GTA 6 Beta Version: જો તમે પણ મોસ્ટ અવેટેડ ગેમ 'ગ્રાન્ડ થેફ્ટ ઓટો 6’ (GTA VI)ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. બે વખત પાછી ઠેલાયા બાદ આખરે 19 નવેમ્બરના રોજ લોન્ચ થવા જઈ રહેલી આ ગેમનો ક્રેઝ વટાવવા માટે સાયબર ઠગો સક્રિય થઈ ગયા છે. ગેમર્સની ઉત્સુકતાનો ફાયદો ઉઠાવીને ફેક ઇમેઇલ્સ અને વેબસાઇટ્સ દ્વારા 'બીટા વર્ઝન'ની વહેલી એક્સેસ આપવાના બહાને એક નવું ફિશિંગ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.
નકલી મેઇલ મોકલવા માટે AIનો ઉપયોગ
સાયબર સિક્યોરિટી ફર્મ 'નોર્ડ સિક્યોરિટી'ના ગ્લોબલ અફેર્સના વાઇસ પ્રેસિડેન્ટ ગેરાલ્ડ કાસુલિસે ચેતવણી આપતા જણાવ્યું છે કે, સ્કેમર્સ સત્તાવાર દેખાતા મેઇલ અને કમ્યુનિકેશન તૈયાર કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો સહારો લઈ રહ્યા છે. ગેમર્સને મોકલવામાં આવતા ઇમેઇલ એટલા પ્રોફેશનલ અને સત્તાવાર લાગે છે કે સામાન્ય યુઝર્સ સરળતાથી છેતરાઈ જાય છે. AIની મદદથી સ્કેમર્સ અસલી વેબસાઇટની હૂબહૂ નકલ બનાવી રહ્યા છે, જેના કારણે યુઝર્સ તેની સત્યતા તપાસ્યા વિના લિંક્સ પર ક્લિક કરી બેસે છે.
પર્સનલ વિગતો અને આઈડી-પાસવર્ડની ચોરી
નોર્ડ સિક્યોરિટીના રિપોર્ટ અનુસાર, ઇન્ટરનેટ પર આવી ઘણી નકલી વેબસાઇટ્સ એક્ટિવ થઈ છે જે વહેલી એક્સેસ આપવાનો દાવો કરે છે.
• આ સાઇટ્સ પર યુઝર્સ પાસેથી તેમનું નામ, સરનામું, જન્મતારીખ જેવી અંગત વિગતો માંગવામાં આવે છે.
• કેટલાક કિસ્સામાં યુઝર્સની વર્તમાન ઓનલાઇન ગેમ્સના લોગઇન આઈડી અને પાસવર્ડ પણ ચોરી લેવામાં આવે છે.
• ગેમ ડાઉનલોડ કરવાના નામે યુઝર્સના કમ્પ્યુટર કે મોબાઇલમાં ખતરનાક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી દેવામાં આવે છે.
PC અને એન્ડ્રોઇડ યુઝર્સ સોફ્ટ ટાર્ગેટ
રોકસ્ટાર ગેમ્સ દ્વારા હજુ સુધી PC અથવા એન્ડ્રોઇડ પ્લેટફોર્મ માટે આ ગેમ ઉપલબ્ધ કરાવવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેમ છતાં, સ્કેમર્સ ખાસ કરીને PC અને એન્ડ્રોઇડ યુઝર્સને નિશાન બનાવી રહ્યા છે. જો કોઈ ગેમર આ ફેક લિંક પરથી સોફ્ટવેર ડાઉનલોડ કરે છે, તો માલવેરના કારણે તેના કમ્પ્યુટર કે ફોનનો કંટ્રોલ હેકર્સ પાસે પહોંચી જાય છે, જેનાથી બેંકિંગ વિગતો ચોરી થવાનું જોખમ અનેકગણું વધી જાય છે.
આ પણ વાંચો: હવે માણસના મોતની આગોતરી જાણ થઈ જશે! વિજ્ઞાનીઓની નવી શોધથી દુનિયાભરમાં હલચલ
ગેમર્સે શું કરવું જોઈએ?
જો તમે પણ આવી કોઈ શંકાસ્પદ લિંકનો ભોગ બન્યા હોવ તો સાવચેતીના આ પગલાં તાત્કાલિક ભરો:
• કોઈ ઓફિશિયલ બીટા પ્રોગ્રામ નથી: રોકસ્ટાર ગેમ્સ દ્વારા GTA VI માટે આવો કોઈ વહેલી એક્સેસ કે બીટા ટેસ્ટિંગ પ્રોગ્રામ શરૂ કરાયો નથી.
• સત્તાવાર સ્ત્રોત પર જ ભરોસો કરો: ગેમ સંબંધિત કોઈપણ અપડેટ માટે માત્ર રોકસ્ટાર ગેમ્સની ઓફિશિયલ વેબસાઇટ, પ્લેસ્ટેશન સ્ટોર અથવા એક્સબોક્સ માર્કેટપ્લેસની જ મુલાકાત લો.
• પાસવર્ડ બદલો: જો તમે ભૂલથી પણ કોઈ અજાણી સાઇટ પર તમારા ગેમિંગ એકાઉન્ટનો પાસવર્ડ નાખ્યો હોય, તો તેને તાત્કાલિક બદલી નાખો અને ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન અનેબલ કરો.


