ફોટોને વીડિયો બનાવી આપશે ગૂગલ ફોટોઝ, જાણો મોબાઇલમાં કેવી રીતે ઉપયોગ કરશો આ ફીચરનો…
Google Launch New Feature in Photos: ગૂગલ ફોટોઝમાં હાલમાં જ એક નવા ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચરની મદદથી યુઝર્સ હવે ફોટોમાંથી વીડિયો બનાવી શકશે. ગૂગલ હવે જનરેટિવ AIનો ઉપયોગ કરીને સ્ટીલ ફોટોગ્રાફને છ સેકન્ડના વીડિયોમાં રૂપાંતરિત કરી શકશે. આ માટે ગૂગલે વિકલ્પ પણ આપ્યા છે જેની મદદથી યુઝર પોતાને ગમતો વીડિયો જનરેટ કરી શકે. ગૂગલ હવે તેની દરેક પ્રોડક્ટના દરેક ફીચર્સમાં AIનો સમાવેશ કરી રહ્યું છે. આ રેસમાં એપલ ખૂબ જ પાછળ રહી ગઈ છે.
આ ટૂલ માટે પૈસા ચૂકવવાની જરૂર નથી
ગૂગલ ફોટોઝમાં હવે ફોટો-ટૂ-વીડિયો ટૂલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ માટે ગૂગલ Veo 2 મોડલનો ઉપયોગ કરી રહ્યું છે. જોકે આ માટે વીડિયો જનરેશન માટે મર્યાદા આપવામાં આવી છે. ગૂગલની જેમિની એપમાં વીડિયો જનરેટ કરવા માટે પેઇડ સબ્સ્ક્રિપ્શન જરૂરી છે. જોકે ગૂગલ ફોટોઝમાં હવે એની જરૂર નથી. યુઝર્સ ફ્રીમાં એનો ઉપયોગ કરી શકે છે. આ ફીચરને અમેરિકામાં એન્ડ્રોઇડ અને આઈફોન બન્ને યુઝર્સ માટે આપવામાં આવ્યું છે અને ધીમે ધીમે દરેક દેશમાં એ શરૂ કરવામાં આવશે.
રિમિક્સ ફીચર પર ચાલી રહ્યું છે કામ
ગૂગલ દ્વારા ફોટોઝમાં વધુ એક ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરને રિમિક્સ કહેવામાં આવી રહ્યું છે. એમાં ફોટોમાંથી વીડિયો બનાવવાની સાથે યુઝર્સ વધુ ક્રિએટીવ બની શકશે. યુઝર કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ પ્રાણીના ફોટોને એનિમેશન, કોમિક્સ, સ્કેચ અથવા તો 3D એનિમેશનમાં બનાવી શકશે. આગામી થોડા અઠવાડિયામાં આ ફીચરને પણ રજૂ કરવામાં આવશે.
ક્રિએટ ટૅબનો કરવામાં આવશે સમાવેશ
ગૂગલ ફોટોઝમાં હવે એક નવી ટૅબનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. ફોટોઝ, કલેક્શન અને સર્ચની સાથે હવે ક્રિએટ ટૅબ પણ જોવા મળશે. આ ક્રિએટ ટૅબની અંદર યુઝર્સને ફોટો-ટૂ-વીડિયો, રિમિક્સ, કોલાજ, હાઇલાઇટ વીડિયો અને વગેરે દરેક ફીચર્સ જોવા મળશે. સેફ્ટીને ધ્યાનમાં રાખીને ગૂગલ ફોટોઝના દરેક ફોટોમાં દેખાઈ નહીં એવું ડિજિટલ વોટરમાર્ક હશે અને વીડિયો પર જોઈ શકાય એવું વોટરમાર્ક. આથી આ ફીચરનો ખોટી રીતે ઉપયોગ નહીં થાય એના પર નિયંત્રણ રાખી શકાય.
કેવી રીતે ઉપયોગ કરશો આ ફીચરનો?
આ માટે યુઝરે સૌથી પહેલાં લાઇબ્રેરીમાં જઈને ફોટો સિલેક્ટ કરવાનો રહેશે. ત્યાર બાદ ફોટો-ટૂ-વીડિયો ફીચરમાં ‘શટલ મૂમેન્ટ’ અથવા તો ‘આઈ એમ ફિલીંગ લકી’ બેમાંથી એક ફીચરનો ઉપયોગ કરવાનો રહેશે અને એ અનુસાર ફોટોમાંથી વીડિયો બની જશે. આ માટે અંદાજે એક મિનિટનો સમય લાગી શકે છે. સેવ અથવા તો શેર કરવા પહેલાં યુઝર તેની ઇચ્છા મુજબ આ વીડિયોને ફરી રીજનરેટ પણ કરી શકે છે.