અત્યાર સુધી આપણે પોતાના સ્માર્ટફોનમાંની જુદી જુદી બાબતો પોતાના સ્માર્ટ
ટીવીમાં જોવી હોય તો એ કામ થોડું કડાકૂટ ભર્યું રહ્યું છે. આપણે પોતાના
સ્માર્ટફોનમાંનાં સ્માર્ટકાસ્ટ, મીરાકાસ્ટ, સ્માર્ટવ્યૂ વગેરે જુદાં જુદાં નામે ઓળખાતાં ફીચરનો ઉપયોગ કરવો પડે.
સ્માર્ટફોનમાંથી યુટ્યૂબ વીડિયો સ્માર્ટટીવીના મોટા સ્ક્રીન પર પ્લે કરવાનું
કામ પ્રમાણમાં સહેલું છે. પરંતુ એ માટે પણ આપણે પહેલાં અમુક ચોક્કસ પ્રોસેસ કરીને
બંને સાધનોની એકમેક સાથે ઓળખાણ કરાવવી પડે છે.
ફોનમાંથી યુટ્યૂબ ટીવીના મોટા સ્ક્રીન પર જોવાનો દેખીતો મોટો ફાયદો તો છે જ, એ ઉપરાંત ટીવીના રીમોટમાં જુદી જુદી બાબતો સર્ચ કરવા માટે સ્ક્રીન પરના
કીબોર્ડમાં એક એક કી શોધવા જવાનું કામ ઘણું મુશ્કેલ છે. સ્માર્ટફોનમાં એ કામ બહુ
સહેલું બની જાય છે.
આ તો યુટ્યૂબ સ્માર્ટફોનમાંથી સ્માર્ટટીવી પર જોવાની વાત થઈ. હવે સમાચાર છે કે
ગૂગલની ફોટોઝ એપ પણ ઓફિશિયલી ટીવી પર આવી રહી છે. અત્યારે ઉપર લખ્યા એ મુજબના
વિવિધ રસ્તા અજમાવીને આપણે સ્માર્ટફોનનો સ્ક્રીન ટીવી પર મિરર કરીએ છીએ તેના કરતાં
આ અલગ વાત છે. હવે ડાઇરેક્ટ ટીવીમાં જ ગૂગલ ફોટોઝ સર્વિસ ઇન્ટિગ્રેટ કરવાની વાત
છે. આ પહેલ સેમસંગ કંપની કરી રહી છે. કંપનીના કહેવા અનુસાર માર્ચ ૨૦૨૬થી ગૂગલ
ફોટોઝ સેમસંગના સ્માર્ટટીવી સાથે ઇન્ટિગ્રેટ થઈ જશે. આ માટે કંપની વિઝન એઆઇ કમ્પેનિયન (વીએસી) તરીકે ઓળખાતી ટેકનોલોજીનો
ઉપયોગ કરશે.
એ પણ ધ્યાને લેવા જેવું છે કે શરૂઆતમાં ફક્ત સેમસંગના ટીવી પર જ ગૂગલ ફોટોઝ
અને તેના મેમરી જેવા ફીચરનો લાભ લઈ શકાશે. શરૂઆતના છ મહિના આ સગવડ સેમસંગ ટીવી
માટે એક્સક્લુઝિવ રહેશે. ત્યાર પછી સપ્ટેમ્બર ૨૦૨૬ પછી તે અન્ય ગૂગલ કે એન્ડ્રોઇડ
ટીવીમાં ઉપલબ્ધ થવાનું શરૂ થશે.
ગૂગલ ફોટોઝ સર્વિસ છેક ૨૦૧૫થી સ્માર્ટફોનમાં એપ અને કમ્પ્યૂટરમાં વેબ વર્ઝન
તરીકે ઉપલબ્ધ છે. ફોટોગ્રાફ અને વીડિયોની મજા મોટા સ્ક્રીન પર જોવામાં જ છે. એ
જોતાં ગૂગલ ફોટોઝને ટીવીના સ્ક્રીન પર પહોંચતા આટલી બધી વાર લાગી એ નવાઈજનક છે!


