Google Disco: ગૂગલ દ્વારા હવે એક નવી પ્રોડક્ટને લોન્ચ કરવામાં આવી રહી છે. આ એક AI બ્રાઉઝર છે જેનું નામ ગૂગલ ડિસ્કો આપવામાં આવ્યું છે. ગૂગલ લેબ્સ દ્વારા હાલમાં ડિસ્કો પર કામ કરવામાં આવી રહ્યું છે. આ એક એક્સપેરિમેન્ટલ સ્ટેજ પર છે. આ AI બ્રાઉઝર જેમિની 3 મોડલ પર કામ કરશે. આ બ્રાઉઝરમાં એક ટેબને યુઝર કસ્ટમ એપ્લિકેશન તરીકે પણ ઉપયોગ કરી શકશે. એટલે કે યુઝર કમાન્ડ આપતાં એની એપ્લિકેશન બની જશે. આ બ્રાઉઝર દ્વારા સ્ટુડન્ટ્સ, ટ્રાવેલર્સ અને ઓફિસમાં કામ કરનાર કર્મચારીઓ પોતાની જરૂરિયાત અનુસાર એક કસ્ટમાઇઝ એપ્લિકેશન બનાવી શકશે.
ગૂગલ આપશે કોમ્પિટિશન
ગૂગલ પર ક્રોમને લઈને ઘણો વિવાદ હતો. જોકે તેના પર એન્ટી ટ્રસ્ટ કેસ ચાલતો હતો ત્યારે OpenAI અને Perplexity દ્વારા તેમનું AI બ્રાઉઝર લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમની સાથેની કોમ્પિટિશનને કારણે ગૂગલ ક્રોમમાં પણ AI મોડનો સમાવેશ કર્યો હતો. જોકે હવે ગૂગલ દરેકને કાંટે કી ટક્કર આપવા જઈ રહ્યું છે. ગૂગલ દ્વારા હવે ડિસ્કો એક નવું AI બ્રાઉઝર લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ બ્રાઉઝરને પણ ગૂગલ ક્રોમની ટીમ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. એમાં ખાસ વાત એ છે કે આ ફક્ત વેબ બ્રાઉઝર નથી, પરંતુ એ યુઝરની જરૂરિયાત અનુસાર કસ્ટમ એપ્લિકેશન બનાવી આપશે.
ટેબ બની જશે કસ્ટમ એપ્લિકેશન
ગૂગલ ડિસ્કોનું સૌથી ખાસ ફીચર જેનટેબ્સ છે. આ એક એવું ટૂલ છે જે યુઝરના સવાલ અને જવાબ માટે એક કરતાં વધુ ટેબ ઓપન કરે છે, પરંતુ એમ છતાં મુખ્ય ટેબને ચાલુ રાખે છે અને એના પર યુઝરની ઇચ્છા હોય એટલા સવાલ જવાબ પૂછી શકે છે. યુઝરની જરૂરિયાત અનુસાર આ ટેબ તમામ માહિતી સિલેક્ટ કરતું જશે અને યુઝર માટે એક કસ્ટમ એપ્લિકેશન તૈયાર કરતું જશે. યુઝરે કોઈ રોડ ટ્રિપ પર જવું હોય તો કમાન્ડ આપતાં તમામ સજેશન, આઇડિયા, માહિતી, લોકેશન, એક્ટિવિટી, દિવસથી લઈને તમામ રેસ્ટોરાં અને હોટેલ જેવી તમામ માહિતી તૈયાર કરીને યુઝર માટે એક એપ્લિકેશન બનાવી દેશે. સ્ટુડન્ટ્સ માટે પણ તે વિઝ્યુઅલ સ્ટડી ટૂલ, ચાર્ટ્સ, નોટ્સ અને તમામ માહિતીથી ભરપૂર સમજાવી શકાય અને સમજી શકાય એવી એપ્લિકેશન તૈયાર કરી આપશે. એક કમાન્ડ આપતા તમામ વિગત યુઝરની સામે હશે અને એમાંથી તે તેની જરૂરિયાત અનુસાર એનો ઉપયોગ કરી શકશે.
ગૂગલ ડિસ્કો અન્ય બ્રાઉઝરથી કેવી રીતે અલગ છે?
ચેટજીપીટી અને જેમિની જેવા AI યુઝર માટે ઘણી માહિતી એકત્ર કરી શકે છે અને તેમને આપી શકે છે. જોકે ગૂગલ ડિસ્કોમાં એક અલગ વાત છે. આ બ્રાઉઝર અને ચેટ હિસ્ટ્રીમાં રિયલ-ટાઇમ જાણકારી લઈને એક પર્સનલાઇઝ એપ્લિકેશન તૈયાર કરે છે. એમાં દુનિયાના મોટાભાગના ટોપિકનો ઉપયોગ કરી શકાય છે. ગૂગલ ડિસ્કો રિયલ-ટાઇમ માહિતી કલેક્ટ કરતું હોવાથી એ એકદમ ચોક્કસ જવાબ આપશે અને યુઝર માટે સારી રીતે કસ્ટમાઇઝેશન પણ કરી શકશે. ગૂગલ ડિસ્કો દ્વારા જે કસ્ટમાઇઝ એપ્લિકેશન બનાવવામાં આવે છે એને યુઝર પોતાની ભાષામાં કમાન્ડ આપીને બદલી પણ શકે છે અને એને એડિટ પણ કરી શકશે. જેનટેબ્સમાં યુઝરને તમામ માહિતીને ક્યાંથી સોર્સ કરવામાં આવી છે એની લિંક પણ દેખાડવામાં આવશે જેથી એની વિશ્વસનીયતા યુઝર પોતે નક્કી કરી શકે. આ ફીચર એને અન્ય AI બ્રાઉઝરથી એકદમ અલગ બનાવે છે.
આ પણ વાંચો: મહિલા અંતરિક્ષ યાત્રી માટે ખાસ ડ્રેસ તૈયાર કરી રહ્યું છે નાસા, જાણો કેમ…
ગૂગલ ડિસ્કોનો ઉપયોગ કોણ કરી શકે છે?
ગૂગલ દ્વારા માહિતી આપવામાં આવી છે કે ગૂગલ ડિસ્કો એક એક્સપેરિમેન્ટલ સ્ટેજ પર છે. એનો ઉપયોગ કરનાર યુઝર ગૂગલ લેબ્સની વેબસાઇટ પર જઈને ડિસ્કો પ્રોડક્ટને સિલેક્ટ કરી એના વેઇટિંગ લિસ્ટમાં પોતાનું નામનો સમાવેશ કરી શકે છે. આ એક્સપેરિમેન્ટલ એપ્લિકેશન હાલમાં મેકબૂક યુઝર્સ માટે જ છે. ગૂગલ દ્વારા જે-તે યુઝર્સને પસંદ કરવામાં આવતાં એ યુઝર ડિસ્કોનો ઉપયોગ કરી શકશે. તેમ જ ગૂગલ દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે ડિસ્કોમાં જે પણ ફીચર છે એના પરથી અન્ય પ્રોડક્ટમાં પણ એવા ફીચર લાવવાની કોશિશ કરવામાં આવશે. જોકે ડિસ્કોનો ઉપયોગ વેઇટિંગ લિસ્ટમાં જોડાવવા વગર ક્યારે કરી શકાશે એ વિશે ગૂગલ દ્વારા કોઈ માહિતી આપવામાં નથી આવી.


