Google Free Mobile Repair: ગૂગલ દ્વારા હાલમાં જ એક નવા પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોગ્રામ હેઠળ કેટલાક મોબાઇલને ખાસ સર્વિસ આપવામાં આવશે. આ પ્રોગ્રામનું નામ એક્સટેન્ડેડ રીપેર પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામ હેઠળ ગૂગલ પિક્સેલ 9 સિરીઝના મોબાઇલ માટેના સપોર્ટની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીને જાણવા મળ્યું છે કે પિક્સેલ 9 સિરીઝના કેટલાક મોબાઇલમાં હાર્ડવેરની સમસ્યા આવી શકે છે. એના કારણે ઘણાં મોબાઇલના પરફોર્મન્સ પર અસર જોવા મળી શકે છે. આ પ્રોગ્રામ હેઠળ મોબાઇલને વેરિફાય કરવામાં આવશે અને ત્યાર બાદ એને ફ્રીમાં રીપેર અથવા તો રિપ્લેસમેન્ટ કરી આપવામાં આવશે.
પિક્સેલ 9 પ્રો અને પિક્સેલ 9 પ્રો XL
ગૂગલની પિક્સેલ સિરીઝમાં પિક્સેલ 9 પ્રો, પિક્સેલ 9 પ્રો XL અને પિક્સેલ 9 પ્રો ફોલ્ડ મોબાઇલમાં આ પ્રોગ્રામ અસર કરશે. આ ફ્રી સર્વિસનો ફાયદો ગ્રાહક ખરીદી કર્યાના ત્રણ વર્ષ સુધી લઈ શકશે. જોકે એ માટે ગૂગલ દ્વારા બે પ્રોબ્લેમ જણાવવામાં આવ્યા છે એ હોવા જરૂરી છે. મોબાઇલની સ્ક્રીનમાં નીચેથી લઈને ઉપર સુધીની વર્ટિકલ લાઇન હોવી જોઈએ અથવા તો ડિસ્પ્લે ફ્લિકર થતી હોવી જોઈએ. ફ્લિકર એટલે કે ઝબકતી હોવી જોઈએ. જોકે આ ડિસ્પ્લે ફ્લિકર થવાનો પ્રોબ્લેમ પિક્સેલ 9 પ્રોમાં વધુ છે.
સર્વિસ સેન્ટર પર જવું જરૂરી
જો આ બેમાંથી એક પ્રોબ્લેમ હોય ત્યારે મોબાઇલ લઈને સર્વિસ સેન્ટર પર જવું જરૂરી છે. ત્યાં ગયા બાદ મોબાઇલની ટેસ્ટિંગ કરવામાં આવશે. જો આ માટે સર્વિસ મેળવવા લાયક મોબાઇલ હશે તો યુઝરને ગૂગલ વોક-ઇન સેન્ટર, ઓથોરાઇઝ્ડ સર્વિસ પાર્ટનર અથવા તો ઓનલાઇન રીપેર ચેનલ કોઈ પણ દ્વારા ડિસ્પ્લે ફ્રીમાં બદલી આપવામાં આવશે.
શું છે પિક્સેલ 9 પ્રો ફોલ્ડનો રીપેર પ્રોગ્રામ?
પિક્સેલ 9 પ્રો ફોલ્ડને પણ રીપેર પ્રોગ્રામમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામમાં એ હાર્ડવેરનો સમાવેશ કરવામાં આવ્યો છે જે ડિવાઇસની પરફોર્મન્સ પર અસર કરશે. ડિસ્પ્લે રીપેરની જગ્યાએ આ પ્રોગ્રામમાં મોબાઇલને રિપ્લેસ કરી આપવામાં આવશે. જોકે આ રિપ્લેસમેન્ટ માટે એમાં પ્રોબ્લેમ હોવો જરૂરી છે જેને ટેસ્ટ દ્વારા ચેક કરવામાં આવશે.


