Get The App

દુબઈ જતા પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, પાવર બેન્કને લઈને એમિરેટ્સનો નવો નિયમ

Updated: Oct 1st, 2025

GS TEAM

Google News
Google News
દુબઈ જતા પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, પાવર બેન્કને લઈને એમિરેટ્સનો નવો નિયમ 1 - image


Emirates New Rule For Power Bank: એમિરેટ્સ દ્વારા ફ્લાઇટ્સમાં હવે પાવર બેન્કના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધ આજથી એટલે કે પહેલી ઓક્ટોબરથી લાગુ પણ થઈ ગયો છે. UAEની એરલાઇન એમિરેટ્સ દ્વારા નવા સેફ્ટીના નિયમો રજૂ કરવામાં આવ્યા છે. નવા નિયમ અનુસાર મુસાફર ફ્લાઇટમાં 100 watt-hoursથી નાની એક પાવરબેન્ક લઈ જઈ શકે છે, પરંતુ જ્યાં સુધી તે ફ્લાઇટમાં હોય એનો ઉપયોગ નહીં કરી શકે. એનો અર્થ એ થયો કે યુઝર પાવરબેન્ક દ્વારા મોબાઇલ, ટેબલેટ, વોચ કે પછી એરપોડ્સ જેવી કોઈ પણ પ્રોડક્ટને ચાર્જ ન કરી શકે. તેમ જ એરલાઇનમાં આવતાં પાવર સપ્લાયની મદદથી પાવર બેન્કને પણ ચાર્જ નહીં કરી શકશે.

આ વિશે એમિરેટ્સ દ્વારા સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે ‘એમિરેટ્સ દ્વારા સેફ્ટીને લઈને રિવ્યૂ કરવામાં આવ્યું હતું અને એમાં ફ્લાઇટમાં પાવર બેન્કને કારણે જે રિસ્ક રહેલા છે એને દૂર કરવા માટે કેટલાક નિયમ બનાવવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ફ્લાઇટમાં ઘણાં મુસાફરો હવે પાવર બેન્કનો ઉપયોગ કરતાં જોવા મળી રહ્યા છે. લિથિયમ બેટરીને કારણે એવિએશન ઇન્ડસ્ટ્રીમાં ઘણી ઘટનાઓ થતી જોવા મળી છે. એથી એ માટે કડક નિર્ણય બનાવવામાં આવ્યો છે.’

એમિરેટ્સ દ્વારા એકદમ સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે દરેક પાવર બેન્ક પર તેની કેપેસિટી વિશે સાફ શબ્દોમાં લખેલું હોવું જોઈએ. તેમ જ એ પાવર બેન્કને સીટ સાથે આપવામાં આવેલા પોકેટમાં અથવા તો આગળની સીટની નીચે મૂકવું ફરજિયાત છે. આ પાવરબેન્કને ફ્લાઇટમાં લગેજ બેગ રાખવામાં આવે છે એમાં નહીં મૂકી શકાય. આ સાથે જ ફ્લાઇટમાં પાવર સપ્લાય આપવામાં આવ્યો છે, પરંતુ દરેક પેસેન્જરને વિનંતી કરવામાં આવી છે કે ફ્લાઇટ ટેક-ઓફ કરે એ પહેલાં ડિવાઇસ ચાર્જ કરી લેવી.

પાવર બેન્ક શું છે અને એનો ઉપયોગ શું છે?

