Get The App

X પર ક્રિએટર્સને યુ-ટ્યુબ કરતા પણ વધુ કમાણી, ઈલોન મસ્કે લીધો મોટો નિર્ણય

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
X પર ક્રિએટર્સને યુ-ટ્યુબ કરતા પણ વધુ કમાણી, ઈલોન મસ્કે લીધો મોટો નિર્ણય 1 - image


X to Pay More To Creators: ઇલોન મસ્ક દ્વારા આડકતરી રીતે કહેવામાં આવ્યું છે કે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કન્ટેન્ટ ક્રિએટર્સને હવે વધુ પૈસા ચૂકવવામાં આવશે. આ પૈસા યુ-ટ્યુબ કરતાં પણ વધારે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઇલોન મસ્કની કંપની પોતાના ક્રિએટર્સને પોતાની પાસે રાખવા માટે આ ઉપાય અપનાવી રહી છે. ક્રિએટર્સ આ પ્લેટફોર્મ પર સતત ફરિયાદ કરી રહ્યા હતા કે તેમને યોગ્ય વળતર આપવામાં નથી આવી રહ્યું અને આ પ્લેટફોર્મ હવે તેમના કામનું નથી રહ્યું. આથી X દ્વારા હવે તેમને વધુ પૈસા ચૂકવવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું છે.  

યૂઝર્સના ફીડબેક પર અમલ  

યૂઝર્સ દ્વારા જે ફીડબેક આપવામાં આવી રહ્યું હતું એના પર હવે ઇલોન મસ્ક દ્વારા અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ક્રિએટર્સ જે પણ ઓથેન્ટિકેટ કન્ટેન્ટ બનાવે છે તેમને હવે વધુ પૈસા ચૂકવવા જોઈએ એવું તેમનું માનવું છે. લાર્જ લેંગ્વેજ મોડલ એટલે કે AI દ્વારા હવે ઘણાં કન્ટેન્ટ બનાવવામાં આવે છે. આથી આ કન્ટેન્ટને અટકાવવા માટે હવે રિયલ કન્ટેન્ટ બનાવનારને વધુ પૈસા આપવાની જાહેરાત કરવામાં આવી છે. એક યૂઝરે પોસ્ટ કર્યું હતું કે તેઓ ઓરિજિનલ કન્ટેન્ટ બનાવે છે અને એમ છતાં તેમને મળવા જોઈએ એવા પૈસા નથી મળી રહ્યાં. આ માટે ઇલોન મસ્કે તૈયારી દેખાડી, પરંતુ સાથે કહ્યું કે એ માટે સિસ્ટમનો ઉપયોગ જરા પણ નહીં કરવો.  

Xની મોનેટાઇઝેશન સિસ્ટમ  

X પર હાલમાં કન્ટેન્ટ ક્રિએટર્સને એન્ગેજમેન્ટ અને એડ્સનો શેર આપવામાં આવે છે. જોકે મસ્કની કમેન્ટ પરથી લાગી રહ્યું છે કે આ કિંમતની ટકાવારીમાં હવે વધારો કરવામાં આવશે. કેટલીક કેટેગરીમાં એ યુ-ટ્યુબ કરતાં પણ વધુ પૈસા ચૂકવશે. જોકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હોય તો એ કન્ટેન્ટ માટે આટલાં પૈસા ચૂકવવામાં નહીં આવે.  

ક્યારથી થશે અમલ?  

ઇલોન મસ્ક દ્વારા આ કમેન્ટ કરવામાં આવ્યા બાદ Xની પ્રોડક્ટ હેડ નિકિતા બાયર દ્વારા પણ એ વિશે કમેન્ટ કરવામાં આવી હતી. આ વિશે નિકિતાએ ઇલોન મસ્કની પોસ્ટ પર કમેન્ટ કરી કે ‘આ વિશે કામ શરૂ કરીએ. અમારી પાસે એક નવી મેથડ છે જેના દ્વારા જે પણ ફ્રોડ કન્ટેન્ટ છે એ 99 ટકા દૂર કરવામાં આવશે.’ આ વિશે નિકિતા બાયરે પણ આડકતરી રીતે જણાવ્યું હતું કે આ પૈસા એ કન્ટેન્ટ ક્રિએટર્સના જ વધશે જેઓ પ્રીમિયમ પ્લસ સબ્સ્ક્રિપ્શનનો ઉપયોગ કરતાં હશે. આથી વેરિફાઇડ અને Xને પૈસા ચૂકવનાર યૂઝર્સ જ વધુ કમાણી માટે એલિજિબલ બનશે.  

આ પણ વાંચો: દુનિયામાં પહેલા ટામેટાં આવ્યા કે બટાકાં? રિસર્ચના પરિણામ જાણી માથું ચકરાઈ જશે!

AI કન્ટેન્ટને દૂર કરવા માટે Xની સ્ટ્રેટેજી  

હાલમાં જ ભારતની એક યુ-ટ્યુબ ચેનલ દ્વારા વર્ષે 37 કરોડ રૂપિયાની કમાણી કરવામાં આવી રહી હોવાની ચર્ચા ચાલી છે. આ ચેનલ ફક્ત AIનો ઉપયોગ કરીને વીડિયો બનાવે છે. આ માટે હવે X આ પ્રકારના કન્ટેન્ટને તેના પ્લેટફોર્મ પરથી દૂર કરવાની કોશિશ કરી રહ્યું છે. દૂર ન કરી શકે તો તેમને ઓછામાં ઓછા પૈસા ચૂકવવામાં આવશે એવું પ્લાનિંગ ચાલી રહ્યું છે. મહેનત કરનારા અને ઓરિજિનલ કન્ટેન્ટ બનાવનાર યૂઝર્સને હવે વધુ પૈસા મળશે. આથી મસ્કની કંપની હવે ફક્ત સારા અને વાસ્તવિક કન્ટેન્ટ પર ફોકસ કરી રહી છે.