Get The App

ટેક સેવી યુવાનોમાં AIનો મોહભંગ, હવે નવી પેઢી પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ગણાવી રહી છે જોખમી

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
ટેક સેવી યુવાનોમાં AIનો મોહભંગ, હવે નવી પેઢી પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ગણાવી રહી છે જોખમી 1 - image

Gen Z's Growing Distrust in AI : આજના ડિજિટલ યુગમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઝડપથી આપણું જીવન બદલી રહી છે. ઈ-મેઈલ લખવાથી માંડીને વેકેશન પ્લાન કરવા સુધીના અનેક કામ આપણે AI પાસે કરાવાઈ રહ્યા છે. સૌથી વધુ ટેક સેવી ગણાતા Gen Z પણ AIનો ખૂબ ઉપયોગ કરે છે, પણ આ ટેક્નોલોજી માટે એમનો ઉત્સાહ ઠંડો પડતો જાય છે. હાલમાં જ આંતરરાષ્ટ્રીય સંસ્થા ગેલપ, જીએસવી વેન્ચર્સ અને વૉલ્ટન ફેમિલી ફાઉન્ડેશન દ્વારા કરાયેલા એક સર્વેમાં 14થી 29 વર્ષની ઉંમરના 1,500 થી વધુ યુવાનોને AI  સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જાણો આ સર્વેમાં કેવા રસપ્રદ પરિણામો સામે આવ્યા છે. 

ટેક્નોલોજી સાથે ઉછરેલા, છતાં AIથી ડરતા Gen Z  

ટેક્નોલોજી સાથે ઉછરેલી Gen Z યુવાનો AIનો ઉપયોગ અભ્યાસ, કામ અને મનોરંજન માટે કરે તો છે, પણ અંદરથી તેમને ઘણાં સવાલો અને શંકા પજવે છે. તેઓ AI ના ઉપયોગ બાબતે હવે વધુ સાવચેત બની રહ્યા છે.

શા માટે Gen Z ને AI પર ભરોસો નથી?

AI પ્રત્યેના આ ખચકાટ પાછળ મુખ્ય કારણો નીચે મુજબ છે.

- 80 ટકા યુવાનો માને છે કે AI નો ઉપયોગ કરવાથી તેમની ગ્રહણ શક્તિ તેમજ શીખવા-સમજવાની ક્ષમતા પર નકારાત્મક અસર પડી રહી છે. 

- 38 ટકા યુવાનોને લાગે છે કે AI સર્જનાત્મકતા ઘટાડે છે. 

- 42 ટકા યુવાનો કહે છે કે, આ પ્રકારની ટેક્નોલોજીથી તેમની વિવેચન કરવાની ક્ષમતા (Critical Thinking) પર ખરાબ અસર પડે છે.

યુવાનોને ડર છે કે શૉર્ટકટ તરીકે અત્યારે AI નો ઉપયોગ કરી લઈશું, પણ એમ કરવાથી ભવિષ્યમાં તેમની સમજણ અને જ્ઞાનમાં વધારો થતો અટકી જશે. એટલે કે AI મદદરૂપ હોવા છતાં, તે વ્યક્તિગત વિકાસ માટે અવરોધ બની શકે છે, એવો વિચાર Gen Zમાં વધતો જાય છે.

ઘટતો ઉત્સાહ અને વધતો ગુસ્સો

છેલ્લા થોડા સમયગાળામાં Gen Z માં AI પ્રત્યે ઉત્સાહમાં ઘટાડો થયો છે, તથા ચિંતા અને ગુસ્સાનું પ્રમાણ વધી ગયું છે. 

- AI પ્રત્યે ઉત્સાહમાં 14 ટકાનો ઘટાડો થયો છે. અગાઉ 36 ટકા યુવાનો AI પ્રત્યે ઉત્સાહી હતા, એ આંકડો હવે માત્ર 22 ટકા રહી ગયો છે.

- 42 ટકા યુવાનો AI બાબતે ચિંતિત છે.

