ટ્રોલ થયા બાદ ગૂગલનો જવાબ: તમારો ફોન, તમારી સ્ટાઇલ; લોન્ચ કર્યું નવું ‘કોલિંગ કાર્ડ’ ફીચર
Google New Calling Card Feature: ગૂગલ દ્વારા તેમના ડિઝાઇનમાં બદલાવ કરવાથી સોશિયલ મીડિયા પર એને ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યું હતું. જોકે હવે ગૂગલ દ્વારા એનો ઉકેલ કાઢવામાં આવ્યો છે. યુઝરને હવે નવું ફીચર આપવામાં આવ્યું છે જેને ‘કોલિંગ કાર્ડ્સ’ કહેવામાં આવી રહ્યું છે. એન્ડ્રોઇડ ડિવાઇસની ફોન એપમાં આ ફીચર જોવા મળશે. આ ફીચરની મદદથી યુઝર તેના પર આવતા દરેક કોલ માટે અલગ-અલગ સ્ટાઇલને કસ્ટમાઇઝ કરી શકશે.
કેવી રીતે ઉપયોગ કરશો આ ફીચરનો?
આ ફીચર જેવું યુઝરના ફોનમાં અપડેટ થશે ત્યારે તેનો ઉપયોગ કરવા માટે યુઝર પર જ્યારે ફોન આવશે ત્યારે ઓટોમેટિક એક કમાન્ડ આવશે કે ઇનકમિંગ કોલ માટે કોલિંગ કાર્ડને કસ્ટમાઇઝ કરવું હોય તો ક્લિક કરો. આ સિવાય ગૂગલ કોન્ટેક્ટમાં જઈને પણ યુઝર એનો ઉપયોગ કરી શકે છે. જે નંબર માટે કોલિંગ કાર્ડ કસ્ટમાઇઝ કરવો હોય એ નંબર પર જઈને એને કસ્ટમાઇઝ કરી શકાશે. આ કસ્ટમાઇઝ પર ક્લિક કરતાં જ ગૂગલ ફોન એપમાં કોલિંગ કાર્ડ પેજ આપવામાં આવ્યું છે એ ઓપન થશે અને ત્યાર બાદ યુઝર તેની ઇચ્છા મુજબ એડિટ કરીને કસ્ટમાઇઝેશન પ્રોસેસ પૂરી કરી શકે છે. આ સાથે જ યુઝર તેની ઇચ્છા થાય ત્યારે આ સેટિંગ્સને બદલી પણ શકે છે.
ઇચ્છા અનુસાર કોન્ટેક્ટનો કરો પર્સનલાઇઝ
આ કોલિંગ કાર્ડ ફીચરમાં યુઝર દરેક કોન્ટેક્ટને અલગ-અલગ રીતે કસ્ટમાઇઝ કરી શકે છે. આ માટે યુઝર નવો ફોટો પણ ક્લિક કરી શકે છે અથવા તો ગેલેરીમાંથી પણ ફોટોને પસંદ કરી શકે છે. ગૂગલ ફોટોમાં કેટલાક ટેમ્પલેટ પણ આપ્યા છે એને પણ પસંદ કરી શકાય છે. ફોટોને ક્રોપ અને ફ્રેમ એડજસ્ટ કરવાની સાથે યુઝર તેની પસંદગીના ફોન્ટનો પણ ઉપયોગ કરી શકે છે. આ સાથે જ આ ફોન્ટના કલરને પણ બદલી શકશે. અલગ કોન્ટેક્ટ માટે અલગ ફોન્ટ અને કલર પણ પસંદ કરી શકાય છે. આથી યુઝર પોતાની પસંદગીના વ્યક્તિ માટે એક અલગ યુનિક કોલિંગ કાર્ડ બનાવી શકે છે.
કયારે ઉપલબ્ધ થશે આ ફીચર?
કોલિંગ કાર્ડ ફીચરને ગૂગલ ફોન એપના સ્ટેબલ વર્ઝન 188 સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર પિક્સેલ 10માં જોવા મળી રહ્યું છે. તેમજ એન્ડ્રોઇડ 16 QPR1 દ્વારા મટિરિયલ 3 એક્સપ્રેસિવને લોન્ચ કરવામાં આવે એ પહેલાં લોન્ચ કરી દેવામાં આવ્યું છે. એનો મતલબ એ થયો કે ઘણાં એન્ડ્રોઇડ યુઝર્સ જેમનામાં ગૂગલ ફોન એપનું નવું વર્ઝન આવ્યું હશે તેઓ આ ફીચરનો ઉપયોગ કરી શકશે.