Grok is Under Pressure: ઇલોન મસ્કનું સોશિયલ મીડિયા X હાલમાં ખૂબ જ ટીકાઓનો સામનો કરી રહ્યું છે. દુનિયાભરની સરકાર એના પર પ્રેશર લાવી રહી છે અને એથી એ હાલમાં ક્રાઇસિસનો સામનો કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ગ્રોક AIનો ઉપયોગ કરીને ઘણાં અશ્લીલ અને નગ્ન ફોટો શેર કરવામાં આવી રહ્યાં છે. આ AIને કારણે દુનિયાભરની ઘણી મહિલાઓના ફોટો નગ્ન ફરી રહ્યાં છે. એમાં જાણીતી મોડલ, ન્યૂઝ એન્કર, ક્રાઇમ વિક્ટિમ અને વિશ્વભરના ઘણી લોકપ્રિય મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આથી એ પ્રકારના ફોટોને કારણે ગ્રોક પર તવાઈ આવી રહી છે.
AI દ્વારા જનરેટ કરવામાં આવી રહ્યાં છે નગ્ન ફોટો
એક રિપોર્ટ અનુસાર ગ્રોકનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર એક મિનિટમાં એક નગ્ન ફોટો અપલોડ થઈ રહ્યો છે. જોકે એક ટેસ્ટ દ્વારા જાણવા મળ્યું હતું કે આ આંકડો રિયલમાં એના કરતાં વધુ છે. જાન્યુઆરી 5 અને 6 દરમ્યાન કરવામાં આવેલા ટેસ્ટમાં એક કલાકમાં લગભગ 6700 નગ્ન ફોટો શેર કરવામાં આવ્યાં હતાં. આ ઝડપે ફોટો અપલોડ થતાં વિશ્વભરના દેશ અને તેમની સરકાર હવે ઇલોન મસ્કની કંપની પર પ્રેશર લાવી રહી છે.
ઇલોન મસ્ક નથી ઇચ્છતો કે ગ્રોક પર નિયમ લાગુ પડે?
યુરોપિયન કમિશન હાલમાં દુનિયાભરમાં બાળકોની સેફ્ટીને લઈને ખૂબ જ કામ કરી રહ્યું છે. તેમના દ્વારા xAIને ઓર્ડર આપવામાં આવ્યો છે કે તેઓ ગ્રોકને લઈને તમામ ડોક્યુમેન્ટને સાચવીને રાખે. તેઓ આ માટે કોઈ નવું ઇન્વેસ્ટિગેશન શરૂ નથી કરી રહ્યાં, પરંતુ કંપની પર કોઈ પણ એક્શન લેવા પહેલાં તેમને ચેટબોટના ડેટા સાચવવા માટે કહી દેવામાં આવ્યું છે જેથી ભવિષ્યમાં શું એક્શન લેવું એ નક્કી કરી શકાય. હાલમાં એવી ચર્ચા છે કે ઇલોન મસ્ક નથી ઇચ્છતો કે ગ્રોક દ્વારા ઇમેજ જનરેશન પર કોઈ લગામ લગાવવામાં આવે. આથી તે પર્સનલી વચ્ચે પડીને કંપનીને કોઈ એક્શન લેવા માટે પરવાનગી નથી આપી રહ્યો હોવાની ચર્ચા છે. આ ચર્ચા બાદ યુરોપિયન કમિશન દ્વારા તેમને તમામ ડોક્યુમેન્ટ સાચવીને રાખવા માટે કહી દેવામાં આવ્યું છે.
કંપનીએ શું કહ્યું?
AIની મદદથી બાળકોના અશ્લીલ ફોટો બનાવવા માટે કંપનીએ એની ટીકા કરી છે. આ વિશે કંપનીએ સ્ટેટમેન્ટ આપ્યું કે ‘ગેરકાયદેસરના કન્ટેન્ટને અપલોડ કરનારને જે સજા મળે છે એ જ સજા ગ્રોકને એવા કન્ટેન્ટ બનાવવા માટે કમાન્ડ આપનાર વ્યક્તિને પણ એટલી જ સજા થશે.’ દુનિયાભરના દેશની સરકારી એજન્સી દ્વારા હવે કંપનીને ખૂબ જ સખત ચેતવણી આપવામાં આવી રહી છે. યુનાઇટેડ કિંગડમ દ્વારા હાલમાં xAI સાથે વાતચીત કરવામાં આવી રહી છે. બહુ જલદી તેઓ પણ કંપનીને ઇન્વેસ્ટિગેટ કરવા માટેનો વોરન્ટ મેળવી શકે છે.
આ પણ વાંચો: જેમિની સામે ફિકૂ પડી રહ્યું છે ચેટજીપીટી: માર્કેટ શેરમાં આગળ વધી રહ્યું છે ગૂગલનું AI
દુનિયાભરના દેશનું રીએક્શન
ઓસ્ટ્રેલિયાની ઇસેફ્ટી કમિશનર જૂલી ઇનમેન-ગ્રાન્ટના જણાવ્યા અનુસાર 2025ના અંતથી ગ્રોક સામે ખૂબ જ ફરિયાદ આવી રહી છે અને એમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. જોકે અત્યાર સુધી એ વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં નથી આવ્યાં. ઇન્ડિયા દ્વારા પણ ગ્રોક વિરુદ્ધ એક ફરિયાદ કરવામાં આવી છે. ભારતની મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી દ્વારા સાતમી જાન્યુઆરીએ Xને ફરિયાદ કરવામાં આવી હતી અને એ વિરુદ્ધ તેમણે શું એક્શન લીધા છે એ 72 કલાકની અંદર જણાવવા માટે કહ્યું હતું. જોકે થોડા સમય બાદ એમાં વધુ 48 કલાકની મુદ્દતનો વધારો કરવામાં આવ્યો હતો. ઇલોન મસ્કની કંપની દ્વારા એનો જવાબ આપવામાં આવ્યો છે, પરંતુ એવી ચર્ચા છે કે એમાં મુખ્ય માહિતીનો સમાવેશ કરવામાં નથી આવ્યો.


