AI Defense System: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના યુગમાં સાયબર સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે ગૂગલ દ્વારા એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. ગૂગલે સત્તાવાર રીતે ‘AI Threat Defense’ નામનું નવું AI-પાવર્ડ સાયબર સિક્યોરિટી પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મ વાસ્તવિક દુનિયાના સાયબર ખતરાઓ સામે લડવા અને ઓટોમેટેડ એવું સમાધાન આપવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે.
હાલમાં એવા શક્તિશાળી AI ટુલ્સનો ખતરો વધી રહ્યો છે જે કોઈપણ સોફ્ટવેર કે ઓપરેટિંગ સિસ્ટમની સુરક્ષામાં ગાબડું પાડી શકે છે, જેના જવાબરૂપે ગૂગલે આ આધુનિક સિસ્ટમ તૈયાર કરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એપ્રિલ મહિનામાં એન્થ્રોપિક કંપનીએ તેનું સાયબર સિક્યોરિટી મોડલ ‘Claude Mythos’ અને ચાલુ મહિનાની શરૂઆતમાં ઓપનએઆઈએ GPT-5.5 પર આધારિત ‘Daybreak’ પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું, જેને ટક્કર આપવા ગૂગલે આ નવું હથિયાર મેદાને ઉતાર્યું છે.
કેવી રીતે કામ કરે છે 'AI Threat Defense'?
પોતાના હરીફો કરતાં અલગ પડીને ગૂગલનું આ નવું પ્લેટફોર્મ માત્ર ખતરાઓને ઓળખતું નથી, પરંતુ વાસ્તવિક જોખમો પર ધ્યાન કેન્દ્રિત કરીને તેના ઓટોમેટેડ ઉકેલો પણ શોધે છે. ગૂગલ ક્લાઉડના સીઓઓ અને સિક્યોરિટી પ્રોડક્ટ્સના પ્રેસિડેન્ટ ફ્રાન્સિસ ડીસોઝાએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, "AI Threat Defense સંસ્થાઓને સાયબર હુમલાખોરોના સંભવિત માર્ગોની અગાઉથી આગાહી કરવામાં મદદ કરે છે. તે સૌથી મોટા ખતરાઓને પ્રાથમિકતા આપીને હુમલાખોરો તેનો દુરુપયોગ કરે તે પહેલાં જ અત્યંત ઝડપથી તેના સચોટ ઉકેલો તૈનાત કરી દે છે."
સિક્યોરિટી ટીમો માટે સૌથી મોટી રાહત: 'અલર્ટ ફેટીગ'ની સમસ્યાનો અંત
સાયબર સિક્યોરિટીના ક્ષેત્રમાં હાલમાં સૌથી મોટો પડકાર 'અલર્ટ ફેટીગ' એટલે કે નકામી ચેતવણીઓનો ભરાવો છે. હાલની AI સિસ્ટમ્સ સિક્યોરિટી ટીમો પર હજારો AI-જનરેટેડ ચેતવણીઓનો મારો ચલાવે છે. ભલે Anthropic Mythos અને OpenAI Daybreak સિસ્ટમ્સ ખૂબ જ ઝડપથી ખામીઓ શોધી કાઢે છે, પરંતુ વાસ્તવિક દુનિયામાં તે બધી જ ખામીઓ નુકસાનકારક હોતી નથી.
ગૂગલની નવી સિસ્ટમ આ સમસ્યાનો સ્માર્ટ ઉકેલ લાવે છે. આ પ્લેટફોર્મ કોડ સ્કેનિંગ પ્રક્રિયાને ક્લાઉડ-સિક્યોરિટી પ્લેટફોર્મ 'Wiz' સાથે જોડે છે. આનાથી એ જાણી શકાય છે કે કઈ ખામી વાસ્તવમાં ઇન્ટરનેટ કે લાઈવ નેટવર્ક કન્ફિગરેશન દ્વારા ઓપન છે અને કઈ સુરક્ષિત છે.
જોખમોનું વર્ગીકરણ અને સ્માર્ટ ફિલ્ટરિંગ
જો સોફ્ટવેરના કોડમાં કોઈ મોટી ખામી હોય પરંતુ તે સિસ્ટમથી સંપૂર્ણપણે અલગ હોય, તો ગૂગલની સિસ્ટમ આપોઆપ તેની પ્રાયોરિટી ઘટાડી દે છે. આનાથી ડેવલપર્સ અને સિક્યોરિટી ટીમોનું ધ્યાન માત્ર એવા જ સક્રિય ખતરાઓ પર કેન્દ્રિત રહેશે જેનો હેકર્સ વાસ્તવમાં ફાયદો ઉઠાવી શકે તેમ હોય. ફ્રાન્સિસ ડીસોઝાએ ઉમેર્યું કે, "અન્ય કંપનીઓની જેમ અમે સિક્યોરિટી ટીમોને વગર કામનું મોટું લિસ્ટ સોંપતા નથી, પરંતુ ચોક્કસ ઉકેલો આપીને ડિફેન્ડર્સને મજબૂત બનાવીએ છીએ."
જેમિની ફ્રન્ટિયર મોડલ્સ દ્વારા સતત ડીપ-ડાઇવ સ્કેનિંગ
ગૂગલનું આ પ્લેટફોર્મ કંપનીઓના કરોડો લાઈન્સના કોડનું સતત બારીકાઈથી સ્કેનિંગ કરે છે. આ માટે ગૂગલે બે સ્તરની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે:
1. લાઇટ મોડલ્સ: સામાન્ય અને સતત મોનિટરિંગ માટે ઓછા ખર્ચાળ અને હળવા AI મોડલ્સ કામ કરે છે.
2. જેમિની ફ્રન્ટિયર મોડલ્સ: હાઇ-રિસ્ક પ્રોપર્ટીઝ અને જટિલ સાયબર હુમલાના વિશ્લેષણ માટે ગૂગલના સૌથી શક્તિશાળી 'જેમિની ફ્રન્ટિયર' મોડલ્સ તૈનાત કરવામાં આવે છે.
ઓટોનોમસ AI એજન્ટ્સ જૂના કોડને આપોઆપ કરશે રીરાઇટ
ઓપનએઆઈની સિસ્ટમ સામાન્ય રીતે માત્ર ખામી સુધારવા માટેના સૂચનો આપે છે, જ્યારે ગૂગલ આ બાબતમાં એક ડગલું આગળ વધ્યું છે. ગૂગલના આ પ્લેટફોર્મમાં ઓટોનોમસ AI એજન્ટ્સ કામ કરે છે, જે જૂના અને અસુરક્ષિત 'લેગસી કોડ'ને આપોઆપ આધુનિક અને મેમરી-સેફ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં રીરાઇટ કરી નાખે છે. એટલું જ નહીં, આ સિસ્ટમ આખા નેટવર્કનું વિશ્લેષણ કરીને ટેસ્ટ પણ જનરેટ કરે છે, જેથી કોડ સિસ્ટમમાં લાઈવ થાય તે પહેલાં જ તેની સુરક્ષાની ખાતરી કરી શકાય. ગૂગલનો આ પ્રોએક્ટિવ અભિગમ તેને સાયબર સિક્યોરિટીના આ વૈશ્વિક જંગમાં સૌથી આગળ રાખે છે.


