તારોમાં LPGને દરેક ઘર સુધી પહોંચાડ્યું છે. 2001માં LPGનો હિસ્સો 7.7% હતો, તે આજે વધીને 13.7% થયો છે.

• 2025-26માં LPGનો વપરાશ: 3.1 કરોડ ટન

• 2026-27માં LPG વપરાશનો અંદાજ: 3.4 કરોડ ટન 

• ફેબ્રુઆરી 2026માં LPGના વપરાશમાં 10.16%નો વધારો 

• પ્રોપેન અને બ્યુટેનનું મિશ્રણ ધરાવતો આ ગેસ હવે ઓટો-LPG તરીકે વાહનોમાં પણ ઉપયોગી

આ પણ વાંચો: ઓઇલ સંકટ વચ્ચે સરકારનું નિવેદન: દેશમાં CNG-LPGનો પૂરતો જથ્થો, અનેક રાજ્યોમાં કોમર્શિયલ LPGની સપ્લાય શરૂ

એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે વિમાનોનું ઈંધણ

એવિએશન ટર્બાઇન ફ્યુઅલ(ATF)એ અત્યંત શુદ્ધ બળતણ છે, જેનો ઉપયોગ વિમાનોમાં થાય છે. ભારત હવે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઘરેલુ ઉડ્ડયન બજાર છે. પ્રવાસન અને વ્યવસાયિક મુસાફરીમાં વધારો થતાં ATFની માંગ ઝડપથી વધી રહી છે.

• 2025-26માં ATFનો વપરાશ: 83.5 લાખ ટન

• 2026-27માં ATF વપરાશનો અંદાજ: 97 લાખ ટન 

• ફેબ્રુઆરી 2026માં ATFના વપરાશમાં 3.33%નો વધારો 

નેફ્થા: પેટ્રોકેમિકલ ઉદ્યોગનો કાચો માલ

નેફ્થા એક હળવું પ્રવાહી છે જેનો ઉપયોગ સીધા બળતણ તરીકે ઓછું પરંતુ પેટ્રોકેમિકલ ઉદ્યોગોમાં વધુ થાય છે. તે પ્લાસ્ટિક, ખાતર અને કૃત્રિમ કાપડના ઉત્પાદન માટે મૂળભૂત કાચો માલ છે. નેફ્થાનો વપરાશ સૌથી ઝડપથી વધી રહ્યો છે. 2026-27માં તેમાં 8.3%નો વધારો થઈને 1.27 કરોડ ટન થવાનો અંદાજ છે.

બિટ્યુમેન: દેશના રસ્તાનો મુખ્ય આધાર

ઓઇલનું શુદ્ધિકરણ પ્રક્રિયા પૂર્ણ થાય છે, ત્યારે છેલ્લે રહી જતાં જાડા, કાળા પદાર્થને બિટ્યુમેન અથવા ડામર કહેવામાં આવે છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં, જ્યાં રસ્તાનું નેટવર્ક સતત વિસ્તરી રહ્યું છે, ત્યાં બિટ્યુમેનનો વપરાશ લગભગ 78 લાખ ટન છે. દરેક નવા ધોરી માર્ગ અને શહેરી રસ્તા પાછળ બિટ્યુમેનનો મોટા પાયે ઉપયોગ થાય છે. 

આ પણ વાંચો: Explainer: ઈરાનનો 'કોહિનૂર' કેમ કહેવાય છે ખાર્ગ આઈલેન્ડ? જાણો અમેરિકાએ આ ટાપુ પર જ કેમ વરસાવ્યા બોમ્બ

પેટ્રોકોક: સિમેન્ટ ફેક્ટરીઓ સહિતના ઉદ્યોગોની પસંદગી

પેટ્રોલિયમ કોક(પેટ્રોકોક)એ સિમેન્ટ ફેક્ટરીઓ અને પાવર પ્લાન્ટમાં કોલસાના વિકલ્પ તરીકે વપરાતું ઘન બળતણ છે. બે દાયકા પહેલાં તેનો હિસ્સો 0.5% કરતાં ઓછો હતો, આજે તે વધીને લગભગ 9% થયો છે અને તે ચોથા ક્રમનું સૌથી મોટું પેટ્રોલિયમ ઉત્પાદન છે. તેની ઉચ્ચ થર્મલ ક્ષમતા તેને ભારે ઉદ્યોગો માટે પ્રિય બનાવે છે, જોકે પર્યાવરણીય પ્રતિબંધોએ તેની વૃદ્ધિને કંઈક અંશે મર્યાદિત કરી છે.

લુબ્રિકન્ટ્સ: મશીનરીની સુરક્ષાની સૌથી ઉત્તમ દવા

લુબ્રિકન્ટ્સ અને ગ્રીસનો ઉપયોગ મશીનના ભાગોને ઘસારાથી બચાવવા માટે થાય છે. ઓટોમોબાઇલથી લઈને મોટા કારખાનામાં ઘર્ષણ ઘટાડવા માટે વાર્ષિક લગભગ 45 લાખ ટન લુબ્રિકન્ટનો ઉપયોગ થાય છે.

