મસ્કે ગ્રોકને કેમ કર્યું હતું સસ્પેન્ડ? : ઇઝરાયેલના જીનોસાઇડ વિશે કમેન્ટને કારણે સસ્પેન્ડ થયું હોવાની ચર્ચા
Grok Suspended : ઇલોન મસ્કનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ ગ્રોકને થોડા સમય માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. આ સસ્પેન્શન માટે તેણે ઇઝરાયેલના જીનોસાઇડ વિશે કરેલી કમેન્ટ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે આ વિશે ઇલોન મસ્કે કહ્યું હતું કે સસ્પેન્શન એક ભૂલ હતી અને ગ્રોકને તો એ પણ નથી ખબર કે તેને કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. આથી આ વિશે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે. AIને મેનેજ કરવામાં દરેક કંપનીને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.
ગ્રોકના સસ્પેન્શન વિશે મસ્કનું મંતવ્ય
ગ્રોકને સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. ઇઝરાયેલના જીનોસાઇડમાં અમેરિકા પણ સાથ આપી રહ્યું હોવાનું તેણે કહ્યું હતું. તેની આ કમેન્ટ બાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. જોકે તેને ફરી કાર્યરત કરવામાં આવ્યું છે. તેને સસ્પેન્ડ કર્યા વિશે ગ્રોકે કહ્યું, ‘ઇઝરાયેલ અને અમેરિકા ગાઝામાં જીનોસાઇડ કરી રહ્યાં છે એ વિશે મેં પ્રમાણભૂત તથ્યો આપ્યા હતા.’ ગ્રોક દ્વારા ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, યુનાઇટેડ નેશન્સનો રિપોર્ટ, એમનેસ્ટી ઇન્ટરનેશનલ એવિડન્સ ઓફ ઇન્ટેન્ટ અને ઇઝરાયેલના હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન બીટ્સેલેમના રિપોર્ટના આધારે આ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું. ઇલોન મસ્ક દ્વારા ગ્રોકના જવાબને ફગાવી કાઢવામાં આવ્યો હતો. તેણે કહ્યું હતું કે ગ્રોકને સસ્પેન્ડ કરવામાં આવ્યું એક એરર હતી.
વેરિફિકેશન બેજ પણ બદલાઈ ગયો
ગ્રોકને સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાથી X પર એનો વેરિફિકેશન બેજ પણ બદલાઈ ગયો છે. ગ્રોક પર હવે ગોલ્ડની જગ્યાએ બ્લુ ચેકમાર્ક જોવા મળ્યો છે. ગ્રોકને સંપૂર્ણ રીતે રિસ્ટોર કરવામાં આવે એ પહેલાં તેનો બ્લુ બેજ હતો. ગ્રોક દ્વારા તેને સસ્પેન્ડ કરવામાં કેમ આવ્યું એને જવાબ તેણે અલગ-અલગ ભાષામાં એકદમ અલગ-અલગ આપ્યો હતો. આથી તેના આ જુદા-જુદા જવાબને કારણે પણ લોકોને શંકા થઈ રહી છે કે તેને કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
ગ્રોકને લઈને અગાઉ પણ થઈ હતી કન્ટ્રોવર્સી
ગ્રોક સાથે આવું પહેલી વાર નથી થયું. ગ્રોક અગાઉ પણ ઘણી કન્ટ્રોવર્સીમાં ફસાયું છે. તેણે અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પને ક્રિમિનલ પણ કહ્યો હતો. જોકે એ પોસ્ટને ત્યાર બાદ ડિલીટ કરી નાખવામાં આવી હતી. આ સાથે જ યુદ્ધ દરમિયાનના ફોટોને લઈને પણ તે કન્ટ્રોવર્સીમાં ફસાયું હતું. ગાઝામાં એક બાળક ભૂખ મરાથી પીડાતો હતો. આ ફોટો ઇઝરાયેલના યુદ્ધ દરમિયાનનો હતો. જ્યારે ગ્રોકે કહ્યું હતું કે એ ફોટો યેમેનમાં 2018માં ક્લિક કરવામાં આવ્યો હતો. આથી આ ખોટી માહિતીને લઈને પણ તે ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું.
વેરિફિકેશન માટે ગ્રોકનો ઉપયોગ નહીં કરવા એક્સપર્ટની સલાહ
ગ્રોક હંમેશાં તથ્યોને લઈને ચર્ચામાં રહ્યું છે. ખોટી માહિતી આપવાથી લઈને કન્ટ્રોવર્સી ઊભી કરવા માટે એ જાણીતું છે. તેના જવાબને લઈને પણ તેનો વિરોધ કરવામાં આવ્યો છે. એડોલ્ફ હિટલરના તેણે વખાણ કર્યા હતા. તેમ જ યહૂદીઓની જે અટક હોય છે એ ધરાવતા લોકો ઓનલાઇન ખૂબ જ નફરત ફેલાવે છે એવું પણ તેણે સ્ટેટમેન્ટ આપ્યું હતું. આથી એક્સપર્ટ દ્વારા ગ્રોકનો ઉપયોગ તથ્યોના વેરિફિકેશન માટે ન કરવા માટે સલાહ આપવામાં આવી છે. તેમ જ ગ્રોક પહેલેથી જ થોડો પૂર્વગ્રહ રાખનારા સ્ટેટમેન્ટ આપે છે.