પાસવર્ડ ક્રોમ્પ્રોમાઇઝ થયો છે?: ગૂગલ ક્રોમ ઓટોમેટિક એને ચેન્જ કરી દેશે...
Google Chrome Password Change: ગૂગલ દ્વારા તેમના ક્રોમ વેબબ્રાઉઝરમાં નવા ટૂલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટૂલની મદદથી યુઝરનો પાસવર્ડ ઓટોમેટિક બદલાઈ જશે. ઘણી વાર એવું સાંભળવામાં આવે છે કે યુઝર્સના પાસવર્ડ લીક થઈ ગયા છે. આથી કોમ્પ્રોમાઇઝ થયેલા પાસવર્ડને ગૂગલ ક્રોમ ઓટોમેટિક બદલી કાઢશે. આ ફીચરને ગૂગલ ક્રોમના પાસવર્ડ મેનેજરમાં સમાવેશ કરવામાં આવશે. આ સાથે જ તેમનો પાસવર્ડ જ્યારે લીક થશે ત્યારે યુઝરને જણાવી પણ દેવામાં આવશે.
આ ફીચર કેવી રીતે કામ કરશે?
ગૂગલ I/O 2025 ઇવેન્ટમાં ધી ઓટોમેટેડ પાસવર્ડ ચેન્જ ફીચર વિશે જાહેરાત કરવામાં આવી છે. આથી લીક થયેલા પાસવર્ડને બદલવું હવે ખૂબ જ સરળ થઈ ગયું છે. એક ક્લિક કરતાની સાથે નવો પાસવર્ડ આવી જશે અને જૂનો પાસવર્ડ બદલાઈ જશે. આ માટે યુઝર દ્વારા ક્રિએટ ન્યુ પાસવર્ડ પેજ પર જવાની જરૂર નથી. આ ફીચર ફક્ત ગૂગલ પૂરતુ નથી, પરંતુ દરેક વેબસાઇટ માટે છે. જોકે એ માટે જે-તે વેબસાઇટ દ્વારા વન-ક્લિક પાસવર્ડ ચેન્જ ફીચર માટે તેમણે મંજૂરી આપવી રહી. જે પણ વેબસાઇટ દ્વારા આ મંજૂરી આપવામાં આવશે તેમના પાસવર્ડ ડેટા લીક થયા હોય એ સમયે ઓટોમેટિક બદલાઈ જશે.
યુઝર્સને રહેશે સરળતા
યુઝર્સ માટે આ ફીચરની મદદથી ખૂબ જ સરળતા રહેશે. યુઝરે એક-એક વેબસાઇટ પર જઈને પાસવર્ડ બદલવાની જરૂર નહીં પડે. આથી યુઝર માટે એક જ જગ્યાએ એક જ ક્લિકમાં પાસવર્ડ બદલાઈ જતો હોય તો એનાથી મોટી વાત કોઈ ન હોઈ શકે. કોઈ પણ વ્યક્તિને દરેક વેબસાઇટ પર જઈને પાસવર્ડ બદલવાનું પસંદ નથી હોતું. કંટળો આવતો હોવાથી પણ તેઓ પાસવર્ડ નથી બદલતા. આથી આ પ્રકારના યુઝર્સ માટે આ ફીચર ખૂબ જ મદદરૂપ બનશે.
યુઝરની પરવાનગી જરૂર
ગૂગલે ઓટોમેટેડ પાસવર્ડ ચેન્જ ફીચર લોન્ચ કર્યું છે. જોકે એમ છતાં આખરી નિર્ણય યુઝર દ્વારા લેવામાં આવશે. પાસવર્ડ ખૂબ જ નબળો હોય અથવા તો કોમ્પ્રોમાઇઝ થઈ ગયો હોય તો ગૂગલ દ્વારા આ પાસવર્ડ બદલવા માટે એક વાર યુઝરની પરવાનગી લેવામાં આવશે. યુઝર્સ અનુમતી આપશે તો જ આ પાસવર્ડ બદલાઈ જશે. આથી જ્યાં સુધી અનુમતિ નહીં મળે ત્યાં સુધી ગૂગલ કોઈ કામ આગળ નહીં કરે.