Get The App

AI પાછળ ગૂગલનો અંધાધૂંધ ખર્ચ! 2026માં જ ભારતના કુલ સંરક્ષણ બજેટ કરતાં બમણો ખર્ચ કરશે ટેક જાયન્ટ

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
AI પાછળ ગૂગલનો અંધાધૂંધ ખર્ચ! 2026માં જ ભારતના કુલ સંરક્ષણ બજેટ કરતાં બમણો ખર્ચ કરશે ટેક જાયન્ટ 1 - image

Google Budget for AI: સિલિકોન વેલીની મોટી ટેક કંપનીઓ Alphabet (Google), Microsoft, Meta અને Amazonએ બુધવારે તેમની Q1 આવક જાહેર કરી હતી. તમામ કંપનીઓએ 2026માં AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કરાયેલા તેમના વિશાળ ખર્ચની વિગતો જાહેર કરી હતી. આ કંપનીઓ એવાં સ્તરે ખર્ચ કરવા તૈયાર છે જે ટેક્નોલોજી ઉદ્યોગે પહેલાં ક્યારેય જોયો નથી. માત્ર ગૂગલની પેરેન્ટ કંપનીએ જ આ વર્ષે AI પર આશરે $190 અબજ ખર્ચ કરવાની તૈયારી દેખાડી છે. ભારતના કુલ સંરક્ષણ બજેટ કરતાં એ બમણી છે.

ભારતના રક્ષા બજેટ સાથે સરખામણી

આ આંકડાને સમજવા માટે ભારતની નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે 2026–27ના કેન્દ્રીય બજેટમાં રક્ષા માટે ₹7.85 લાખ કરોડ (લગભગ $87 અબજ) ફાળવ્યા હતા. ગૂગલનો AI ખર્ચ આ રકમથી બમણો છે. હકીકતમાં તો આ રકમ હંગેરી અથવા ઇક્વાડોર જેવા દેશોના કુલ GDP કરતાં પણ મોટી છે. ગૂગલના CFO મુજબ 2027માં આ ખર્ચમાં એના કરતાં પણ વધુ થશે.

ગૂગલ આટલો ખર્ચ ક્યાં કરશે?

ગૂગલે તેની અર્નિંગ કોલમાં CFO એનાત એશ્કેનાઝીએ જણાવ્યું કે કંપનીને AI કમ્પ્યુટ સંસાધનો માટે ભારે માંગ મળી રહી છે.

  • લગભગ 60% ખર્ચ સર્વર્સ પર થશે
  • 40% ખર્ચ ડેટા સેન્ટર્સ અને નેટવર્કિંગ પર થશે

મોટાભાગનું રોકાણ કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે સર્વર્સ, ચિપ્સ અને ડેટા સેન્ટર્સ પાછળ થશે.

Gemini અને AIના ઉપયોગમાં વધારો

CEO સુંદર પિચાઇએ જણાવ્યું કે ગૂગલનું મુખ્ય AI મોડેલ Gemini હવે પ્રતિ મિનિટ 16 અબજથી વધુ ટોકન્સ પ્રોસેસ કરે છે. Gemini Enterpriseના પેઇડ યુઝર્સમાં છેલ્લા ત્રણ મહિનામાં 40% વધારો થયો છે. Bosch, Mars અને Merck જેવી મોટી કંપનીઓ સાથે મહત્ત્વપૂર્ણ કરારો પણ થયા છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધતું પ્રેશર

AIનો ઉપયોગ ઝડપથી વધતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માંગ પણ વધી રહી છે. મોડેલ્સ સતત ટ્રેન થાય છે, અપડેટ થાય છે અને અબજો યુઝર્સ માટે કામ કરે છે. દરેક સર્ચ, AI જવાબ અને ઓટોમેશન માટે ઝડપી અને વિશ્વસનીય સિસ્ટમ જરૂરી છે. ગૂગલ આ મોડેલ્સને જાળવવા અને વધારવા માટે રોકાણ કરી રહી છે.

TPUs અને ડેટા સેન્ટર્સમાં રોકાણ

ગૂગલ તેના AI માટે ઑપ્ટિમાઇઝ કરાયેલા ડેટા સેન્ટર્સનું વૈશ્વિક સ્તરે વધારો કરી રહ્યું છે. તેના પોતાના બનાવેલા Tensor Processing Units (TPUs) ખાસ AI વર્કલોડ માટે બનાવવામાં આવ્યા છે અને Nvidia GPUsના વિકલ્પ તરીકે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગૂગલ હવે આ ક્ષેત્રમાં વધુ રોકાણ કરવાની તૈયારીમાં છે. ગૂગલનો ક્લાઉડ બેકલોગ હવે $460 અબજ સુધી પહોંચી ગયો છે, જે લગભગ દોઢ ગણો છે. આ દર્શાવે છે કે આ ખર્ચ માત્ર અંદાજ નથી, પરંતુ વાસ્તવિક માંગ પહેલેથી જ ઉપલબ્ધ છે.

વિજળીને લઈને ગૂગલનો ઉકેલ

AI ડેટા સેન્ટર્સ ખૂબ વીજળીનો ઉપયોગ કરે છે. આ માટે ગૂગલ નવી ઊર્જા, અદ્યતન કૂલિંગ ટેક્નોલોજી અને કાર્બન-મુક્ત ઊર્જા માટે લાંબા ગાળાનું રોકાણ કરી રહ્યું છે.

માર્કેટમાં સ્પર્ધાનું પ્રેશર

ગૂગલ એકલું નથી. દરેક મોટી ટેક કંપની AIમાં આગળ રહેવા માટે ભારે રોકાણ કરી રહી છે. Alphabet, Amazon, Meta અને Microsoft મળીને 2026માં આશરે $725 અબજ ખર્ચ કરશે, જે ગયા વર્ષ કરતાં 77% વધુ છે. આથી ગૂગલ પર માર્કેટમાં સ્પર્ધાનું પ્રેશર પણ જોવા મળી રહ્યું છે. એ માટે પણ તે તેના AIના ખર્ચમાં વધારો કરી રહ્યું છે.

આ પણ વાંચો: ભારતીયો માટે એપલ લાવશે સસ્તી પ્રોડક્ટ્સ? ટિમ કુકે કહ્યું- હું અત્યંત ઉત્સાહિત છું

બીજી કંપનીઓનું રોકાણ

  • Microsoft: આશરે $190 અબજ (મોટાભાગ GPUs, CPUs અને AI ટૂલ્સમાં)
  • Meta: અંદાજે $145 અબજ

આથી સ્પષ્ટ થાય છે કે ગૂગલનો ખર્ચ માત્ર માંગ માટે નહીં, પણ સ્પર્ધામાં આગળ રહેવા માટે પણ છે.