ફરવા જાઓ ત્યારે જરૂર ડાઉનલોડ કરી રાખો સરકારની આ એપ: ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલન પર મળશે ઍલર્ટ
Sachet Alert App: ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હાલમાં ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે. ચાર ધામમાં આવેલા ગંગોત્રી નજીક ઘરાલીમાં જે વાદળ ફાટ્યું હતું એના કારણે મોટાભાગનું એક આખા ગામનો નાશ થઈ ગયો છે. ચોમાસામાં પહાડો પર ફરવા જવું ખૂબ જ જોખમી છે. આથી જો કોઈ પણ પર્વત પર ફરવા જવાની કોશિશ કરી રહ્યું હોય તો તેમના માટે સચેત એપ્લિકેશન ખૂબ જ મદદરૂપ બની શકે છે. આ એપ્લિકેશનની મદદથી યુઝરને કુદરતી આફતો વિશે એલર્ટ મળી રહેશે.
શું છે સચેત એપ્લિકેશન?
આ માટે યુઝર્સ દ્વારા પહેલાં તેમના મોબાઇલમાં સચેત એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ભારત સરકારની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા આ એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ એપ્લિકેશનમાં યુઝર્સને વરસાદ, પૂર, ચક્રવાત, ભૂસ્ખલન, ત્સુનામી, જંગલમાં લાગેલી આગ, બરફના પર્વતનું સ્ખલન, તોફાન, વાવાઝોડું અને વિજળીઓનું પડવું વગેરે કુદરતી આફતો વિશે એલર્ટ આપવામાં આવશે. ભારત સરકારની સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલેમેટિક્સ દ્વારા એને ડેવલપ કરવામાં આવી છે. આ એપ્લિકેશન આઇફોન અને એન્ડ્રોઇડ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
શા માટે બનાવવામાં આવી આ એપ્લિકેશન?
આ એપ્લિકેશનનો મુખ્ય હેતુ લોકોને જે-તે વિસ્તારમાં પરિસ્થિતિ વિશે જણાવવાનો છે. જો કોઈ વ્યક્તિ ફરવા જઈ રહ્યું હોય તો ત્યાંની જાણકારી એ વ્યક્તિને મળવી જોઈએ. આ સાથે જ સરકારી એલર્ટ પણ જે આવે છે એ આ એપ્લિકેશન દ્વારા આપવામાં આવે છે. યુઝરના લોકેશનના આધારે અથવા તો તે જે જગ્યા વિશે સર્ચ કરી રહ્યો છે એ વિશે તેમને એલર્ટ આપવામાં આવશે.
12 ભાષામાં આપશે એલર્ટ
આ એપ્લિકેશન ભારતની 12 ભાષામાં એલર્ટ આપશે. એમાં ટ્રાન્સલેશન અને ટેક્સ્ટ-ટૂ-સ્પીચ ફીચર્સ પણ છે. આથી દરેક વ્યક્તિ પોતાની ભાષામાં આ એપ્લિકેશનનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરી શકશે. તેમ જ આ એલર્ટ તેમને રિયલ-ટાઇમમાં આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઘરાલીમાં ઉપર વાદળ ફાટ્યું હોય તો નીચે રહેનાર ગામના વ્યક્તિઓને એલર્ટ આપવામાં આવશે. આથી તેમને પોતાની જાન બચાવવા માટે થોડો સમય મળી શકે. ભલે પછી એ એક અથવા તો બે મિનિટ કેમ ન હોય.
આ પણ વાંચો: માઇક્રોસોફ્ટનો દાવો: 2030 સુધીમાં વિન્ડોઝ પણ ‘જાર્વિસ’ની જેમ જોઈ શકશે, સાંભળશે અને બોલશે
શું કરવું અને શું નહીં એની પણ આપશે જાણકારી
આ એપ્લિકેશન પર એલર્ટ મળવાની સાથે જે-તે કુદરતી આફતમાં શું કરવું અને શું નહીં એની પણ માહિતી આપવામાં આવશે. તેમ જ કયા વિસ્તારમાં અસર થઈ છે અને ત્યાં કઈ સરકારી હેલ્થ સુવિધા છે એની તમામ જાણકારી પણ આપવામાં આવશે. આ સાથે જ કોઈ કુદરતી આફત દરમિયાન કયા રસ્તેથી જવું સુરક્ષિત છે એ વિશે પણ માહિતી આપવામાં આવશે. આ એપ્લિકેશન એક રીતે જોવા જઈએ તો દરેક માટે ખૂબ જ મહત્વની છે. કુદરતી આફતમાં પોતાનો જીવ બચાવવા સમયસર માહિતગાર હોવું જરૂરી છે. આથી યુઝરે ફક્ત નોટિફિકેશન ઓન કરવાનું રહેશે અને તેમને સમય સમયે એલર્ટ મળતો રહેશે.