કેરોસીન એટલે કે ઘાસલેટ એટલે અંતિમ સમયની યાત્રા

સુપિરિયર કેરોસીન ઓઇલ(SKO)ની સ્થિતિ ભારતના ઊર્જા પરિવર્તનમાં સૌથી નાટકીય છે. 2001માં તેનો હિસ્સો લગભગ 11% હતો અને તે બીજા ક્રમનું સૌથી મોટું પેટ્રોલિયમ ઉત્પાદન હતું. આજે તે ઘટીને માત્ર 0.2% રહી ગયો છે. LPGના વ્યાપક વિસ્તરણ અને વીજળીની પહોંચને કારણે કેરોસીનનો ઉપયોગ હવે દૂરના ગ્રામીણ વિસ્તારો અથવા વિશિષ્ટ ઔદ્યોગિક ઉપયોગો સુધી મર્યાદિત છે.

અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનો

આ ઉત્પાદનો સિવાય ભારતમાં નીચેના પેટ્રોલિયમ ઉત્પાદનોનો પણ ઉપયોગ થાય છે. જેમ કે... 

• ફર્નેસ ઓઇલ (FO): ઔદ્યોગિક ભઠ્ઠીઓ માટે લગભગ 2.6% 

 લૉ સલ્ફર હેવી સ્ટોક (LSHS): ઉદ્યોગોમાં બળતણ તરીકે

 સોલ્વન્ટ્સ: પેઇન્ટ અને રસાયણ ઉદ્યોગમાં

આ પણ વાંચો: સિલિન્ડર સંકટ વચ્ચે કેન્દ્ર સરકારની ઓફર, LPGમાંથી PNGમાં શિફ્ટ થશો તો મળશે ફ્રી ગેસ

ભારતની ક્રૂડ ઓઇલ આયાત અને ઊર્જા સુરક્ષા

ભારત ક્રૂડ ઓઇલની જરૂરિયાતનો 88% થી વધુ હિસ્સો આયાત કરે છે. દૈનિક વપરાશ લગભગ 55 લાખ બેરલ છે. આયાત સ્ત્રોતોમાં વૈવિધ્યતા લાવવા માટે ભારતે નીચે મુજબના પગલાં લીધાં છે.

• હાલમાં ભારત 40 થી વધુ દેશોમાંથી ક્રૂડ આયાત કરે છે. 

• 2022 પછી રશિયામાંથી આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે. ફેબ્રુઆરી 2026માં કુલ આયાતમાં રશિયાનો હિસ્સો 20% હતો. 

• ભારતની આયાતનું 70% ક્રૂડ હવે હોર્મુઝની ખાડી સિવાયના માર્ગો પરથી આયાત થાય છે. 

• અમેરિકામાંથી LPG આયાત માટે 22 લાખ ટન પ્રતિ વર્ષનો કરાર કરાયો છે. 

ભારતનું સ્થાનિક ઉત્પાદન અપૂરતું

સ્થાનિક ઉત્પાદન રાજસ્થાન, ગુજરાત અને મુંબઈ હાઈ ક્ષેત્રોમાંથી થાય છે, પરંતુ વધતા વપરાશને પહોંચી વળવા એ અપૂરતું છે. આ માટે ભારત વૈકલ્પિક ઊર્જાની દિશામાં આગળ વધી રહ્યું છે. પેટ્રોલિયમ ઉત્પાદનો પરની નિર્ભરતા ઘટાડવા ભારત સરકાર અનેક પગલાં લઈ રહી છે. જેમ કે... 

1. ઇથેનોલ મિશ્રણ: 2014માં 1.5% હતું તે વધીને 2025માં 20% થયું છે. આનાથી વાર્ષિક લગભગ 4.4 કરોડ બેરલ ક્રૂડ ઓઇલની બચત થાય છે. 2014થી અત્યાર સુધીમાં 19 કરોડ બેરલથી વધુ ક્રૂડ આયાતમાં બચત થઈ છે.

2. ઈલેક્ટ્રિક વાહનો (EVs): 2019-20ની સરખામણીમાં 2023-24માં EV નોંધણી લગભગ 9.7 ગણી વધી છે. 2025-26માં લગભગ 23 લાખ EV વેચાણનો અંદાજ છે.

3. બહુ-ઈંધણ અભિગમ: CNG, LNG, હાઇડ્રોજન અને બાયો ફ્યુઅલ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

ભારત ઓઇલ ક્ષેત્રે દિગ્ગજ બની રહ્યું છે

આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (IEA)ના જણાવ્યા મુજબ, આગામી દસ વર્ષમાં ભારત ઓઇલની વૈશ્વિક સ્તરની માંગનો સૌથી મોટો સંચાલક બનશે અને ચીનને પાછળ છોડી દેશે. 2035 સુધીમાં ભારતનો ઓઇલ વપરાશ દૈનિક 55 લાખ બેરલથી વધીને 80 લાખ બેરલ થવાનો અંદાજ છે. ભારતમાં હાલમાં કુલ 23 રિફાઇનરી કાર્યરત છે. આ તમામ રિફાઇનરીની સંયુક્ત ક્ષમતા પ્રતિ વર્ષ 26 કરોડ ટન છે. ભારત સરકારનો લક્ષ્યાંક આ ક્ષમતાને વધારીને પ્રતિ વર્ષ 30 કરોડ ટન કરવાનો છે.