ભારતમાં સાયબર ક્રાઇમમાં 31%નો ઉછાળો, NCRBના આંકડાઓ ચોંકાવનારા
સ
Rise of CyberCrime in India: નેશનલ ક્રાઇમ રિપોર્ટ્સ બ્યુરો (NCRB) અનુસાર ભારતમાં સાયબર ક્રાઇમનું પ્રમાણ 31.2 ટકા વધી ગયું છે. સાયબરક્રાઇમમાં છેતરપિંડી, જબરદસ્તીથી પૈસા કઢાવવા અને જાતીય શોષણનો પણ સમાવેશ થાય છે. હાલમાં જ રિલીઝ કરવામાં આવેલા ડેટા અનુસાર 2023માં 31.2 ટકા સાયબર ક્રાઇમના કેસ વધી ગયા છે. 2022માં 65,893 કેસ હતાં જે 2023માં 86,420 થયા છે.
સૌથી વધુ છેતરપિંડીના કેસ
ભારતમાં સાયબરક્રાઇમ કોઈ નવી વાત નથી. જોકે હવે એમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. દર વર્ષે આ આંકડો વધી રહ્યો છે. આ સાયબરક્રાઇમમાં છેતરપિંડીના કેસ સૌથી વધુ છે. સાયબર ક્રાઇમના 86,420 કેસમાંથી છેતરપિંડીની 68.9 ટકા એટલે કે 59,526 કેસ છે. આ કેસમાં વધારો જોઈને ડિજિટલ સિક્યોરિટી સામે સવાલો ઊભા થઈ રહ્યાં છે. દેશની સાયબર સિક્યોરિટીમાં વધારો કરવાની ખૂબ જ જરૂર છે. ઓનલાઇન જાતીય શોષણ કરવાના 4199 કેસ રજિસ્ટર કરવામાં આવ્યા છે. બીજી તરફ જબરજસ્તી પૈસા કઢાવવાના 3326 કેસ ફાઇલ કરવામાં આવ્યાં છે. આ તમામ આંકડા રજિસ્ટર્ડ કેસના છે. એવા તો ઘણાં કેસ હશે જેમણે ફરિયાદ નહીં નોંધાવી હોય.
કર્ણાટક અને તેલંગાણામાં સૌથી વધુ કેસ
સૌથી વધુ સાયબર ક્રાઇમના કેસ કર્ણાટક અને તેલંગાણામાં જોવા મળે છે. 2023માં કર્ણાટકમાં 21,889 કેસ ફાઇલ થયા હતા અને એ સૌથી વધુ કેસ છે. 2021માં કર્ણાટકમાં 8136 અને 2022માં 12,556 કેસ હતા. આથી કર્ણાટકમાં 2023માં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. કર્ણાટકમાં ટોટલ સાયબરક્રાઇમ કેસમાં 18,166 કેસ અન્ય વ્યક્તિની નકલ કરીને પૈસા પડાવવામાં આવ્યા હતા. આ સિવાય એક હજાર કેસમાં અશ્લીલ વીડિયો સેન્ડ કરીને પૈસા કઢાવવામાં આવ્યા હતા. 2022માં તેલંગાણામાં 15,297 કેસ હતાં જ્યારે 2023માં 18,236 કેસનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ફાઇલ ડિલીટ કર્યા વગર કેવી રીતે સ્ટોરેજ ફ્રી કરશો? જાણો વિગત...
પૈસાને લગતાં કેસમાં વધારો
ઉત્તર પ્રદેશ સાયબરક્રાઇમના લિસ્ટમાં 10,794 કેસ સાથે ત્રીજા ક્રમે છે. NCRBના રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે પૈસાને લગતાં કેસમાં પણ હવે વધારો થવા લાગ્યો છે. ઉત્તર પ્રદેશમાં પૈસાને લગતાં કેસ 2022માં 1,93,385 હતાં, જે 2023માં 2,04,973 થયા છે. આ કેસ બનાવટ કરી અને છેતરપિંડી દ્વારા કરવામાં આવ્યાં છે. આ કેસમાં પૈસાનો સમાવેશ થાય છે, પરંતુ એ ઓનલાઇન નથી એથી સાયબર ક્રાઇમમાં એ કેસ નથી આવતાં.