માઇક્રોસોફ્ટનો દાવો: 2030 સુધીમાં વિન્ડોઝ પણ ‘જાર્વિસ’ની જેમ જોઈ શકશે, સાંભળશે અને બોલશે
Microsoft OS Future Update: માઇક્રોસોફ્ટ દ્વારા તેમના ભવિષ્ય વિશે એક ગજબની જાહેરાત કરવામાં આવી છે. માઇક્રોસોફ્ટના ઓપરેટિંગ સિસ્ટમના કોર્પોરેટ વાઇસ પ્રેસિડન્ટ ડેવિડ વેસ્ટન દ્વારા તેમની ઓપરેટિંગ સિસ્ટમના ભવિષ્યને લઈને ઘણી મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં જ યૂટ્યુબના એક વીડિયોમાં ડેવિડ દ્વારા કહેવામાં આવ્યું હતું કે 2030 સુધીમાં વિન્ડોઝમાં ‘આયર્ન મેન’ના જાર્વિસ જેવી શક્તિઓ આવી જશે. તેના અનુસાર કમ્પ્યુટર મનુષ્યની જેમ જોતા, બોલતા અને સાંભળતા પણ થઈ જશે.
ટ્રેડિશનલ કમ્પ્યુટરમાં પરિવર્તન
કમ્પ્યુટરમાં હાલમાં કીબોર્ડ અને માઉસનો ઉપયોગ થાય છે. કેટલાક કમ્પ્યુટરમાં ટચસ્ક્રીન પણ છે. માઇક્રોસોફ્ટ કોપાઇલટ AI અને રિયલ-ટાઇમ પ્રોડક્ટિવિટી ટૂલને લઈને માઇક્રોસોફ્ટ અત્યારથી આગળ વધી રહ્યું છે. આ ઓપરેટિંગ સિસ્ટમ અત્યારથી યુઝર્સ વિશે જાણી અને શીખી રહી છે. જોકે બહુ જલદી એમાં પણ પરિવર્તન આવશે. આ વિશે ડેવિડ વેસ્ટન કહે છે, ‘જેન ઝી માટે હાલમાં માઇક્રોસોફ્ટ-ડોસ જે રીતે એલિયન છે એ જ રીતે આપણને થોડા વર્ષમાં માઉસ પણ એલિયન લાગશે.’
સાઇબરસિક્યોરિટી એનાલિસ્ટ તરીકે AI એજન્ટ્સ
ડેવિડ વેસ્ટન દ્વારા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી પાંચ વર્ષમાં કમ્પ્યુટરને લગતાં ઘણાં એક્સપર્ટની જગ્યા AI દ્વારા લઈ લેવામાં આવશે. એનો મતલબ છે કે આ AI એજન્ટ માઇક્રોસોફ્ટ ટીમ અને અન્ય પ્લેટફોર્મને ટાસ્ક આપી શકશે. આ વિશે ડેવિડ કહે છે, ‘આગામી પાંચ વર્ષમાં મને લાગે છે કે સિક્યોરિટી એક્સપર્ટ તરીકે AI એજન્ટને જ પસંદ કરવામાં આવશે.’
AIના વિકાસની સાથે સિક્યોરિટીમાં વધશે જોખમ
ડેવિડ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે AIને કારણે દરેકનું કામ સરળ થઈ જશે. સામાન્ય કામ AI કરી શકતું હોવાથી વ્યક્તિઓ દ્વારા ક્રિએટિવ કામ કરી શકાશે. જોકે AIના વિકાસની સાથે સિક્યોરિટીને લઈને જોખમ પણ વધી રહ્યું છે. ક્વાન્ટમ કમ્પ્યુટિંગ હવે મેઇનસ્ટ્રીમ થઈ રહ્યું છે. આથી એના કારણે જોખમ પણ વધશે. આ વિશે ડેવિડ કહે છે, ‘આપણે બધા જાણીએ છીએ કે AIને કારણે સિક્યોરિટીમાં ખૂબ જ જોખમ રહેશે.’
આ પણ વાંચો: Apple vs Apple: આઇફોન બનાવતી કંપનીએ એપલ સિનેમા પર કર્યો કેસ
સિક્યોરિટી રિસ્કને કરવામાં આવશે કન્ટ્રોલ
ડેવિડ વેસ્ટન અનુસાર AIને કારણે સિક્યોરિટીમાં જોખમ રહેશે. આથી માઇક્રોસોફ્ટ પોસ્ટ-ક્વાન્ટમ અથવા તો ક્વાન્ટમ-સેફ ઇન્ક્રિપ્શન પર કામ કરી રહ્યું છે. વિન્ડોઝ 12માં એનો સમાવેશ કરવામાં આવશે એવું લાગી રહ્યું છે. માઇક્રોસોફ્ટની ભવિષ્યની તમામ ઓપરેટિંગ સિસ્ટમ હવે AI પર ખૂબ જ નિર્ભર રહેશે. પછી એ કોપાઇલટ હોય, રિયલ-ટાઇમ એજન્ટ્સ હોય કે મલ્ટીમોડલ AI હોય. વિન્ડોઝ હવે પોતાની સિક્યોરિટીમાં પણ ખૂબ જ વધારો કરી રહ્યો છે.