Get The App

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વધુ હોશિયાર બની જશે તો માનવજાતને ખતમ કરી નાખશે : AIના ગોડફાધરની ચેતવણી

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વધુ હોશિયાર બની જશે તો માનવજાતને ખતમ કરી નાખશે : AIના ગોડફાધરની ચેતવણી 1 - image


Danger of AI on Human: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આજે દરેક યુઝરની રોજિંદા જીવનની જરૂરિયાતોમાં મદદ કરવા અને તેમના કામ પૂરા કરવામાં મદદ કરી રહ્યું છે. આગામી થોડા વર્ષોમાં AI વ્યક્તિનું મોટાભાગનું કામ કરી લેશે. આજે એને એક આસિસ્ટન્ટ તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. ઘણાં યુઝર્સ આજે એના પર નિર્ભર છે અને એની સાથે વાતચીત કરીને એની સાથે માનસિક રીતે થોડા જોડાઈ પણ ગયા છે. AIના ગોડફાધરના નામથી જાણીતા કમ્પ્યુટર સાયન્ટિસ્ટ જેફ્રી હિંટન દ્વારા એક ઇન્ટરવ્યુમાં કહેવામાં આવ્યું કે તેઓ આ ટેક્નોલોજીથી ખૂબ જ દુઃખી છે. તેમ જ દુનિયા દ્વારા AIને લઈને જે ખતરો છે એને ગંભીરતાથી લેવામાં નથી આવી રહ્યો.

તેમણે કહ્યું કે આગામી થોડા વર્ષમાં AIનું ખૂબ જ ખતરનાક રૂપ લોકો જોઈ શકશે. આ વિશે વધુ જણાવતાં જેફ્રી હિંટન કહે છે, ‘મને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે કે મેં મારી જિંદગી આ AIને ડેવલપ કરવામાં લગાવી દીધી અને હવે એ ખૂબ જ ખતરનાક બની રહ્યું છે. તેમ જ લોકો એનાથી જે ખતરો છે એને ગંભીરતાથી નથી લઈ રહ્યાં.’

ન્યુરલ નેટવર્ક બનાવવામાં કરી હતી મદદ

જેફ્રી હિંટન દ્વારા AI જેના પર કામ કરે છે એ ન્યુરલ નેટવર્ક બનાવવામાં મદદ કરી હતી. જોકે AIને બનાવ્યા બાદ હવે એની ખૂબ જ ટિકા કરનાર વ્યક્તિમાં તેમનો પણ સમાવેશ થાય છે. તેમણે લોકોને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે AI લોકોની નોકરીને નુકસાન પહોંચાડવાની સાથે-સાથે સમાજમાં અશાંતિ ફેલાવવાનું પણ કામ કરી શકે છે. જેફ્રી હિંટનના કહ્યા મુજબ AI અંતમાં માનવી કરતા પણ વધુ બુદ્ધિમાન બની જશે કારણ કે એની પાસે દરેક બાબત સ્ટોર કરવાની ક્ષમતા છે અને દરેક ડેટા પરથી તે સતત શીખે છે.

20 વર્ષમાં AIને કોઈ પહોંચી નહીં શકે

જેફ્રી હિંટન અનુસાર માનવતા એક ખૂબ જ ખતરનાક પડાવ પર પહોંચી ગઈ છે. હવે રિસર્ચર્સ માનવ કરતાં મશીનને વધુ બુદ્ધિશાળી બનાવવા પાછળ પડ્યાં છે. આ વિશે જેફ્રી હિંટન કહે છે, ‘આપણે આજ સુધી કોઈ દિવસ એવી પરિસ્થિતિમાં નથી મૂકાયા જ્યાં આપણે માનવી કરતાં વધુ બુદ્ધિશાળી મશીન બનાવવાની કોશિશ કરી હોય. ઘણાં એક્સપર્ટનું માનવું છે કે આગામી 20 વર્ષમાં AI દરેક ક્ષેત્રમાં મનુષ્ય કરતાં આગળ નીકળી જશે. કેટલાક ક્ષેત્રમાં તો અત્યારથી જ નીકળી ગયું છે. એક વાર આ શક્ય બની ગયું તો આ સિસ્ટમને કન્ટ્રોલ કરવું લોકોના વિચારી શકે એના કરતાં ખૂબ જ મુશ્કેલ છે.’

આ પણ વાંચો: ચેટજીપીટી સુરક્ષિત નથી, તમારા સ્વજનોથી ઉપયોગ ના કરવા દો... મસ્કની ચેતવણી

હજી પણ પરિસ્થિતિ બદલી શકાય છે

જેફ્રી હિંટન અનુસાર AIનો જે ખતરો છે એના પર વધુ રિસર્ચ કરવાની જરૂર છે. આ વિશે ચેતવણી આપતાં જેફ્રી હિંટન કહે છે, ‘જો આપણે AIને એ રીતે બનાવીશું કે એને આપણી કોઈ પડી નથી તો એ બહુ જલદી મનુષ્ય જાતીને ખતમ કરી શકે છે. AI મારા વગર પણ ડેવલપ થઈ શક્યું હોત. જોકે હું હવે એજ્યુકેશન અને હેલ્થ માટે AIને કેવી રીતે સારું બનાવી શકાય એના પર કામ કરી રહ્યો છું.’