જર્મનીની ગજબ ટેક્નોલોજીઃ 60 સેકન્ડમાં 4 ટન પાણી શોષી લે તેવા રસ્તા, ભારતમાં ખાસ જરૂર
Germany Road Technology: ભારતમાં હાલમાં જ્યાં જુઓ ત્યાં વરસાદને કારણે ઘણું નુકસાન થઈ રહ્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ એન્ડ કાશ્મીર વગેરે રાજ્યમાં વરસાદને કારણે ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. વરસાદ સામાન્ય હોય એ રાજ્યમાં પણ વરસાદને કારણે ઘણાં રસ્તાઓ ખરાબ થઈ ગયા છે. ચોમાસામાં સૌથી પહેલી અસર રસ્તાઓ પર પડે છે અને એને કારણે વાહન વ્યવહાર અટકવાની સાથે અકસ્માત પણ ઘણાં થાય છે. આ સમસ્યાનું નિરાકરણ જર્મની દ્વારા શોધી કાઢવામાં આવ્યું હતું.
જર્મની દ્વારા થોડા વર્ષ પહેલાં નવી ટેકનોલોજી વિકસાવાઈ હતી જે રસ્તા પરનું પાણીનું શોષણ કરી લે. જર્મનીની આ ટેકનોલોજીની મદદથી રસ્તા પર સંગ્રહ થતું પાણી દૂર થઈ શકે છે. અતિ વરસાદના કારણે રસ્તા પર જે પાણી જોવા મળે છે એ હવે જોવા નહીં મળે. તેમજ ફ્લડની સ્થિતિમાં પણ આ ટેકનોલોજી ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. આ કોઈ એક નવા પ્રકારના રસ્તા નથી, પરંતુ એન્જિનિયરિંગનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં સાયન્સ વધુ છે. આ રસ્તાની હવે ભારતમાં જરૂર છે.
ડામરને જ્યારે પાણી મળે ત્યારે શું થાય?
મોટા ભાગના શહેરોના રસ્તા ડામરના બનાવેલા હોય છે. ઘણી જગ્યાએ આરસીસીના પણ હોય છે. જો કે, ડામર હોય કે આરસીસી, વરસાદ પડે ત્યારે પાણી એના પરથી આગળ વધતું રહે છે અથવા તો ત્યાં સંગ્રહ થતું રહે છે. પરિણામે ફ્લેશ ફ્લડ થતાં ટ્રાફિક વધી જાય છે અને ઘણું નુકસાન થવાની શક્યતા રહે છે. ડામરના રસ્તાના કારણે ખૂબ જ ઓછો વરસાદ પડ્યો હોય તો પણ સમગ્ર શહેર અથવા તો જિલ્લાનું વાહન વ્યવહાર ખોરવી નાખે છે. આથી જર્મની દ્વારા આ સમસ્યાનું સમાધાન શોધી કાઢવામાં આવ્યું છે. હવે રસ્તા પર પાણી પડતાંની સાથે જ એ એને પી જશે એટલે કે શોષી લેશે. આ ટેકનોલોજીની મદદથી 60 સેકન્ડની અંદર ચાર ટન પાણી શોષાઈ જાય છે.
શું છે આ ટેકનોલોજી?
આ ટેકનોલોજીમાં ત્રણ લેયરનો સમાવેશ થાય છે. આ લેયરની મદદથી પાણીનું શોષણ થતું હોય એવું લાગે, પરંતુ એ રસ્તાની અંદર જતું રહે છે. આ માટે એક સિસ્ટમ બનાવવી પડે છે. ત્રણ લેયરમાં સૌથી પહેલાં એક અંડરગ્રાઉન્ડ પાઇપ નેટવર્ક ઊભું કરવામાં આવે છે. રસ્તાની અંદર એક પાણીના નાળા જેવી વ્યવસ્થા હોવાથી પાણી ખૂબ જ અસરકારક રીતે રસ્તા પરથી દૂર થઈ જાય છે. આ કારણે શહેરની અન્ય ગટર પર પણ દબાણ અથવા તો લોડ નથી આવતો. ત્યાર બાદ ઉપર ગ્રેનાઇટનું લેયર બનાવવામાં આવે છે. ગ્રેનાઇટના પથ્થર હોવાથી એ ડ્રેનેજની સાથે રસ્તાની મજબૂતી માટે પણ મદદરૂપ થાય છે. ગ્રેનાઇટના પથ્થરને કારણે રસ્તા પર ગમે એટલું વજન આવે તો પણ તે તૂટશે નહીં.