- AI પ્રત્યે ગુસ્સો અનુભવતા યુવાનોની સંખ્યા વધીને 31 ટકા થઈ છે.

એટલે કે હવે AI ‘કૂલ ટેક્નોલોજી’ નથી રહી, પરંતુ એક એવી વસ્તુ બની ગઈ છે જેના વિશે આ પેઢીના યુવાનો ગંભીરતાથી વિચારવા લાગ્યા છે.


આ પણ વાંચો : વજન ઘટાડવા માટે વૈજ્ઞાનિકોની મોટી શોધ: કુદરતી હોર્મોન FGF21થી ચરબી ઝડપથી બર્ન થાય છે

શું AI વપરાશમાં વધારો થયો?

Gen Z માંથી અંદાજે 51 ટકા યુવાનો દરરોજ અથવા સપ્તાહમાં ઓછામાં ઓછો એક વાર AIનો ઉપયોગ કરે છે. આ સંખ્યા ગયા વર્ષની તુલનામાં નોંધપાત્ર રીતે વધી નથી, જે દર્શાવે છે કે AI અપનાવવાની ગતિ ધીમી પડી છે. તેમાં પણ 19 ટકા યુવાનો એવા છે જેઓ ક્યારેય AI નો ઉપયોગ કરતા નથી.

નોકરી ગુમાવવાનો ડર

જે ઓફિસમાં AIનો ઉપયોગ થતો હોય છે ત્યાં કામ કરતા યુવાનોને નોકરી ગુમાવવાનો ડર સૌથી વધુ હોય છે. તેઓ માને છે કે AI ઘણાં કામ પોતે જ કરી શકે છે, જેના કારણે તેમને તેમની નોકરી ટકી રહેશે કે કેમ એ બાબતમાં સતત શંકા રહે છે. આમ થવાથી ઘણાં યુવાનો મન લગાવીને કામ પણ નથી કરી શકતા. તેઓ ઓફિસમાં પોતાની સંપૂર્ણ શક્તિ નથી લગાવી શકતા.

- 48 ટકા Gen Z યુવાનો માને છે કે ઓફિસમાં AI ના ફાયદા કરતા જોખમો વધારે છે. 

- માત્ર 15 ટકા યુવાનોને જ AI ના વપરાશમાં ફાયદો દેખાય છે. 

AI સાથે અપડેટેડ રહેવાનું દબાણ 

AI ક્ષેત્રે પણ સતત નવા નવા અપડેટ્સ અને ટૂલ્સ આવતાં રહે છે, જેને લીધે એ શીખીને અપડેટેડ રહેવાનું દબાણ યુવાનો પર રહે છે. જો એમ નહીં થાય તો તેઓ સ્પર્ધામાં અન્યોથી પાછળ પડી જશે, કરિયર ખરાબ થઈ જશે, એવો ડર યુવાનોને સતાવે છે. 

AI સાથે ‘લવ-હેટ’નો વિચિત્ર સંબંધ

આ પ્રકારના ડર અને શંકા હોવા છતાં Gen Z એ AI ને સંપૂર્ણપણે નકારી નથી કાઢ્યું. તેઓ સમજે છે કે AI એ ભવિષ્ય છે. લગભગ 52 ટકા વિદ્યાર્થીઓ માને છે કે તેમને ઉચ્ચ શિક્ષણ માટે AI સ્કિલની જરૂર પડશે અને 48 ટકા યુવાનો માને છે કે AI તેમની કારકિર્દીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. 

આમ, AI એક એવી ટેક્નોલોજી બનીને ઉભરી આવી છે, જેના એકથી વધુ જોખમો હોવા છતાં નવી પેઢીને એના વિના ચાલવાનું નથી.

આ પણ વાંચો : ચંદ્રયાન-2 અને નિસાર સામે મોટો ખતરો ટળ્યો: અંતરિક્ષમાં વધી રહેલા ટ્રાફિકથી ભારતીય સેટેલાઇટ્સને ખતરો