Google I/O 2025: એન્ડ્રોઇડ 16 અને જેમિનીના નવા વર્ઝનથી લઈને ઘણી જાહેરાત આવતી કાલની ઇવેન્ટમાં કરવામાં આવશે
Google Event: ગૂગલ આવતી કાલે Google I/O 2025 ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે. આ ઇવેન્ટમાં ગૂગલ દ્વારા એન્ડ્રોઇડ 16થી લઈને જેમિનીના નવા વર્ઝન સુધીની ઘણી નવી જાહેરાત કરવામાં આવી શકે છે. ગૂગલ દ્વારા દર વર્ષે એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે અને એમાં તેમની નવી-નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવે છે. આ વર્ષે પણ ઘણી પ્રોડક્ટની ચર્ચા ચાલી રહી છે. આ વર્ષે ગૂગલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વધુ ધ્યાન આપી રહ્યું હોવાની ચર્ચા છે.
કેવી રીતે જોશો લાઇવ?
આ ઇવેન્ટને દુનિયાભરના યુઝર્સ લાઇવ જોઈ શકશે. આ માટે YouTube પર ગૂગલની ચેનલ પર એ જોઈ શકાશે. તેમ જ ગૂગલ સર્ચમાં Google I/O 2025 ઇવેન્ટ ટાઇપ કરતાં ગૂગલ દ્વારા આ પોર્ટલ આપવામાં આવશે, એના પર પણ લાઇવ જોઈ શકાશે.
જેમિની AIનું નવું વર્ઝન થઈ શકે છે લોન્ચ
ગૂગલ દ્વારા જેમિની AIના નવા વર્ઝનને લોન્ચ કરવામાં આવી શકે છે. આ વર્ઝનમાં ખૂબ જ સારા નવા ફીચર્સ અને ક્ષમતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. કેટલીક ચર્ચા એવી છે કે જેમિનીને હવે કોડિંગ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ માટે ગૂગલ દ્વારા Gemini Pro અને Gemini Ultra વર્ઝન પણ લોન્ચ કરી રહ્યું હોવાની વાતો બહાર આવી રહી છે.
પ્રોજેક્ટ એસ્ટ્રા
Google I/O 2025 ઇવેન્ટમાં Project Astraને પણ લોન્ચ કરવામાં આવે એવી શક્યતા છે. આ એક સ્માર્ટ વોઇસ અને વિઝ્યુઅલ આસિસ્ટન્ટ છે. ગૂગલ દ્વારા કન્ઝ્યુમર અને એન્ટરપ્રાઇઝ યુઝર્સ માટે એક AI એજન્ટ તૈયાર કર્યું છે. એને Project Marinor નામ આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટને પણ હવે રજૂ કરવામાં આવે એની શક્યતા ખૂબ જ વધી ગઈ છે.
એન્ડ્રોઇડ 16 માટે મળશે નવી માહિતી
એન્ડ્રોઇડ 16ના ઘણાં ફીચર્સ વિશે ચર્ચા ચાલી રહી છે. જોકે ગૂગલ દ્વારા એની ડિઝાઇન અને અન્ય ઘણી માહિતી આ ઇવેન્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. યુઝર્સને તેમના મોબાઇલમાં નવી અપડેટ દ્વારા કેવો અનુભવ મળશે એ વિશે ગૂગલ દ્વારા વિસ્તારથી જણાવવામાં આવી શકે છે.
આ પણ વાંચો: સર્વેલન્સ અને બોર્ડર પેટ્રોલ માટે HAP અને UAV ટેસ્ટ રહી સફળ, જાણો શું છે આ ટેક્નોલોજી…
એક્સટેન્ડેડ રિયાલિટી વિશેની અપડેટ
ગૂગલ દ્વારા એન્ડ્રોઇડ Extended Reality (XR) વિશે પણ અપડેટ આપવામાં આવી શકે છે. એન્ડ્રોઇડ XR એક મિક્સ્ડ રિયાલિટી પ્લેટફોર્મ છે. એને સેમસંગ અને Qualcomm સાથે મળીને તૈયાર કરવામાં આવ્યું છે. એપલના વિઝન પ્રોની સામે એન્ડ્રોઇડ દ્વારા આ ડિવાઇઝ બનાવવામાં આવી છે.