સેફ્ટીની સાથે ટકાઉપણું
જર્મનીની આ ટેકનોલોજી એક સાથે ઘણાં ફાયદા આપે છે. રસ્તા પર જ્યારે પાણી ભરાઈ ગયું હોય ત્યારે કાર અથવા તો બાઈક ગમે એ હોય, જોરમાં જતાં હોય ત્યારે સંતુલન ના જળવાય તેવી શક્યતા રહે છે. પરિણામે અકસ્માત પણ થઈ શકે છે. આથી પાણી ન હોય તો બેલેન્સ ખોવાની વાત જ ન રહે, એટલે કે સેફ્ટીમાં વધારો કરશે. રસ્તા પર પાણી ન રહેતું હોવાથી તેને નુકસાન થવાની શક્યતા ઓછી થઈ જાય છે. આથી રસ્તા ટકાઉ બને છે અને ખાડા જોવા નહીં મળે. ખાડા ન હોવાથી પણ અકસ્માત થવાની શક્યતા ઓછી થઈ જાય છે અને એથી જ એમા પણ સુરક્ષા રહેલી છે. રોડની અંદર જ ડ્રેનેજ સિસ્ટમ હોવાથી એને અન્ય ડ્રેનેજ સિસ્ટમની જરૂર નથી પડતી. આથી રસ્તા માટે બનાવાતી ડ્રેનેજ સિસ્ટમનો ખર્ચ બચી જાય છે. આ કારણે કાર્બન ફૂટપ્રિન્ટ પણ ઓછી થાય છે.
જર્મની પૂરતી સીમિત નથી આ ટેકનોલોજી
આ ટેકનોલોજીનો ઉપયોગ જર્મની સહિત અન્ય દેશ પણ કરી શકે છે. શહેરમાં જે જગ્યાએ વધુ પાણી ભરાતું હોય ત્યાં આ પ્રકારના રસ્તા બનાવી શકાય છે. તેમ જ ચોમાસામાં જ્યાં વધુ વરસાદ પડતો હોય એવા સ્થળે આ પ્રકારના હાઈવે બનાવી શકાય છે. પાર્કિંગ લોટની સાથે ફૂટપાથને પણ આ પ્રકારની બનાવી શકાય છે જેથી પાણી ત્યાં ભરાઈ રહેવાનું ચાન્સ ઓછો રહે. વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યાએ હવે વરસાદનું પ્રમાણ વધી ગયું છે. જે દેશમાં વરસાદ નહોતો પડતો, ત્યાં પણ ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. આથી દરેક દેશ આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે.
આ પણ વાંચો: ચીન દ્વારા સ્પેસમાં મોકલવામાં આવ્યું AI: સ્પેસ મિશન માટે ગેમચેન્જર સાબિત થઈ શકે છે…
સ્માર્ટ ફ્યુચર માટે સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
દુનિયા જ્યારે હવે સ્માર્ટ ટેકનોલોજી તરફ એટલે કે AI તરફ જઈ રહી છે ત્યારે દરેક વ્યક્તિ સ્માર્ટ ફ્યુચરની આશા રાખી રહ્યું છે. સ્માર્ટ ફ્યુચર માટે ટેકનોલોજીની સાથે સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એટલું જ જરૂરી છે. જર્મની દ્વારા એ સાબિત કરી દેખાડવામાં આવ્યું છે કે તેઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્માર્ટ છે અને પાણી તેમની વાહન વ્યવહારને અટકાવી નહીં શકે. આ માટે તેમણે સ્માર્ટ વર્ક શરૂ કરી દીધું છે. જોકે ભારત હજી પણ આ માટે રાહ જોઈ રહ્યું છે.