UPI લિમિટનું રહસ્ય: બે યુઝર્સની મર્યાદા એકસરખી કેમ નથી?

UPI Limit Difference: UPIનો ઉપયોગ કરનારાઓ માટે ઘણી વાર લિમિટને લઈને ઘણાં સવાલ થાય છે. એક યુઝરની લિમિટ અલગ હોય છે અને અન્ય યુઝરની લિમિટ અલગ હોય છે. UPIની લિમિટ ફિક્સ કરી દેવામાં આવી છે, પરંતુ એમ છતાં ઘણાં યુઝર્સ માટે એ અલગ અલગ હોય શકે છે. આ માટે એક નહીં ઘણાં કારણ જવાબદાર હોઈ શકે છે. એમાં બેન્કથી લઈને યુઝરની હિસ્ટરીથી લઈને રેગ્યુલેશનના નિયમો પણ જવાબદાર હોઈ શકે છે. આથી એક યુઝરની લિમિટ અને અન્ય યુઝરની લિમિટમાં તફાવત હોય શકે છે.
શું છે UPIની લિમિટ?
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા UPI ટ્રાન્સફરની લિમિટ એક ટ્રાન્ઝેક્શનમાં વધુમાં વધુ એક લાખ રૂપિયા રાખવામાં આવી છે. જોકે દરેક બેન્ક માટે આ નિયમ લાગુ નથી પડતો. દરેક બેન્ક પોતાના નિયમ પણ બનાવી શકે છે, પરંતુ એક લાખથી વધુની લિમિટ તેઓ નહીં આપી શકે. દરેક બેન્ક તેમની રોજની, અઠવાડિયાની અથવા તો મહિનાની લિમિટને પોતાના અનુસાર રાખી શકે છે. આ તેમની ઇન્ટરનલ પોલીસી છે. ઉદાહરણ તરીકે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા રોજના એક લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકાય છે, પરંતુ બની શકે કે અન્ય લોક બેન્ક દ્વારા એ લિમિટ ફક્ત 25000 રૂપિયા રાખવામાં આવી છે.
યુઝર્સ વચ્ચેની લિમિટ કેમ અલગ-અલગ હોય છે?
બેન્કના નિયમ : દરેક બેન્કની તેની અલગ અલગ રિસ્ક મેનેજમેન્ટ પોલીસી હોય છે. કેટલીક બેન્ક દ્વારા સ્ટ્રિક્ટ પોલીસી રાખવામાં આવે છે કારણ કે તેઓ નથી ઇચ્છતા કે વધુ સ્કેમ થાય. લિમિટ વધુ રાખવાથી સ્કેમ દરમ્યાન રકમ પણ વધુ જઈ શકે છે. આથી ઓછી રકમ હોય તો રિસ્ક પણ ઓછું રહે છે. આ સાથે જ નવા એકાઉન્ટ માટે પણ અલગ નિયમ રાખવામાં આવ્યાં છે.
નવા વર્સસ જૂના યુઝર્સ : નવા યુઝર્સ પહેલાં 24 કલાક માટે ફક્ત 5000 રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે. એક વાર યુઝર દ્વારા જ એકાઉન્ટ એક્ટિવેટ કરવામાં આવ્યું છે એ ચોક્કસ થઈ જાય એટલે કે સ્કેમર દ્વારા છેતરીને એકાઉન્ટ શરૂ કરવામાં નથી આવ્યું ને એની પુષ્ટિ કરવા માટે 24 કલાકનો સમય આપવામાં આવે છે. ત્યાર બાદ લિમિટ વધી જાય છે. જોકે જૂના યુઝર્સને આ લિમિટ નથી હોતી આથી નવા યુઝર્સને એવું લાગે છે કે તેમની UPI લિમિટમાં બદલાવ છે.
કેવા પ્રકારનું ટ્રાન્ઝેક્શન કર્યું : એક વ્યક્તિ અન્ય વ્યક્તિને ટ્રાન્ઝેક્શન કરે એના કરતાં મર્ચન્ટને કરવામાં આવે અથવા તો એની પાસેથી લેવામાં આવે એમાં તફાવત હોય છે. બિઝનેસ UPI યુઝર્સની લિમિટ અલગ હોય છે. આથી તેઓ વધુ પૈસા ચૂકવી અને મેળવી શકે છે. આ સાથે જ UPI લાઇટ યુઝર્સની લિમિટ પણ અલગ હોય છે.
રેગ્યુલેટરી ગાઇડલાઇન: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કેટલીક વાર ચોક્કસ સેક્ટરમાં તેમની ગાઇડલાઇનમાં બદલાવ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે એજ્યુકેશન અને હોસ્પિટલની ટ્રાન્ઝેક્શન લિમિટ પાંચ લાખ રૂપિયા હોય છે.
એપ્લિકેશન પર નિર્ભર: ગૂગલ પે, ફોન પે અને પેટીએમ જેવી ઘણી ઓનલાઇન ટ્રાન્સઝેક્શન માટેની એપ્લિકેશન પોતાની લિમિટ સેટ કરે છે. બેન્ક દ્વારા મેક્સિમમ જેટલી લિમિટ રાખવામાં આવી છે એના કરતાં એપ્લિકેશનની લિમિટ ઓછી હોઈ શકે છે. પેટીએમ પર 20000 રૂપિયાની લિમિટ હોય તો ગૂગલ પે પર એક લાખ રૂપિયાની લિમિટ છે. આથી એપ્લિકેશન બદલાતા લિમિટમાં પણ બદલાવ આવે છે.
આ પણ વાંચો: હવે બાઇક રાઇડર્સ માટે ‘એરબેગ’ લોન્ચ, આંખના પલકારામાં ખુલી જશે, જાણો કેટલી કિંમત?
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રજૂ કરવામાં આવેલી UPIની લિમિટ મેક્સિમમ છે. જોકે દરેક બેન્ક અને પ્લેટફોર્મ તેમની પોલીસી હેઠળ એમાં બદલાવ કરી શકે છે. આથી બે વ્યક્તિની UPI લિમિટ હંમેશાં સરખી હોવી જરૂરી નથી. આથી બની શકે કે એક ફ્રેન્ડ કરતાં અન્ય ફ્રેન્ડ વધુ પૈસા ટ્રાન્સફર કરી શકતો હશે.

