Google Meet Feature: ગૂગલ દ્વારા હાલમાં જ ઘણાં સમયથી રાહ જોવાઈ રહી હતી એ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. યુઝર્સ હવે તેમના કોલ અથવા તો મીટિંગ દરમ્યાન પણ તેમની સિસ્ટમનો અવાજ અન્ય લોકો સાથે શેર કરી શકશે. ગૂગલ મીટમાં આ વિકલ્પ ન હોવાથી યુઝર્સને ખૂબ જ તકલીફ પડી રહી હતી. જોકે હવે એનું સમાધાન આવી ગયું છે.
શું છે ગૂગલ મીટનું ઓડિયો શેરિંગ ફીચર?
ગૂગલ મીટ દ્વારા આખરે નવી અપડેટમાં એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં યુઝર્સ મીટિંગ દરમ્યાન પણ પોતાની સિસ્ટમનો અવાજ શેર કરી શકશે. આ વિકલ્પ પહેલાં એક સિંગલ ક્રોમ ટેબ પૂરતો મર્યાદિત હતો. આથી યુઝર જ્યારે કોઈ એપ્લિકેશન પર અથવા તો કોઈ મીડિયા દરમ્યાન અવાજ શેર કરવા માગતા હોય તો એ શક્ય નહોતું. એ ફક્ત બ્રાઉઝર દ્વારા જ શેર કરી શકાતું હતું, પરંતુ હવે એ સમસ્યાનું સમાધાન આવી ગયું છે. યુઝર્સ હવે તેમની સિસ્ટમ દ્વારા કોઈ પણ અવાજને શેર કરી શકશે, પછી એ કોઈ પણ પ્રકારનો અવાજ કેમ ન હોય.
નવી અપડેટમાં શું મહત્ત્વનું છે?
યુઝર્સ હવે પોતાની સંપૂર્ણ સ્ક્રીન અથવા તો કોઈ ચોક્કસ સ્ક્રીન શેર કરી રહ્યું હશે તો પણ તેના સિસ્ટમ ઓડિયોને દરેક સાથે શેર કરી શકશે. ગૂગલ મીટના પ્રીસેટ મેન્યુમાં Also Share System Audio સ્વિચ આપવામાં આવી છે. આ સ્વિચ ઓટોમેટિક ઓફ રહેશે, યુઝરે જ્યારે ઓડિયો શેર કરવો હશે ત્યારે એને દર વખતે ચાલુ કરવું પડશે. આ ફીચર મેકબૂકની ઓપરેટિંગ સિસ્ટમ 14.02 અથવા એનાથી વધુ, વિન્ડોઝ 11 અને એના પછીના વર્ઝન અને ગૂગલ ક્રોમ 142 અને એનાથી વધુના વર્ઝનમાં જોવા મળશે. મેકબૂક યુઝરને પહેલી વાર ઓડિયો શેરિંગ માટે પરવાનગી માટે પૂછવામાં આવશે. આ ફીચરને રિલીઝ કરી દેવામાં આવ્યું છે. એને ધીમે ધીમે રિલીઝ કરવામાં આવી રહ્યું છે, પરંતુ 2026ની 13 જાન્યુઆરીથી દુનિયાભરના મોટાભાગના યુઝર્સમાં આ ફીચર જોવા મળશે.

આ ફીચર કેમ જરૂરી છે?
ગૂગલ મીટ એક મર્યાદામાં આવી ગયું હતું. જોકે આ ફીચરને કારણે હવે એ તમામ અવરોધો દૂર થઈ ગયા છે. અત્યાર સુધી ગૂગલ મીટ પર મીટિંગ દરમ્યાન ઓડિયોનો શેર કરવા માટે થર્ડ પાર્ટી ટૂલનો ઉપયોગ કરવો પડતો હતો. જોકે હવે ઝૂમ અને માઇક્રોસોફ્ટ ટીમની જેમ ગૂગલ મીટમાં પણ આ ફીચર આવી ગયું છે. આથી યુઝર્સે હવે અન્ય સોફ્ટવેર પર નિર્ભર રહેવાની જરૂર નહીં પડે. મીટમાં આ ફીચર ન હોવાથી પણ એનો ઉપયોગ ઘણાં યુઝર્સ નહોતા કરી રહ્યાં, પરંતુ હવે એના યુઝર્સમાં પણ વધારો થશે.
શિક્ષકો હવે કોઈ પણ ટેબ બદલ્યા વગર તેમની વીડિયો અથવા તો ઓડિયો ક્લિપ ચાલુ કરી શકશે. ઓફિસની મીટિંગ દરમ્યાન પ્રેઝન્ટેશન માટે પણ આ ફીચરનો ઉપયોગ ખૂબ જ સારી રીતે કરી શકાશે. તેમ જ ઓડિયો આધારિત ક્ષેત્રમાં કામ કરનાર માટે પણ આ ફીચર ખૂબ જ મહત્ત્વનું છે. મ્યુઝિશિયન, પોડકાસ્ટ કરનાર અને ક્રીએટિવ કામ કરનાર માટે હાઇ-ક્વોલિટી ઓડિયો ફીચર ખૂબ જ કામ આવી શકે છે.
આ પણ વાંચો: ટોલ બૂથ પર હવે AI વસૂલ કરશે પૈસા: જીપીએસ અને ફાસ્ટટેગથી આ સિસ્ટમ કેવી રીતે અલગ છે જાણો…
કેવા યુઝર્સને તકલીફ આવી શકે છે?
આ ફીચર ઓટોમેટિક બંધ હોવાથી દર વખતે ચાલુ કરવું પડે છે અને એથી કેટલાક યુઝર્સને એ માથાનો દુખાવો બની શકે છે. જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર એ સપોર્ટ ન કરતું હોવાથી એ યુઝર્સ નારાજ થઈ શકે છે. આ સાથે જ ડિવાઇસના સાઉન્ડ સેટિંગ્સ અને ઇન્ટરનેટ કનેક્શન પર ઓડિયોની ગુણવત્તા નિર્ભર રહેશે. આથી સ્પીડ ઓછી હશે એ યુઝર્સને તકલીફ પડી શકે છે.


