Google And Apple Warning: ગૂગલ અને એપલ દ્વારા તેમના યુઝર્સને ચેતવણી આપવામાં આવી છે. હાલમાં એક હેકિંગ કેમ્પેઇન ચાલી રહ્યું છે. આ દ્વારા કરવામાં આવતાં અટેકને ઝીરો-ડે અટેક કહેવામાં આવે છે. એપલ અને ગૂગલ બન્નેને નથી ખબર કે કેટલા યુઝર્સને ટાર્ગેટ કરવામાં આવ્યાં છે, પરંતુ તેમને એ જરૂર ખબર છે કે તેમના યુઝર્સ ટાર્ગેટ થઈ રહ્યાં છે. આથી એપલની સિક્યોરિટી એન્જિનિયર ટીમ અને ગૂગલની થ્રેટ એનાલિસિસ ગ્રૂપ દ્વારા યુઝર્સને ચેતવણી આપવામાં આવી છે.
સરકારી કર્મચારીઓ પર ટાર્ગેટ
ઝીરો-ડે અટેક મોટાભાગે સરકારી કર્મચારીઓની સાથે જર્નાલિસ્ટ, પોતાના વિરોધીઓ અને હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ પર કરવામાં આવી રહ્યાં છે. તેમના મોબાઇલને હેક કરીને તેમની તમામ માહિતીને એકત્રિત કરવામાં આવી રહી છે. એપલ અને ગૂગલ બન્નેને લાગે છે કે આ પ્રકારના અટેક જે-તે દેશ અથવા તો સરકાર દ્વારા સ્પોન્સર કરવામાં આવતાં હોય છે. NSO ગ્રૂપ અને પેરાગોન સોલ્યુશન્સ જેવી સ્પાઇવેર કંપનીઓ દ્વારા બનાવવામાં આવતાં સ્પાઇવેર ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટૂલનો ઉપયોગ સરકારી હેકર્સ કરતાં હોય છે.
એન્ડ્રોઇડ અને એપલની ચેતવણી
ગૂગલ દ્વારા તેમના તમામ યુઝર્સને તેમની એન્ડ્રોઇડ ડિવાઇસને અપ-ટુ-ડેટ રાખવાની સલાહ આપવામાં આવી છે. એપલ દ્વારા લેટેસ્ટ સિક્યોરિટી પેચ રિલીઝ કરવામાં આવ્યો છે અને તેમના યુઝર્સને એને અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે. આઇફોન, આઇપેડ, મેકબૂક, વિઝન પ્રો, એપલ ટીવી અને એપલ વોચ દરેક માટે 26.2 અપડેટ લોન્ચ કરવામાં આવી છે. એપલ દ્વારા આ અપડેટ દ્વારા સફારી વેબ બ્રાઉઝરમાં પણ સિક્યોરિટી અપડેટ કરવામાં આવી છે. ગૂગલ દ્વારા પણ ક્રોમનું નવું વર્ઝન લોન્ચ કરીને એમાં રહેલી ખામીઓને દૂર કરવામાં આવી છે. એમાની એક ખામી એવી હતી જેના પર સતત અટેક થઈ રહ્યાં હતાં.
આ પણ વાંચો: ગૂગલનું નવું AI બ્રાઉઝર ડિસ્કો: સર્ચની સાથે યુઝરને બનાવી આપશે કસ્ટમ એપ્લિકેશન
શું છે ઝીરો-ડે અટેક?
એપલ દ્વારા તેમની એડ્વાઇઝરીમાં જે રીતે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે એના પરથી લાગે છે કે કંપની એ વિશે માહિતી છે કે તેમના યુઝર્સને ઝીરો-ડે અટેક્સ દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. ઝીરો-ડે અટેક એટલે કે એમાં સોફ્ટવેર ડેવલપર્સને માહિતી નથી હોતી કે જ્યારે યુઝર્સને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે ત્યારે તેમને કેવી રીતે ટાર્ગેટ કરવામાં આવે છે. એવી તો કઈ ખામી છે જેનો ફાયદો હેકર્સ ઉઠાવી રહ્યાં છે. આથી આ પ્રકારના અટેકને ઝીરો-ડે અટેક કહેવામાં આવે છે.


