ગૂગલ મીટની સ્ક્રીન શેરિંગ વધુ ઝડપી થઈ: યુઝર માટે સરળતા રહે એ માટે ઘણા સુધારા કર્યા કંપનીએ
Google Meet Improve Services: ગૂગલ દ્વારા તેમની મીટ ઍપ્લિકેશનને વધુ ઝડપી બનાવવાની દિશામાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. નવી અપડેટમાં અનેક સુધારા કરવામાં આવ્યા છે, જેના કારણે સ્ક્રીન શેરિંગ પહેલાં કરતાં વધુ ઝડપી બન્યું છે - ડેસ્કટોપ, વિન્ડોઝ, અથવા તો વેબ પર. ગૂગલ દ્વારા માર્ચમાં ઇન-કોલ લેઆઉટ રજૂ કરવામાં આવ્યું હતું, જેના અંતર્ગત કંપનીએ વિવિધ સુધારા કર્યા છે.
સ્ક્રીન શેરિંગ ફીચરમાં સુધારા
ગૂગલ દ્વારા યુઝર ઇન્ટરફેસમાં અનેક સુધારા કરવામાં આવ્યા છે, જેમાં સ્ક્રીન શેરિંગ ફીચર પણ શામેલ છે. સ્ક્રીન શેરિંગ બટન પહેલાં કરતાં મોટું બનાવવામાં આવ્યું છે અને અન્ય મહત્ત્વના કન્ટ્રોલ બટન સાથે રાખવામાં આવ્યું છે, જેથી યુઝર તેને જરૂર પડે ત્યારે સરળતાથી શોધી અને ઝડપથી ઉપયોગ કરી શકે. જો યુઝર એક્સટર્નલ કેમેરા, ડૉક્યુમેન્ટ કેમેરા, અથવા વીડિયો પ્રોડક્શન ટૂલ મીટમાં ઉપયોગ કરી રહ્યો હોય, તો હવે સીધું એમાંથી જ કન્ટેન્ટ રજૂ કરી શકાશે—એ માટે હવે પહેલા સ્ક્રીન-શેરિંગ સેશન શરુ કરવાની જરૂર રહેશે નહીં. આ સાથે, સ્ક્રીન શેરિંગ પહેલાં કરતા વધુ ઝડપથી ચાલુ કરી શકાય એ દિશામાં સહજતા લાવવામાં આવી રહી છે.
અગાઉનું પ્રેઝન્ટેશન ઓટોમેટિક શરુ થશે
ગૂગલ મીટની નવી અપડેટમાં વધુ એક મહત્વપૂર્ણ સુધારો એ છે કે, બીજા નંબરનું સ્ક્રીન શેરિંગ કરનાર વ્યક્તિ જ્યારે તે બંધ કરશે, ત્યારે એના પહેલાં જેણે પણ સ્ક્રીન શેર કરી હશે, એનું પ્રેઝન્ટેશન આપમેળે ફરી શરુ થઈ જશે. આ માટે, સ્ક્રીન શેરિંગને વધુ સરળ અને ઉપયોગી બનાવવાની દિશામાં આ ફેરફાર ઉમેરવામાં આવ્યો છે, જેથી મીટિંગ દરમ્યાન કોઈ પ્રકારની અડચણ નહીં આવે.
નવા સુધારા તબક્કાવાર ઉપલબ્ધ થશે
મીટમાં જે પણ સુધારા કરવામાં આવ્યા છે, તે એક-એક કરીને રિલીઝ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ, આગામી 15 દિવસમાં તે બધા ઉપલબ્ધ થઈ જશે. કેટલીક સાઇટ્સ અને ડોમેન માટે આ ફીચર્સ 11 જૂનથી શેડ્યુલ કરવામાં આવ્યા છે.