Get The App

ગૂગલે એન્ડ્રોઇડ માટે રિલીઝ કર્યું એન્ટી-સ્કેમ ટૂલ, જાણો શું છે…

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
ગૂગલે એન્ડ્રોઇડ માટે રિલીઝ કર્યું એન્ટી-સ્કેમ ટૂલ, જાણો શું છે… 1 - image


Google Anti-Scam Tool: ફ્રોડ કરનાર હવે વધુ સ્માર્ટ થઈ રહ્યાં છે. AI આવવાથી સ્કેમ કરનાર એક પછી એક નવી યુક્તિ શોધી રહ્યાં છે. જોકે તેમની સાથે હવે ગૂગલ પણ વધુ સ્માર્ટ બની રહ્યું છે. આ માટે ગૂગલ દ્વારા નવી દિલ્હીમાં યોજાયેલી સેફ્ટી ફોરમમાં તેમના નવા AI એન્ટી-સ્કેમ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ દ્વારા ગૂગલ ડિજિટલ અરેસ્ટ સ્કેમ, ફિશિંગ એટેક અને ખોટા ફોન કોલથી તેના યુઝર્સને બચાવવા માટે નવું ફીચર લોન્ચ કર્યું છે.

રિયલ-ટાઇમ સ્કેમ કોલ ડિટેક્શન

ગૂગલના પિક્સલ ફોનમાં જેમિની નેનો દ્વારા આ ફીચરને સૌથી પહેલાં લોન્ચ કરવામાં આવ્યું છે. જેમિની નેનો એ ગૂગલની ઓન-ડિવાઇસ AI છે. પિક્સલ ફોન હવે રિયલ ટાઇમ એનાલાઇઝ કરીને યુઝર્સને છેતરપિંડીથી બચતા અટકાવી શકે છે. આ માટે ગૂગલ દ્વારા પ્રાઇવસીનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. ગૂગલ દ્વારા એક પણ ફોન કોલને રેકોર્ડ કરવામાં નથી આવતાં તેમ જ ગૂગલને મોકલવામાં પણ નથી આવતાં. આ ડિટેક્શન સંપૂર્ણ રીતે ડિવાઇસમાં જ પ્રોસેસ કરે છે. જો કોઈ વ્યક્તિ કાયદાને લગતાં કોઈ અધિકારી હોવાનું કહે અને યુઝરને પૈસા ટ્રાન્સફર કરવા કહે ત્યારે આ ટેક્નોલોજી દ્વારા યુઝરને છેતરાતા અટકાવી શકાશે.

લોગઇન અને પેમેન્ટ પ્રોટેક્શન

ગૂગલ દ્વારા હવે ફોન નંબર વેરિફિકેશનને વધુ સારું બનાવવામાં આવ્યું છે. આ માટે ગૂગલે પેટીએમ અને નાવી સાથે પાર્ટનરશિપ કરી છે. એની મદદથી મેસેજ દ્વારા આવતાં OTPની જગ્યાએ સિમ આધારિત વેરિફિકેશન કરવામાં આવશે. એના લીધે ફિશિંગ અને સિમ-સ્વેપ ફ્રોડ થતાં અટકી શકે છે. એન્ડ્રોઇડને જ્યારે કોઈ પણ ફોન શંકાસ્પદ લાગે ત્યારે સાઇડલોડિંગ એપ્લિકેશન એટલે કે અન્ય એપ્લિકેશનનો ઉપયોગ કરતાં બંધ કરી દેશે. તેમ જ સ્ક્રીન શેરિંગ પણ બંધ કરી દેશે.

મેસેજમાં સ્કેમ ડિટેક્શન

ગૂગલ મેસેજમાં પણ હવે સ્કેમ ડિટેક્શન ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે કોઈ પણ મેસેજમાં જો સ્કેમ કરવાની કોશિશ કરવામાં આવી હોય તો AI દ્વારા એ પેટર્નને આધારે શોધી કાઢવામાં આવશે. એમાં જોબ સ્કેમનો પણ સમાવેશ થાય છે. એન્ડ્રોઇડના કોન્ટેક્ટમાં પણ એક નવા ટૂલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટૂલની મદદથી યુઝરની ઓળખ મળી જશે. આથી જો કોઈ વ્યક્તિ ઓળખ છુપાવવાની કોશિશ કરતું હોય તો એની પણ જાણ થઈ જશે.

આ પણ વાંચો: ભારત સરકાર દ્વારા ફ્રી AI સર્ટિફિકેટ કોર્સ કરવામાં આવ્યા લોન્ચ : જાણો કેવી રીતે લેશો લાભ…

ભારતમાં કેમ લોન્ચ કરવામાં આવ્યું?

ભારતમાં ડિજિટલ ઇકોનોમી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. આ કારણસર સ્કેમ કરનારની સંખ્યા પણ વધી રહી છે. આથી ગૂગલ દ્વારા આ સ્કેમને અટકાવવા માટે એને ભારતમાં રિલીઝ કરવામાં આવ્યું છે. ગૂગલ દ્વારા ભારતના ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ હેઠળ આ ટૂલને લોન્ચ કર્યું છે. આ માટે તેમણે IIT મદ્રાસ સેન્ટર ફોર રિસ્પોન્સિબલ AI અને સાઇબર પીસ ફાઉન્ડેશન સાથે મળીને કામ કર્યું છે. ગૂગલ દ્વારા ભારતમાં એને હાલમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે અને ત્યાર બાદ એને દુનિયાભરમાં રિલીઝ કરવામાં આવશે.

Tags :