Elon Musk On ChatGPT: ટેસ્લાના CEO અને બિલિયોનેર બિઝનેસમેન ઇલોન મસ્ક છેલ્લા કેટલાક અઠવાડિયાંથી Grok AI વિવાદને કારણે ચર્ચામાં રહ્યા છે, જેમાં મહિલાઓ અને યુવતીઓની અશ્લીલ છબીઓ બનાવવાના આરોપો લાગ્યા હતા. જોકે મસ્ક હવે ખુલ્લેઆમ OpenAIની ટીકા કરી રહ્યા છે કે કંપની માનસિક તણાવ અનુભવનારા યુઝર્સને સુરક્ષિત રાખવામાં નિષ્ફળ રહી છે. મસ્કે ChatGPT સાથે જોડાયેલા મૃત્યુના કેસોનો ઉલ્લેખ કરીને કહ્યું કે, 'તમારા સ્વજનોને ChatGPTના ઉપયોગ ના કરવા દો, તેઓને તેનાથી દૂર રાખો.'
મસ્કે તાજેતરમાં X પર પોસ્ટ કર્યું અને તેના જવાબમાં OpenAIના CEO સેમ ઑલ્ટમેનએ મસ્ક પર પ્રહાર કર્યો છે. બે કેસોમાં ChatGPT પર માનસિક તણાવ અનુભવનારા લોકોનું નુકસાન કરવાના આરોપો મૂકાયા છે. કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે ચેટબોટે જરૂરી સમયે યોગ્ય પ્રતિસાદ આપ્યો નહોતો. આ ઘટનાઓને કારણે જાહેર ચિંતા અને કાનૂની દબાણ વધ્યું છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જવાબદારી અને સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
વિવાદ કેવી રીતે શરૂ થયો?
વિવાદની શરૂઆત મસ્કના ChatGPT વિશેની પોસ્ટથી થઈ, જે તેમણે ક્રિપ્ટો ઇન્ફ્લુએન્સર DogeDesignerના દાવા પર પ્રતિભાવ આપતા કર્યો હતો. થોડા જ મિનિટોમાં સેમ ઑલ્ટમેને મસ્ક પર પ્રહાર કર્યા અને ટેસ્લા ઓટો-પાયલટ સાથે જોડાયેલા મૃત્યુ તેમજ Grok AI દ્વારા બનાવાયેલી સંમતિ વગરના અશ્લીલ ફોટાનો ઉલ્લેખ કર્યો.
સેમ ઑલ્ટમેનએ શું કહ્યું?
સેમ ઑલ્ટમેન દ્વારા મસ્કને જવાબ આપતાં પોસ્ટ કર્યું કે 'ક્યારેક તમે ChatGPT ને ખૂબ પ્રતિબંધિત ગણાવો છો, અને પછી આવા કેસોમાં કહો છો કે તે ખૂબ ઢીલું છે. લગભગ એક અબજ લોકો તેનો ઉપયોગ કરે છે, જેમાંથી કેટલાક ખૂબ નાજુક માનસિક સ્થિતિમાં હોઈ શકે છે. અમે તેમની મદદ કરવા માટે સતત પ્રયત્નશીલ છીએ અને અમને મોટી જવાબદારીનો અહેસાસ છે. આ દુઃખદ અને જટિલ પરિસ્થિતિઓ છે, જેને સન્માન સાથે સંભાળવાની જરૂર છે.'
મસ્કનો OpenAI સામે કેસ
બંને ટેક કંપનીઓના લીડર વચ્ચેની ટક્કર મસ્કના OpenAI સામે જે કેસ આગળ વધાર્યો છે એના લીધે જોવી મળી રહી છે. xAIના સ્થાપક અને CEO મસ્કએ OpenAI પર તેના નોન-પ્રોફિટ મિશનથી ભટકવાનો આરોપ મૂક્યો છે. તેમણે એ પણ કહ્યું કે કંપનીએ શરૂઆતમાં તેમની ભાગીદારી હોવા છતાં તેમને સાઇડલાઇન કરી દીધા હતા.
આ પણ વાંચો: ભારતમાં આવી રહ્યું છે એપલ પે: જાણો યુઝર્સને શું ફાયદો થશે…
અમેરિકામાં દાખલ થયેલા કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે એક વ્યક્તિ ચેટબોટ સાથે લાંબી વાતચીત બાદ તેનાથી પ્રભાવિત થયો અને પોતાની માતાની હત્યા કર્યા પછી આત્મહત્યા કરી. મસ્કએ વધુમાં કહ્યું કે AIએ હંમેશા સત્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને ખોટા કે જોખમી વાતોને ક્યારેય સમર્થન ન આપવું જોઈએ. આ કેસમાં 56 વર્ષીય સ્ટેઇન એરિક સોલબર્ગ અને તેમની 83 વર્ષીય માતા સુઝાન એબરસન વિશે છે. વિશ્વનો સૌથી ધનિક માણસ ઇલોન મસ્ક હવે OpenAI અને તેના સૌથી મોટા સમર્થક Microsoft પાસેથી $79 બિલિયનથી $134 બિલિયન સુધીનું વળતર માંગી રહ્યો છે.


