AIને કારણે પાંચ વર્ષમાં ખતમ થઈ જશે તમામ નોકરીઓ? ગૂગલ ડીપમાઇન્ડના સીઇઓનો ચોકાવનારો ખુલાસો
AI Replace Jobs In Next 5 Years: ગૂગલ ડીપમાઇન્ડના સીઇઓ ડેમીસ હસાબિસે બાળકોને કહ્યું છે કે AIથી નોકરીઓને ખતરો છે, અને તેથી તેઓ અત્યારથી એ માટે તૈયારી શરુ કરી દે. AI હાલમાં ખૂબ જ ઝડપથી વિકસિત થઈ રહ્યું છે. એક પછી એક કામ માટે હવે AIનો ઉપયોગ થઈ રહ્યો છે—સોફ્ટવેરથી લઈને ડ્રાઈવર અને બારટેન્ડર સુધી. તેથી, ડેમીસે યુવાનો, ખાસ કરીને બાળકોને, ભવિષ્ય માટે ચોક્કસ તૈયારી કરવા માટે જણાવ્યું છે. ડેમીસે હાલમાં જ ‘હાર્ડ ફોર્ક’ નામના જાણીતા પોડકાસ્ટમાં હાજરી આપી હતી અને આ દરમિયાન તેણે AI વિશે વાત કરી હતી.
બાળકોને AI માટે પ્રોત્સાહન
ડેમીસ હસાબિસ અનુસાર AI દરેક ક્ષેત્રમાં ખૂબ જ ઝડપથી પ્રવેશી રહ્યું છે—મેડિકલ, સોફ્ટવેર, એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટથી લઈને હૉસ્પિટાલિટી સુધી. તેથી, બાળકો હવે AIને મહત્વ આપે, એ બાબતે ડેમીસે ભાર મૂક્યો હતો. તેમના કહેવા મુજબ, જો આજથી બાળકો AI પર ફોકસ નહીં કરે, તો તેઓ દુનિયામાં પાછળ રહી જશે. આજે સાચી શક્તિ AI છે.
ગૂગલના જેમિની અને આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સના હેડ તરીકે, ડેમીસ કહે છે કે આગામી દસ વર્ષમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંપૂર્ણપણે માણસની જેમ બોલતું અને વિચારતું થઈ જશે.
પાંચ વર્ષમાં નોકરીઓ પર જોખમ
ડોક્ટર્સની નોકરી પર જોખમ છે કે નહીં એ વિશે પૂછતાં, ડેમીસ હસાબિસે કહ્યું: ‘આવતા પાંચ વર્ષમાં AIના કારણે ઘણી નોકરીઓ ખતમ થઈ જશે. જોકે, એના કારણે રોજગારીના અન્ય વિકલ્પ પણ ઉભા થશે.’
તેથી જ, ડેમીસે બાળકોને AI અને તેની મહત્વપૂર્ણ બાબતો વિશે અભ્યાસ કરવાની સલાહ આપી છે. ટેક્નોલોજીના ‘નિન્જા’ બનવું એ સાફ શબ્દોમાં ડેમીસે જણાવ્યું છે. આજનો સમય વિચારશીલતા, પરિસ્થિતિ અને ટેક્નોલોજી શીખવાની સાથે નવી-નવી કલ્પનાઓ માટે છે.
આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામે આખરે લોન્ચ કર્યું સૌથી જરૂરી ફીચર: ફોટો ક્રોપ કર્યા વગર હવે કરી શકાશે શેર
AI ભવિષ્ય નથી, પરંતુ વર્તમાન
ચેટજીપીટીના કારણે AI દુનિયાભરમાં ખૂબ જ પ્રચલિત થઈ ગયું છે. ત્યાર બાદ ડીપસીક પણ AI ચર્ચામાં હતું. ચેટજીપીટીના જીબ્લી ફોટોને લઈને દુનિયા આ ફીચરની પાછળ ઘેલી બની હતી. AI એક તરફ વિકસિત થઈ રહ્યું છે, જ્યારે બીજી તરફ લોકોની નોકરીઓ પર તેની અસર પડી રહી છે. ડેમીસ હસાબિસ કહે છે, ‘આજના યુવાનો માટે AI ને સમજવું, તેનો ઉપયોગ કરવો અને એમાં નવા પ્રયોગો કરવું ખૂબ જ મહત્વનું અને જવાબદારી ભર્યું કામ છે. AI ભવિષ્ય નથી, પરંતુ વર્તમાન છે. આજે જે વ્યક્તિ AIનો ઉપયોગ કરશે, એ વ્યક્તિ આવતી કાલે સૌથી આગળ હશે. યુનિવર્સિટીનો સમય ફક્ત ડિગ્રી મેળવવા માટે નહીં, પરંતુ પોતાને નવી બાબતો શીખવા માટે હોવો જોઈએ. AI ખૂબ જ ઝડપથી વિકસિત થઈ રહ્યું છે, તેથી આજના બાળકો માટે તેમની વિચારશક્તિને વધુ સારી અને ઝડપી બનાવવી અત્યંત જરૂરી છે.'