ઇન્સ્ટાગ્રામે લોન્ચ કર્યું નવું ફીચર: કોલેજના વિદ્યાર્થીઓ હવે અન્ય વિદ્યાર્થીઓ સાથે વધુ સારી રીતે કનેક્ટ થઈ શકશે…
Instagram New-Feature: ઇન્સ્ટાગ્રામ દ્વારા એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર હાલમાં અમેરિકામાં જ છે, પરંતુ એનાથી કોલેજના વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ સારી રીતે કનેક્ટ થઈ શકશે. ટિક-ટોક દ્વારા હાલમાં જ એક ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે અને એવું જ ફીચર ઇન્સ્ટાગ્રામ દ્વારા પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર તેમની પ્રોફાઇલમાં કોલેજ અથવા તો યુનિવર્સિટીને એડ કરી શકે છે. ત્યાર બાદ એ યુઝર અન્ય યુઝરને શોધી અને કનેક્ટ થઈ શકે છે.
ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં કેવી રીતે એડ કરશો કોલેજને?
આ ફીચરનો ઉપયોગ કરવા માટે ઇન્સ્ટાગ્રામ પર યુઝરની પ્રોફાઇલમાં એડ સ્કૂલ ઓપ્શન આપ્યું હશે. આ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ વેરિફિકેશન પ્રોસેસ શરૂ થશે. એ વેરિફિકેશન પ્રોસેસ પૂરી થયા બાદ સ્કૂલ અથવા તો કોલેજ યુઝરની પ્રોફાઇલમાં આવી જશે. ત્યાર બાદ યુઝર નક્કી કરી શકશે કે આ માહિતી કોણ જોઈ શકે અને કોણ નહીં. ત્યાર બાદ એના પર ક્લિક કરતાં એ કોલેજ અથવા તો સ્કૂલમાં અન્ય કેટલા વિદ્યાર્થીઓ છે એ જોઈ શકશે અને તેમને ફોલો પણ કરી શકાશે.
ફેસબુક પરથી લીધી પ્રેરણા
ઇન્સ્ટાગ્રામનું આ ફીચર ફેસબુક કેવી રીતે શરૂ થયું એના પરથી થયું હતું. ફેસબુક સૌપ્રથમ હાર્વર્ડ સ્ટુડન્ટ્સને એકમેક સાથે જોડવા માટે બનાવવામાં આવ્યું હતું. આથી ફેસબુકની સ્ટોરી પરથી પ્રેરણા લઈને ઇન્સ્ટાગ્રામ હવે સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને એકમેક સાથે કનેક્ટ કરવાની કોશિશ કરી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા આ ફીચર પર ગયા વર્ષે કામ શરૂ કરવામાં આવ્યું હતું અને હવે આ ફીચરને હાલમાં અમેરિકા પૂરતું શરૂ કરવામાં આવ્યું છે.
પ્રાઇવસી યુઝર્સના હાથમાં
આ ફીચરની મદદથી કોઈ પણ યુઝર તેમની કોલેજ અથવા તો સ્કૂલમાં ભણતાં અન્ય સ્ટુડન્ટ્સની સાથે કનેક્ટ થઈ શકે છે. જોકે બીજી તરફ તેમને ટ્રેક પણ કરી શકે છે. આથી ઇન્સ્ટાગ્રામ દ્વારા આ ફીચરને ફરજિયાત બનાવવામાં નથી આવ્યું. જે યુઝર દ્વારા આ ફીચરનો ઉપયોગ કરવો હોય એ કરી શકશે અને જેમણે ન કરવો હોય તેમને કોઈ જબરદસ્તી નથી. યુઝર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને તેની સ્કૂલ અથવા તો કોલેજ લાઇફથી અલગ રાખવા માગે તો એ પણ કરી શકે છે.