ચીન દ્વારા સ્પેસમાં મોકલવામાં આવ્યું AI: સ્પેસ મિશન માટે ગેમચેન્જર સાબિત થઈ શકે છે…
AI Image |
China Send AI Chatbot in Space: ચીન દ્વારા સ્પેસ રિસર્ચમાં એક ખૂબ જ મોટું પગલું ભરવામાં આવ્યું છે. ચીન હવે સ્પેસ AI ચેટબોટ તૈયાર કર્યું છે. પહેલી વાર કોઈ દેશ દ્વારા સ્પેસ AI ચેટબોટ તૈયાર કરવામાં આવ્યું છે અને ચીન દ્વારા એને વૂકોન્ગ નામ આપવામાં આવ્યું છે. આ ચેટબોટને ચીનના તિયાંગોંગ અંતરિક્ષ સ્ટેશન પર રાખવામાં આવ્યું છે. ચીન પહેલો દેશ બન્યો છે જેણે સ્પેસમાં AI ચેટબોટ રાખ્યું છે. શિન્હુઆ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ ચીન દ્વારા આ AI સિસ્ટમને તેમના સ્પેસ મિશનને વધુ સારી રીતે પાર પાડવા માટે બનાવવામાં આવ્યું છે. અંતરિક્ષ યાત્રીઓની મદદ કરવાની સાથે તમામ મિશનને વધુ સરળ બનાવશે.
આ એક ઓપન સોર્સ AI મોડલ પર બનાવવામાં આવ્યું છે જે અંતરિક્ષ યાત્રીઓ માટે આસિસ્ટન્ટની જેમ કામ કરશે. વૂકોન્ગને જુલાઈ 2025માં તિયાંગોંગ અંતરિક્ષ સ્ટેશન પર રાખવામાં આવ્યું હતું. આ સિસ્ટમના ડેવલપર જાઉ પેંગફેઈ આ વિશે કહે છે, ‘આ સિસ્ટમ મુશ્કેલી ભરેલા કામો અને ટેક્નિકલ ઇશ્યૂનો ઉકેલ લાવવા માટે ખૂબ જ મહત્ત્વની છે. આ AI ચેટબોટ એકદમ સચોટ માહિતી આપશે. અંતરિક્ષ યાત્રીઓની કામ કરવાની ક્ષમતામાં એના કારણે વધારો થશે. આ સિસ્ટમની મદદથી અંતરિક્ષ અને પૃથ્વી પર થતા કામો વચ્ચે સમાનતા મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે.’
અંતરિક્ષ યાત્રીને કેવી રીતે મદદ કરશે AI?
વૂકોન્ગનું મુખ્ય કામ અંતરિક્ષ યાત્રીને મદદ કરવાનું છે. આ મદદમાં તેમને જાણકારી આપવાનું અને ટેક્નિકલ સમસ્યાનું સમાધાન લાવવાનું છે. આ AI બે ભાગમાં કામ કરે છે. એક પાર્ટ પૃથ્વી પર છે, જે એકદમ મહત્ત્વની માહિતીઓ આપે છે અને એનાલિસિસ કરે છે. બીજો ભાગ અંતરિક્ષ સ્ટેશન પર છે, જે મિશન સાથે જોડાયેલી તમામ સમસ્યાઓનું સમાધાન આપે છે. અંતરિક્ષ યાત્રી વાંગ દ્વારા એને ટેસ્ટ કરવામાં આવ્યું હતું. તેમના કહ્યા મુજબ આ AI ખૂબ જ ચોક્કસ અને મદદગાર માહિતી આપે છે. અંતરિક્ષમાં બીજી મિનિટમાં શું થવાનું છે એ નક્કી નથી હોતું એ સમયે વૂકોન્ગ જેવી સિસ્ટમ ખૂબ જ સારી સાબિત થઈ શકે છે. અંતરિક્ષ યાત્રી સ્પેસવોક કરતાં હશે કે પછી કોઈ મશીનને રિપેર કરતાં હશે વૂકોન્ગ દરેક માહિતી તરત પૂરી પાડશે.
વૂકોન્ગની ટેસ્ટમાં શું કરવામાં આવ્યું હતું?
વૂકોન્ગનું પહેલું ટ્રાયલ સાડા છ કલાકની સ્પેસવોકના સમયે કરવામાં આવ્યું હતું. એ દરમિયાન અંતરિક્ષ યાત્રી દ્વારા સ્ટેશન પર એન્ટી ડેબ્રિસ સાધન લગાવવામાં આવ્યું હતું અને એનું નિરિક્ષણ કર્યું હતું. આ દરમિયાન વૂકોન્ગ દ્વારા આ કામને ખૂબ જ સુરક્ષિત રીતે પૂરું કરવામાં આવ્યું હતું. આ પહેલી વાર હતું જ્યારે ચીન દ્વારા સ્પેસમાં AI મોડલનો આટલાં મોટા પાયે ઉપયોગ કર્યો હતો. ચીન માટે આ ખૂબ જ મોટી સિદ્ધિ છે અને અન્ય દેશ પણ હવે આ રીતે AIનો ઉપયોગ કરશે.
આ પણ વાંચો: વોટ્સએપ પર મેટા AI પાસે જલદી જવાબ કેવી રીતે મેળવશો?, આ શોર્ટકટનો કરો ઉપયોગ…
અન્ય ચેટબોટથી કેવી રીતે અલગ છે?
નાસાના સિમોન અને એસ્ટ્રોબી રોબોટ ઘણાં સમયથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં કામ કરે છે. તેઓ અંતરિક્ષ યાત્રીઓની મદદ પણ કરે છે. જોકે વૂકોન્ગ એક AI છે. એને તિયાંગોંગના મિશન માટે બનાવવામાં આવ્યું છે. આ અંતરિક્ષ નેવિગેશન અને ઓપરેશનલ સપોર્ટ પર ખાસ કરીને ધ્યાન આપે છે. સિમોન મનોવૈજ્ઞાનિક જ્ઞાન માટે મદદ કરે છે. બીજી તરફ એસ્ટ્રોબી રોજેરોજના જીવનના કામ કરવામાં મદદ કરે છે. જોકે વૂકોન્ગ અંતરિક્ષ યાન, એની સિસ્ટમ અને વિજ્ઞાનના ડેટાની તમામ બાબતોમાં એક્સપર્ટ છે.