Get The App

આઇફોન અને આઇપેડના ડેટા ચોરી થવાનો ખતરો, સરકાર દ્વારા યુઝર્સને અપાઈ ચેતવણી

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
આઇફોન અને આઇપેડના ડેટા ચોરી થવાનો ખતરો, સરકાર દ્વારા યુઝર્સને અપાઈ ચેતવણી 1 - image


Government Give Warning for Apple Device: ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા આઇફોન અને આઇપેડ યુઝર માટે ચેતવણી આપવામાં આવી છે. એપલની ઓપરેટિંગ સિસ્ટમમાં ખામી હોવાથી યુઝર્સના ડેટા ચોરી થવાનો ભય રહેલો છે. આઇફોનની iOS 18.3થી નીચેની ઓપરેટિંગ સિસ્ટમ અને iPadOS 17.7.3થી નીચેની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતાં હોય તેવા યુઝર્સ માટે ખૂબ જ મોટું જોખમ છે. આથી આ ખામીને કારણે યુઝર્સ પોતાના ડેટા ગુમાવવાની સાથે મોબાઇલનો ઉપયોગ પણ નહીં કરી શકે એવું બની શકે છે.

ખામીને કારણે ઘણી એપલ ડિવાઇસ પર અસર

ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા એપલની ઘણી નવી અને જૂની ડિવાઇસમાં ખામી જોવા મળી છે. આઇફોન XSથી લઈને આઇફોન 16 અને આઇપેડ પ્રો, એર, મિની અને સ્ટાન્ડર્ડ મોડલના વિવિધ આઇપેડમાં પણ આ ખામી જોવા મળી છે. આથી યુઝર કઈ ડિવાઇસનો ઉપયોગ કરે છે એ નહીં, પરંતુ કઈ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે એ મહત્ત્વનું છે.

નોટિફિકેશનમાં છે સમસ્યા

આઇફોન અને આઇપેડની નોટિફિકેશન સિસ્ટમમાં ખામી છે. આ એક એપલનું ઇન્ટર્નલ મેસેજિંગ ફ્રેમવર્ક છે અને એમાં જ ખામી છે. આથી કોઈ પણ ઍપ્લિકેશન કોઈ પણ પ્રકારની પરવાનગી વગર સિસ્ટમ-લેવલનું નોટિફિકેશન મોકલી શકે છે. આ ખામીને કારણે ડિવાઇસને ક્રેશ કરી શકાય છે. આ ડિવાઇસને થોડા સમય માટે હેન્ગ પણ કરી શકે છે.

આઇફોન અને આઇપેડના ડેટા ચોરી થવાનો ખતરો, સરકાર દ્વારા યુઝર્સને અપાઈ ચેતવણી 2 - image

ખામીને કારણે થઈ શકે છે નુકસાન

યુઝર જ્યાં સુધી મોબાઇલને રિસ્ટોર કરે ત્યાં સુધીમાં તમામ ડેટા ચોરાઈ ગયો હોઈ શકે છે. હેકર્સ આ ખામીનો ઉપયોગ કરીને ડેટા ચોરી કરી શકે છે, જેમાં પર્સનલ અને નાણાકીય માહિતી પણ હોઈ શકે છે. બિલ્ટ-ઇન સુરક્ષા સિસ્ટમને પણ બાયપાસ કરી શકાય છે. કેટલાક કેસમાં યુઝરની ડિવાઇસને સંપૂર્ણ રીતે ક્રેશ પણ કરી શકાય છે, જેથી એનો ઉપયોગ કરવો શક્ય નથી. આથી સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવા ઘણાં કેસ સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો: તૂફાન અને પૂર જેવી આફતો માટે દુનિયાની સૌથી શક્તિશાળી સમુદ્ર સિમ્યુલેશન સિસ્ટમ શરુ કરવામાં આવી ચીનમાં

એપલે રિલીઝ કરી સુરક્ષા અપડેટ

એપલ દ્વારા આ ખામીને દૂર કરવા માટે નવી સુરક્ષા અપડેટ આપવામાં આવી છે. આ અપડેટ આઇફોન અને આઇપેડ બન્ને માટે છે. આથી યુઝરને શક્ય તેટલી જલદી આ નવી ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. સાથે જ યુઝરે અનવેરિફાઇડ ઍપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાથી દૂર રહેવું જોઈએ. જો મોબાઇલ વિચિત્ર વર્તન કરે, તો તેના પર ફોકસ કરવું. જો યુઝર કોઈ એક્ટિવિટી ન કરી રહ્યો હોય અને તેમ છતાં ફોન ઓટોમેટિક ઓપરેટ થાય, તો થોડું ચેતીને રહેવું.

Tags :