Google Change Rule For AI Usage: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ્સના યુઝર્સ માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ગૂગલના પ્રખ્યાત AI પ્લેટફોર્મ જેમિનીમાં લિમિટ ઝડપથી ખતમ થઈ જવાની યુઝર્સની વ્યાપક ફરિયાદો અને ભારે વિરોધ બાદ, આખરે ગૂગલે નમતું જોખ્યું છે. ગૂગલે જેમિની એપના નિયમો અને લિમિટ સ્ટ્રક્ચરમાં મહત્ત્વના ફેરફારોની જાહેરાત કરી છે, જેથી યુઝર્સ કોઈપણ અવરોધ વિના તેનો લાંબો સમય ઉપયોગ કરી શકશે.
ગૂગલે આ માટે એક નવો "કમ્પ્યુટ-યુઝ્ડ" અભિગમ રજૂ કર્યો છે. આ નવી સિસ્ટમ હેઠળ, જ્યાં સુધી યુઝરની સાપ્તાહિક લિમિટ પૂરી ન થાય ત્યાં સુધી દર પાંચ કલાકે આ લિમિટ રિફ્રેશ થતી રહેશે. આ ગણતરી પ્રોમ્પ્ટની જટિલતા, વપરાયેલા ટૂલ્સ અને ચેટની લંબાઈના આધારે કરવામાં આવશે.
પ્રોમ્પ્ટની જટિલતાના આધારે નક્કી થશે વપરાશ
ગૂગલની આ નવી વ્યવસ્થા સંપૂર્ણપણે પ્રોમ્પ્ટની જટિલતા પર આધારિત રહેશે. કંપનીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, "એક સામાન્ય ટેક્સ્ટ પ્રોમ્પ્ટ ખૂબ જ ઓછું કમ્પ્યુટ વાપરે છે, જ્યારે તેની સરખામણીમાં કોઈ જટિલ વીડિયો કે કોડિંગ પ્રોમ્પ્ટમાં વધુ કમ્પ્યુટની જરૂર પડે છે." આ ફેરફારથી ફાયદો એ થશે કે યુઝર્સ જ્યારે એપના એડવાન્સ ફીચર્સનો ઉપયોગ કરશે, ત્યારે તેમની લિમિટ અગાઉની જેમ ઝડપથી લોક થઈ જશે નહીં. આ સિવાય, યુઝર એક્સપિરિયન્સને વધુ બહેતર બનાવવા માટે ગૂગલ આગામી સમયમાં 'પે-એઝ-યુ-ગો' ટોપ-અપ AI ક્રેડિટ્સ ખરીદવાની સુવિધા પણ આપશે, જેથી જરૂર પડ્યે યુઝર્સ વધારાનો કોટા ખરીદી શકશે.
સિંગલ પ્રોમ્પ્ટ માટે લિમિટ નક્કી: ભૂલ થાય તો કોટા નહીં કપાય
મોટી ફાઇલો ધરાવતા જટિલ પ્રોમ્પ્ટ્સ યુઝર્સનો આખો કોટા એકસાથે ખતમ ન કરી નાખે તે માટે ગૂગલે હવે સિંગલ પ્રોમ્પ્ટ દીઠ વપરાશની એક મહત્તમ મર્યાદા નક્કી કરી દીધી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, જો સિસ્ટમમાં કોઈ ખામી સર્જાય અથવા પ્રોમ્પ્ટ દરમિયાન કોઈ એરર આવે, તો તેની પેનલ્ટી યુઝરે ભોગવવી નહીં પડે. કંપનીએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે, "જો કોઈ રિક્વેસ્ટ ફેલ જશે, તો તેનો ચાર્જ લેવામાં નહીં આવે. અમારી સિસ્ટમની ભૂલોની જવાબદારી અમારી છે, તમારી નહીં. તમારો કોટા માત્ર સફળતાપૂર્વક પૂરા થયેલા ટાસ્ક માટે જ ગણાશે."
ભારે ટાસ્ક માટે મળશે ડિટેઇલ બ્રેકડાઉન અને નોટિફિકેશન
'ડીપ રિસર્ચ' જેવા ભારે ટાસ્ક, જેમાં વધુ કમ્પ્યુટેશનલ પાવરની જરૂર પડે છે, તેના માટે ગૂગલ હવે વિગતવાર વપરાશ બ્રેકડાઉન અને નોટિફિકેશન્સ પ્રદાન કરશે. આનાથી યુઝર્સ પોતાની લિમિટનો યોગ્ય અને મહત્તમ ઉપયોગ કરી શકશે. હાલના સમયમાં gemini.google.com/usage ડેશબોર્ડ પર માત્ર ઉપરછલ્લી માહિતી જ જોવા મળે છે, પરંતુ આ નવા અપડેટ બાદ યુઝર્સ પોતાના વપરાશની પેટર્નને વધુ સારી રીતે સમજી શકશે અને કોટાનું મેનેજમેન્ટ અસરકારક રીતે કરી શકશે.
Flash-Lite પ્રોમ્પ્ટ્સ હવે તદ્દન મફત
ગૂગલે યુઝર્સને વધુ એક મોટી ભેટ આપતા 3.1 Flash-Lite પ્રોમ્પ્ટ્સને સંપૂર્ણપણે ફ્રી કરી દીધા છે. હવે આ પ્રોમ્પ્ટ્સ યુઝર્સના મેઈન કોટામાં ગણવામાં આવશે નહીં. આ સાથે જ કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, જ્યારે યુઝર કોઈ ચોક્કસ મોડલ પસંદ કરશે, ત્યારે સિસ્ટમ ભવિષ્યના તમામ સેશન્સ માટે તે ચોઇસને યાદ રાખશે. જ્યાં સુધી યુઝર પોતે તેને મેન્યુઅલી ચેન્જ ન કરે અથવા લિમિટ પૂરી થવાને કારણે સિસ્ટમ ઓટોમેટિકલી કોઈ લાઈટર મોડલ પર શિફ્ટ ન થઈ જાય, ત્યાં સુધી એ જ મોડલ ચાલુ રહેશે. આ સુવિધાના કારણે યુઝર્સ લિમિટ પૂરી થવાના ડર વિના પોતાની જરૂરિયાત મુજબ જેમિનીનો મનપસંદ ઉપયોગ કરી શકશે.


