Google Photos New Feature: ગૂગલ ફોટોઝ દ્વારા વીડિયો એડિટિંગ માટે ઘણાં નવા ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યા છે. આ ફીચર્સને કારણે હવે રીલ્સ બનાવવું ખૂબ જ સરળ થઈ ગયું છે. આ અપડેટમાં કેટલીક ટેમ્પલેટ્સ આપવામાં આવી છે. આ ટેમ્પલેટમાં પહેલેથી જ મ્યુઝિક અને ટેક્સ્ટની ડિઝાઇન નક્કી છે. આ સાથે જ અન્ય ટૂલને પણ અપગ્રેડ કરવામાં આવ્યા છે. એન્ડ્રોઇડ ડિવાઇસ પર આ નવી ટેમ્પલેટ્સ આવી ગઈ છે. આથી યુઝર્સ હવે થોડી સેકન્ડ્સમાં જ પ્રોફેશનલ ક્વોલિટીનું રીલ બનાવી શકશે. આ માટે તેમણે ફક્ત ફોટો અને વીડિયો જ અપલોડ કરવાના રહેશે.
રીલ માટેના ટૂલ અપગ્રેડ અને નવું વીડિયો એડિટર
આ અપડેટમાં સૌથી મોટી હાઇલાઇટ રીલ્સ માટેનું ટૂલ છે. યુઝર્સ હવે ગેલેરીમાંથી વીડિયો અને ફોટો પસંદ કરીને રીલ બનાવી શકશે. આ માટે યુઝરે ક્રિએટ ટેબ પર જઈને હાઇલાઇટ વીડિયો પર ક્લિક કરવાનું રહેશે. આ સાથે જ ગૂગલ ફોટોઝમાં વીડિયો એડિટર ટૂલને નવેસરથી ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ટૂલ એન્ડ્રોઇડ અને આઇફોન બન્નેની ગૂગલ ફોટોઝ એપ્લિકેશનમાં જોવા મળશે. આ ટૂલમાં દરેક વીડિયો અને કન્ટેન્ટ યુનિવર્સલ ટાઇમલાઇનમાં એક જ જગ્યાએ જોઈ શકાશે.
એન્ડ્રોઇડ ડિવાઇસ માટે બન્યું ડિફોલ્ટ એડિટિંગ ટૂલ
ગૂગલ દ્વારા આ એડિટ ટૂલને નવેસરથી ડિઝાઇન કરવાની સાથે એને એન્ડ્રોઇડ ડિવાઇસ માટેનું ડિફોલ્ટ એડિટિંગ ટૂલ પણ બનાવવામાં આવ્યું છે. આ ટૂલની અંદર એડેપ્ટિવ કેનવાસનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી યુઝરના એડિટિંગ અને એની જરૂરીયાત મુજબ ઇન્ટરફેસ જોવા મળશે. એક સિંગલ વીડિયો ક્લિપમાં પણ યુઝર હવે મ્યુઝિક અને ટેક્સ્ટ પોતાની ઇચ્છાનું પસંદ કરી શકશે. જરૂરી નથી કે દરેક ક્લિપમાં એક જ મ્યુઝિક રાખવું.
હાઇલાઇટ વીડિયો માટે આવ્યું નવું ફીચર
નવા એડિટર ટૂલની સાથે ગૂગલ ફોટોઝમાં એક નવું ફીચર પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચરની મદદથી ગૂગલ ફોટોઝ દ્વારા જે હાઇલાઇટ વીડિયો બનાવવામાં આવશે એ માટે ચોક્કસ મ્યુઝિકને પણ હવે પસંદ કરવામાં આવશે. આ મ્યુઝિક ઓટોમેટિક ગૂગલ ફોટોઝ દ્વારા પસંદ કરવામાં આવશે. આથી ફોટો અને વીડિયોને અનુરૂપ મ્યુઝિક પસંદ થશે. યુઝર તેમના હાઇલાઇટ વીડિયોને પણ કસ્ટમાઇઝ કરી શકશે. એમાં નવા ફોન્ટ, કલર અને બેકગ્રાઉન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી યુઝર તેની જરૂરિયાત અનુસાર એને પસંદ કરી શકશે.


