20 દિવસમાં 2 લાખ ખોટી સાઇટ્સ બનાવી!: ગૂગલનો ચીની સ્કેમ નેટવર્ક લાઇટહાઉસ વિરુદ્ધ કડક કેસ

Google Case on LightHouse: ગૂગલ દ્વારા ચીનના ક્રિમિનલ ઑર્ગેનાઇઝેશન પર કેસ કરવામાં આવ્યો છે. આ ઑર્ગેનાઇઝેશનનું નામ લાઇટહાઉસ છે. તેઓ ઓનલાઇન સ્કેમ કરનારાઓને સોફ્ટવેર અને સપોર્ટ પૂરો પાડે છે એવો તેમના પર આરોપ મૂકવામાં આવ્યો છે. ગૂગલ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ સાઇબર ક્રિમિનલ માટે ફિશિંગ માટેની એક કિટ તૈયાર કરી આપે છે. જો લાઇટહાઉસ દ્વારા આ ન કરવામાં આવે તો મોટા પાયે થતાં તમામ ફિશિંગ કેમ્પેઇન અટકી જાય. પરિણામે સ્કેમ થતાં પણ ઓછા થઈ શકે છે. ન્યુયોર્કના સાઉથર્ન ડિસ્ટ્રિક્ટમાં આવેલી કોર્ટમાં આ કેસ ફાઇલ કરવામાં આવ્યો છે.
20 દિવસમાં બે લાખ ખોટી વેબસાઇટ બનાવી
લાઇટહાઉસ ગ્રૂપ દ્વારા 20 દિવસની અંદર બે લાખ વેબસાઇટ બનાવી દેવામાં આવી છે. આ તમામ વેબસાઇટ ખોટી છે. તેઓ સ્કેમર્સ પાસેથી તેમની સર્વિસ માટે માસિક ચાર્જ કરે છે. આ પૈસાના બદલામાં તેઓ મેસેજ અને ઈ-કોમર્સ સોફ્ટવેર પૂરા પાડે છે. તેમજ વેબસાઇટ માટેની ઘણી ટેમ્પ્લેટ પૂરી પાડે છે, જેમાં સરકારી વેબસાઇટનો પણ સમાવેશ થતો હોય છે. ગૂગલના જણાવ્યા અનુસાર આ વેબસાઇટની મદદથી દસ લાખથી વધુ લોકો આ સ્કેમનો ભોગ બને છે. ગૂગલના કહેવા અનુસાર અમેરિકામાં આ સ્કેમ દ્વારા 12.7 મિલિયનથી લઈને 115 મિલિયન ક્રેડિટ કાર્ડ કોમ્પ્રોમાઇઝ થયા છે.
કેવી રીતે આ સ્કેમ કામ કરે છે?
ગૂગલ દ્વારા કરવામાં આવેલા કેસમાં કંપનીએ કહ્યું છે કે સ્કેમર્સ કેવી રીતે લાઇટહાઉસની મદદથી સ્કેમ કરે છે. તેમના દ્વારા પહેલાં લાઇટહાઉસ એકાઉન્ટમાં જઈને કોઈપણ વ્યક્તિને ખોટો મેસેજ મોકલે છે. આ મેસેજ USPS પેમેન્ટનો હોય છે. ત્યાર બાદ આ મેસેજ દ્વારા ખોટી વેબસાઇટ પર લઈ જવામાં આવે છે. આ પેજ ત્યાર બાદ યુઝરની તમામ માહિતી ભેગી કરે છે. યુઝર દ્વારા વિચાર બદલાઈ જાય અને ખરીદી ન કરવામાં આવે તો પણ સ્કેમર્સ દ્વારા માહિતી મેળવી લેવામાં આવી હોય છે. રેકેટિયર ઇન્ફ્લુએન્સ ઍન્ડ કરપ્ટ ઑર્ગેનાઇઝેશન(RICO Act)નું ઉલ્લંઘન થતાં ગૂગલ દ્વારા કેસ કરવામાં આવ્યો છે. આ સાથે જ કાયદા અનુસાર ફ્રોડ અને ટ્રેડમાર્કનું પણ ઉલ્લંઘન કરવામાં આવે છે.
લાઇટહાઉસ વિશે વધુ જાણવા મળે એવી આશા
ગૂગલના જનરલ કાઉન્સેલ હેલિમા ડે લેન પ્રાડો દ્વારા એક ઇન્ટરવ્યુમાં કહેવામાં આવ્યું છે કે આ કેસ એટલા માટે કરવામાં આવ્યો છે કે લાઇટહાઉસની તમામ સ્કીમ ગેરકાયદેસરની છે. આથી તેમની સર્વિસ બંધ કરવામાં આવે અને તેમના જેવા અન્ય ઑર્ગેનાઇઝેશન પણ તેમની સર્વિસ બંધ કરે એ આ કેસનો ઉદ્દેશ છે. ગૂગલ આશા રાખી રહ્યું છે કે સરકારને આ કેસ દ્વારા લાઇટહાઉસ વિશે વધુ જાણવા મળશે. અન્ય કંપનીઓ પણ લાઇટહાઉસની જેમ સર્વિસ પૂરી પાડે છે. જોકે ગૂગલ દ્વારા લાઇટહાઉસ પર કેસ કરવામાં આવ્યો છે કારણ કે તેઓ ખૂબ જ મોટા પાયા પર આ કામ કરી રહ્યા છે. તેમજ તેમની પોપ્યુલારિટીમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમણે યુટ્યુબની પણ ખોટી વેબસાઇટ બનાવી હતી અને લોકોને ટેક સપોર્ટ આપવાના બહાને તેમની સાથે છેતરપિંડી કરી હતી.
આ પણ વાંચો: UPI લિમિટનું રહસ્ય: બે યુઝર્સની મર્યાદા એકસરખી કેમ નથી?
યુઝર્સને પ્રોટેક્ટ કરવા માટે ત્રણ ફેડરલ બિલને ગૂગલનો સપોર્ટ
ગૂગલ દ્વારા ત્રણ ફેડરલ બિલને તેનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ત્રણેય બિલ યુઝરની સુરક્ષા માટેના છે. આ ત્રણ બિલ GUARD Act, ફોરેન રોબોકોલ એલિમિનેશન એક્ટ અને SCAM Act છે. આ ત્રણ કાયદાની મદદથી યુઝર્સને સ્કેમથી બચાવવામાં આવશે. સ્કેમર્સ દ્વારા જેને ટાર્ગેટ કરવામાં આવે એને શોધવામાં આવશે, અમેરિકાના કન્સ્યુમર સુધી ફોરેનના ગેરકાયદેસરના લોકો પહોંચે એને અટકાવવામાં આવશે તેમજ કેવી રીતે સ્કીમ આપી લોકોને છેતરવામાં આવે છે એ તમામ બંધ કરવામાં આવશે.