પાવર બેન્ક પોકેટ-સાઇઝની આવે છે જેની મદદથી ઇમરજન્સીમાં સ્માર્ટફોન, સ્માર્ટવોચ અને ટેબલેટને ચાર્જ કરી શકાય. આજે મોટાભાગના લોકો પાસે આ પાવરબેન્ક હોય છે. ડિવાઇસમાં જ્યારે બેટરી પૂરી થઈ જાય ત્યારે આ પાવર બેન્કથી એને ચાર્જ કરી શકાય છે. ખાસ કરીને ટ્રાવેલિંગ કરી રહ્યા હોય ત્યારે. આ પાવર બેન્કને ખાસ કરીને નાના ગેજેટ્સને ચાર્જ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, પરંતુ કેટલીક પાવર બેન્ક લેપટોપ અને પોર્ટેબલ સ્પીકર્સને પણ ચાર્જ કરે છે. આ પાવર બેન્કમાં લિથિયમ-આઇઓન અથવા તો લિથિયમ-પોલિમરનો ઉપયોગ થાય છે. એ ડેમેજ થઈ ગઈ હોય અથવા તો વધુ પડતી ચાર્જ થઈ જાય તો એમાં આગ લાગી શકે છે.

દુબઈ જતા પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, પાવર બેન્કને લઈને એમિરેટ્સનો નવો નિયમ 2 - image

ફ્લાઇટમાં હાલમાં પાવર બેન્ક માટેના શું નિયમ છે?

પાવર બેન્ક માટે છેલ્લા ઘણાં વર્ષથી ફ્લાઇટમાં નિયમ છે. સૌથી પહેલો નિયમ કે પાવર બેન્કને હેન્ડ બેગમાં રાખવું. લગેજ બેગ જેનું ચેક-ઇન કરવામાં આવે છે એમાં પાવરબેન્કને નહીં રાખી શકાય. પાવર બેન્ક 100 watt-hoursથી વધુની નહીં હોવી જોઈએ. એનો અર્થ કે 27000 mAhથી વધુની નહીં હોવી જોઈએ. એમિરેટ્સ દ્વારા આ નિયમ ફરી રજૂ કરવામાં આવ્યો છે કે મુસાફર દ્વારા એક પાવર બેન્ક લઈ જઈ શકાશે, પરંતુ એ 100 watt-hoursથી નાની હોવી ફરજિયાત છે.

કેટલીક એરલાઇન્સ 160 watt-hours ધરાવતી પાવર બેન્ક લઈ જવા માટેની પરવાનગી પણ આપે છે, પરંતુ એ માટે પહેલેથી પરવાનગી લેવી પડે છે. 160 watt-hoursથી વધુની પાવર બેન્ક કોઈ પણ એરલાઇન્સમાં નહીં લઈ જઈ શકાય. અમેરિકામાં ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન, ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન, યૂકેમાં સિવિલ એવિએશન ઓથોરિટી, ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ અસોસિએશન અને દુનિયાભરની ઘણી એવિએશન ઓથોરિટી દ્વારા આ નિયમને સ્વીકારવામાં આવ્યો છે. જોકે કોઈ પણ એરલાઇન્સ આ સિવાય વધારાના નિયમો પણ બનાવી શકે છે અને એ માટેની તેમને છૂટ છે.

ફ્લાઇટમાં કેટલી પાવર બેન્ક અથવા તો બેટરી લઈ જઈ શકાય છે?

દરેક દેશના અથવા તો એવિએશનના નિયમ અલગ હોય છે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટેશન અસોસિએશન મુજબ મુસાફર એક સાથે 20 બેટરી અથવા તો પાવર બેન્ક લઈ જઈ શકે છે. જોકે એ દરેક હેન્ડ બેગમાં હોવી જોઈએ અને દરેક 100 watt-hoursથી નીચેની હોવી જોઈએ. પહેલેથી પરવાનગી લઈને યુઝર્સ 160 watt-hoursની પાવર બેન્ક અથવા તો બેટરી પોતાની સાથે લઈ જઈ શકે છે. જોકે જે-તે એરલાઇન્સના પોતાના પણ નિયમો હોય છે.

