માત્ર આટલા રૂપિયામાં એડલ્ટ વીડિયોઝ બનાવી આપશે Grok! 'સ્પાઈસી મોડ'થી સેક્સટોર્શનના કેસ વધવાનો ખતરો
Grok AI Spicy Mode Create Controversy: ઇલોન મસ્કની કંપની xAIના ગ્રોક ચેટબોટના એક ફીચરને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. ગ્રોકમાં સ્પાઈસી મોડ ફીચર આપવામાં આવ્યું છે. આ ફીચરનો ઉપયોગ કરીને યુઝર્સ એડલ્ટ કન્ટેન્ટ બનાવી શકે છે. તેમ જ આ ફીચરને લઈને સેક્સટોર્શન જેવા કેસ વધવાના પણ ચાન્સ છે. ગ્રોક સ્પાઈસી મોડમાં કોઈ પણ એક ફોટોની મદદથી એક નાનકડી ક્લિપ બનાવી શકે છે. આ ક્લિપ સ્પાઈસી પણ હોઈ શકે છે. એટલે કે એક ફોટોમાં કપલ સાથે હોય તો એને કિસ કરતાં પણ દેખાડી શકાય છે.
આ ફીચરનો ઉપયોગ કરવા માટે ગ્રોકનું સબ્સ્ક્રિપ્શન લેવું પડે છે. આ ફીચર માટે મહિનાના 700 રૂપિયા ચૂકવવાના રહેશે. એટલે કે 700 રૂપિયામાં હવે કોઈ પણ વ્યક્તિ ફોટોમાંથી એડલ્ટ કન્ટેન્ટ બનાવી શકે છે. ગ્રોક દ્વારા ઇમેજિન લોન્ચ કરવામાં આવ્યું છે અને એમાં જ સ્પાઈસી મોડ આપવામાં આવ્યું છે. આ એક AI ટૂલ છે જે ફોટો અને વીડિયો બનાવવા માટે મદદરૂપ થાય છે. ગ્રોક પ્રીમિયમ+ સબ્સ્ક્રાઇબર્સ એનો આઇફોન પર ઉપયોગ કરી શકે છે. એન્ડ્રોઇડ યુઝર્સ દ્વારા આ માટે હેવી સબ્સ્ક્રિપ્શન લેવું પડશે.
ગ્રોકના સ્પાઈસી મોડ ફીચરને લઈને લોકોની ચિંતા વધી રહી છે એ ખૂબ જ વ્યાજબી છે. આ ફીચરની મદદથી કોઈ પણ યુઝર કમાન્ડ દ્વારા વીડિયો બનાવી શકે છે. તેમ જ કોઈ જૂના ફોટો અથવા તો કોઈ અન્ય વ્યક્તિના ફોટો પરથી પણ એની ક્લિપ બનાવી શકે છે. આથી આ ફીચર જેટલું સારું એટલું જ ખતરનાક પણ છે. ડીપફેક જેટલું ખતરનાક છે સ્પાઈસી મોડ બોલીવૂડની જ નહીં, પરંતુ દુનિયાભરની ઘણી સેલિબ્રિટીઝના ડીપફેક વીડિયો ઇન્ટરનેટ પર જોવા મળી રહ્યાં છે. આ કારણસર ઘણાં લોકોએ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. રશ્મિકા મંદાનાથી લઈને ઘણી અભિનેત્રીઓની ઊંઘ ઊડી ગઈ હોય એવા વીડિયો વાઇરલ થયા છે.
ગ્રોકનું સ્પાઈસી મોડ ભારતમાં ઉપલબ્ધ છે?
AIના ઘણાં ફીચર્સ એવા હોય છે જે દરેક દેશમાં નથી હોતા. જોકે ગ્રોકનું સ્પાઈસી મોડને દુનિયાભરમાં રિલીઝ કરવામાં આવ્યું છે અને એમાં ભારતનો પણ સમાવેશ થાય છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે કેટલીક શરતોનું પાલન કરવું પડશે. જો કોઈ વ્યક્તિ મહિલાનો ફોટો અપલોડ કરીને સ્પાઈસી મોડનો ઉપયોગ કરે તો એ ગેરકાયદેસરનું કૃત્ય ગણાશે અને એ માટે સજા પણ થઈ શકે છે.
પ્રાઇવસીનો થશે ભંગ
આ ફીચરનો ઉપયોગ કરીને જો એડલ્ટ કન્ટેન્ટ બનાવવામાં આવ્યું તો એ જે-તે વ્યક્તિની પ્રાઇવસીનું ઉલ્લંઘન કહેવાશે. એ ગેરકાનૂની પણ છે. આ માટે જે-તે વ્યક્તિ વીડિયો અથવા તો ફોટોને લઈને પોલીસ ફરિયાદ પણ કરી શકે છે. xAI દ્વારા પહેલેથી જ કહી દેવામાં આવ્યું છે કે એનો દુરઉપયોગ કરવાથી પોલીસ કેસ થઈ શકે છે. xAI દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યાં છે જેમ કે કોઈ પણ વ્યક્તિ સેલિબ્રિટીઝના એડલ્ટ કન્ટેન્ટ નહીં બનાવી શકે. આ માટે ગ્રોક સામેથી ના પાડી દેશે. જોકે સામાન્ય વ્યક્તિના ફોટો અને વીડિયો અપલોડ કરી શકાય છે જેને કારણે પ્રાઇવસીને લઈને ખૂબ જ મોટું જોખમ ઊભું થઈ રહ્યું છે.
પ્રાઇવસીને સુરક્ષિત કેવી રીતે રાખશો?
ગ્રોકમાં ફેસ રિકગ્નિશન અને આઇડેન્ટિટી વેરિફિકેશન ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટૂલને કારણે જાણીતી વ્યક્તિના ફોટોનો દુરઉપયોગ નહીં કરી શકાય. સામાન્ય વ્યક્તિના ફોટોનો ઉપયોગ થઈ શકે છે, પરંતુ આ સામે જે વ્યક્તિને સમસ્યા હોય એ તરત રિપોર્ટ કરી શકે છે. આ પ્રકારના રિપોર્ટ માટે એક સ્પેશ્યલ ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ટીમ દ્વારા તરત જ એના પર એક્શન લેવામાં આવશે. ગ્રોક ઘણાં દેશોમાં કામ કરે છે. મોટાભાગના દેશની પોલિસી ખૂબ જ અલગ હોય છે. આથી ગ્રોક માટે ગ્લોબલ પોલિસી બનાવવાની તકલીફ પડે છે. જોકે એમ છતાં તેણે દરેક દેશના કાયદા અનુસાર પોલિસી બનાવવાની કોશિશ જરૂર કરી છે. ઘણી વાર દેશ દ્વારા પણ કેટલાક કન્ટેન્ટ પર સવાલ ઉઠાવવામાં આવે છે ત્યારે પ્લેટફોર્મ દ્વારા એના પર એક્શન લેવામાં આવે છે.
સ્પાઈસી મોડ ખૂબ જ જોખમી છે
ભારતમાં કોઈના પણ ફોટોને એડલ્ટ કન્ટેન્ટ બનાવવું ગેરકાયદેસર છે. ભારતમાં એના માટે કાનૂન પણ બનાવવામાં આવ્યો છે. ભારતીય ન્યાય સંહિતા 2023 અનુસાર ધારા 354C અને ધારા 509 હેઠળ કેસ ફાઇલ કરી શકાય છે. આ સાથે જ IT એક્ટ 2000ની ધારા 66E, ધારા 67 અને ધારા 67A હેઠળ પણ કેસ ફાઇલ કરી શકાય છે.