ગૂગલના AI મોડમાં કરાઈ મેજર અપડેટ, યુઝરનું કામ વધુ સરળ થઈ જશે
Google AI Update: ગૂગલ દ્વારા તેના AI મોડમાં ખૂબ જ મેજર અપડેટ કરવામાં આવી છે. આ હજી પણ એક્સપેરિમેન્ટલ સ્ટેજમાં છે, પરંતુ તેમ છતાં એમાં નવા ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટૂલનો ઉપયોગ યુઝરના કામને વધુ સરળ બનાવવા માટે કરવામાં આવ્યો છે. તેમ જ AIને જે પણ માહિતી આપવામાં આવે, એનો તે કેવી રીતે સારો ઉપયોગ કરી શકે, એ માટે આ ફીચર કામ આવશે. આ માટે પહેલું ફીચર કેનવાસ છે, જે પ્લાન બનાવવા માટે શ્રેષ્ઠ છે.
કેનવાસનો ઉપયોગ
કેનવાસ ફીચરનો ઉપયોગ પ્લાન બનાવવા માટે શ્રેષ્ઠ છે. સ્ટડી પ્લાન અથવા તો પ્રોજેક્ટ પ્લાન બનાવવો હોય તો આ માટે કેનવાસમાં જઈને ક્રિએટ કેનવાસ કરવાનું રહેશે. એ કરતાં જ પ્લાન બનાવવાની પ્રોસેસ શરૂ થઈ જશે. ત્યાર બાદ યુઝરને જરૂરી હોય એ પ્રકારના તમામ બદલાવ કરતાં રહેવું જ્યાં સુધી તેને જોઈએ એવો પ્લાન ન બની શકે. આ માટે યુઝર ક્લાસ નોટ્સ, સિલેબસ અને સ્ટડી ગાઇડને પણ અપલોડ કરી શકે છે. યુઝર તમામ માહિતી અપલોડ કરી શકે છે અને એનો ઉપયોગ કરીને આ કેનવાસ યુઝર માટે તેની જરૂરિયાત મુજબનો પ્લાન તૈયાર કરીને આપી દેશે. આ ફીચરનો સમાવેશ AI મોડ લેબ એક્સપેરિમેન્ટ્સમાં કરવામાં આવશે.
AI મોડ કરશે લાઈવ સર્ચ
ગૂગલ હવે પ્રોજેક્ટ અસ્ત્રની તમામ ફીચરનો સમાવેશ AI મોડમાં કરી રહ્યું છે. આથી AI મોડ હવે લાઈવ સર્ચ કરી શકશે. AI મોડ આ માટે ગૂગલ લેન્સનો પણ ઉપયોગ કરશે. આ વિશે ગૂગલ સર્ચમાં વાઈસ પ્રેસિડેન્ટ ઓફ પ્રોડક્ટ રોબી સ્ટેન કહે છે, ‘આ એક એવું ફીચર છે જેમાં તમારી પાસે સ્પીડ ડાયલ પર એક એક્સપર્ટ છે જે તમે જે જુઓ છો, એને રિયલ ટાઈમમાં જોઈ શકે છે અને તમારી સાથે એ વિશે વાત પણ કરી શકે છે.’ આ માટે યુઝરે ગૂગલ એપમાં લેન્સ ઓપન કરી એના પર લાઈવ આઇકન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ યુઝરે જે વિશે જાણવું હોય, એના પર કેમેરા ફોકસ કરવાનું રહેશે.
AI મોડને આપ્યો ડેસ્કટોપ સપોર્ટ
AI મોડને હવે ડેસ્કટોપ પર પણ આપવામાં આવ્યું છે. આથી ડેસ્કટોપ યુઝર્સ હવે તેમની સ્ક્રીન પર શું છે, એ વિશે AI મોડને સવાલ કરી શકશે. ઉદાહરણ તરીકે, યુઝર કંઈ વિષય પર તપાસ કરી રહ્યો હોય અને એને સમજ ન પડી રહી હોય તો એ માટે યુઝર એના પર ક્લિક કરીને ‘આસ્ક ગૂગલ અબાઉટ ધિસ પેજ’ વિકલ્પને પસંદ કરી શકશે. ત્યાર બાદ AI મોડ એને સાઇડ પેનલમાં આ વિશે તમામ માહિતી આપી સમજાવી દેશે.
AI મોડમાં અપલોડ કરી શકાશે ફાઇલ
AI મોડમાં હવે PDF ફાઇલ અને ફોટોને અપલોડ કરી શકાશે. આથી એ દ્વારા જે પણ માહિતી આપવામાં આવશે, એનો ઉપયોગ કરીને AI મોડ યુઝરને વધુ સારી રીતે જવાબ આપશે. આ ફાઇલમાં જે માહિતી હશે, એ વિશે વધુ માહિતી વેબ દ્વારા પણ મેળવવાની કોશિશ કરશે AI મોડ. આ ફીચરને આગામી થોડા અઠવાડિયામાં લોન્ચ કરવામાં આવશે. આ સાથે ગૂગલ ડ્રાઇવમાંથી ફાઇલ અપલોડ કરવા માટે પણ સપોર્ટ આપવામાં આવશે.