જોકે આ સાથે જ કેટલા બીજા નિયમો પણ છે. ઉદાહરણ તરીકે બેટરી જ્યારે ડિવાઇસની અંદર હોય જેમકે મોબાઇલ, લેપટોપ અથવા તો કોઈ પણ મેડિકલ ડિવાઇસ તો એને ચેક-ઇન લગેજ બેગમાં રાખી શકાય છે. જોકે એને સંપૂર્ણ રીતે બંધ કરેલી હોવી જોઈએ. એ સ્ટેન્ડબાય મોડ અથવા તો એરપ્લેન મોડ પર હોય તો પણ નહીં ચાલે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટેશન અસોસિએશન મુજબ મુસાફર એક સાથે 15 પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસને લઈ જઈ શકે છે. ચેક-ઇન લગેજ બેગ અને હેન્ડ બેગ બન્નેમાં ટોટલ આટલી ડિવાઇસથી વધુ નહીં લઈ જઈ શકાય.

દુબઈ જતા પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, પાવર બેન્કને લઈને એમિરેટ્સનો નવો નિયમ 3 - image

ફ્લાઇટમાં પાવર બેન્કનો ઉપયોગ કરી શકાય?

આ માટે દરેક એરલાઇન્સના અલગ નિયમો હોય છે. જોકે એવો કોઈ જનરલ નિયમ નથી કે ફ્લાઇટમાં પાવર બેન્કનો ઉપયોગ નહીં કરી શકાય. એમિરેટ્સ પહેલી એવી એરલાઇન્સ છે જેણે આ નિયમ બનાવ્યો છે કે ફ્લાઇટમાં પાવર બેન્કનો ઉપયોગ નહીં કરી શકાય. અન્ય એરલાઇન્સના અત્યારે અલગ નિયમો છે. એમાં પાવર બેન્કનો ઉપયોગ કરી શકાય છે. જો કોઈ યુઝર પાવર બેન્કનો ઉપયોગ કરી રહ્યું હોય અને એ ખૂબ જ ગરમ થઈ ગઈ હોય, અથવા એમાંથી ધૂમાડો નીકળી રહ્યો હોય અથવા તો એ ફૂલી ગઈ હોય તો તરત જ ફ્લાઇટ એટેન્ડન્ટને એ વિશે માહિતી આપવી. જોકે બની શકે કે એમિરેટ્સ બાદ અન્ય એરલાઇન્સ પણ આ નિયમ અનુસરે.

આ પણ વાંચો: ભારતમાં સાયબર ક્રાઇમમાં 31%નો ઉછાળો, NCRBના આંકડાઓ ચોંકાવનારા

કઈ એરલાઇન્સમાં પાવર બેન્કને લઈને સૌથી કડક નિયમ છે?

ટ્રાવેલિંગ કરતાં પહેલાં પાવર બેન્કના નિયમ પહેલેથી ચેક કરી લેવા ખૂબ જ જરૂરી છે. મોટાભાગની એરલાઇન્સ પાવર બેન્કને લઈને તેમની પોલિસી તેમની વેબસાઇટ અને એપ્લિકેશન પર જણાવી દેતી હોય છે. સાઉથવેસ્ટ એરલાઇન્સ, કેથી પેસિફિક, ચાઇના એરલાઇન્સ, એમિરેટ્સ, EVA એર, સિંગાપોર એરલાઇન્સ, સાઉથ કોરિયા એરલાઇન્સ અને થાઇ એરલાઇન્સમાં પાવર બેન્કને લઈને ખૂબ જ કડક નિયમ છે. મુસાફરી જ્યારે પણ કરો ત્યારે એક વાર પાવર બેન્કની હેલ્થ કન્ડિશન ચેક કરી લેવી. એમાં કોઈ ડેમેજ અથવા તો એ ફૂલી ન ગઈ હોય એ ચેક કરી લેવું. આ સાથે જ પાવર બેન્કની કેપેસિટી 27000 mAhથી વધુ ન હોય એનું ધ્યાન રાખવું. ઘરથી નીકળતા પહેલાં પાવર બેન્કને ફુલ ચાર્જ રાખવી. તેમ જ મોબાઇલ ચાર્જ કરવા માટે એરપોર્ટ પર આઉટલેટ હોય છે એનો ઉપયોગ કરવો.

Tags :