આઇવોચની જેમ હવે ગૂગલ પિક્સેલ વોચ 4 પણ સેટેલાઇટ મેસેજ દ્વારા મદદ માગી શકશે, જાણો કેવી રીતે ઉપયોગ કરશો…
Pixel Watch Feature: ગૂગલ દ્વારા પિક્સેલ વોચ 4 માટે સેટેલાઇટ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. પિક્સેલ વોચ 4માં સેલ્યુલર વર્ઝન છે એમાં હવે ઇમરજન્સી સમયે SOS (સેવ અવર સોલ) મેસેજ મોકલી શકાશે. યુઝર જ્યારે ટ્રેકિંગ પર હોય અથવા તો એવી જગ્યાએ હોય જ્યાં નેટવર્ક ન હોય ત્યારે તે આ ફીચરનો ઉપયોગ કરી શકે છે.
આ ફીચરની ખાસિયત
આ વોચમાં જે ફીચર આપવામાં આવ્યું છે એ ઇમરજન્સીના સમય માટે છે. જોકે આ ફીચરની એક ખાસિયત પણ છે. યુઝરના વોચની સ્ક્રીન ન ચાલતી હશે ત્યારે આ વોચ ધ્વનિના સંકેતો અને વાઇબ્રેશનનો ઉપયોગ કરીને યુઝરને મદદ માગવા માટેની સેવા પૂરી પાડશે. રિયલ-લાઇફમાં ઇમરજન્સી આવે ત્યારે આ ફીચર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: યુ-ટ્યુબનું નવું ફીચર ધમાલ મચાવશે: હવે વીડિયો થશે વિવિધ ભાષામાં ડબ, વ્યુઅર્સશિપ વધશે
કેવી રીતે કામ કરશે આ ફીચર?
પિક્સેલ વોચ 4માં જ્યારે નેટવર્ક ન પકડાય અથવા તો નિષ્ફળ રહે ત્યારે સેટેલાઇટ્સની સર્વિસનો ઉપયોગ કરી શકાશે. આ માટે યુઝરની પરવાનગીની જરૂર પડશે અને જો યુઝર કહે તો જ મદદ માગવામાં આવશે. મદદ માગવા પહેલાં યુઝરને કેટલાક સવાલ પૂછવામાં આવશે. આ સવાલના જવાબ આપ્યા બાદ વોચ મદદ માટે સેટેલાઇટ સર્વિસનો ઉપયોગ કરશે. તેમ જ જ્યાં સુધી આ મદદ ન આવે ત્યાં સુધી રેસ્ક્યૂ મોડ ચાલુ રહેશે.
કેવી જગ્યાએ ટેસ્ટ કરવામાં આવી છે આ વોચને?
પિક્સેલ વોચ 4માં ક્વાલકોમ સ્નેપડ્રેગન W5 જેન 2 ચીપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વોચને ખૂબ જ મુશ્કેલીઓથી ભરેલી જગ્યા જેવી કે અમેરિકાના નેશનલ પાર્ક્સમાં ટેસ્ટ કરવામાં આવી હતી. આ વોચ કેટલી ભરોસાપાત્ર છે એ માટે એના પર ઘણાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ વોચમાં ક્રેશ ડિટેક્શન અને ફોલ ડિટેક્શનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આથી એડવેન્ચર સ્પોર્ટ્સના રસિયાઓ માટે આ વોચ પણ ખૂબ જ સારી છે. આ વોચને 20 ઓગસ્ટે લોન્ચ કરવામાં આવી હતી, પરંતુ એની ડિલિવરી 9 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે અને એની કિંમત 39,900થી શરૂ થાય છે.