એપલ સામે કેસ કરશે ઈલોન મસ્ક : સેમ ઓલ્ટમેને કહ્યું, ‘મસ્કને પસંદ ન હોય એને તે ગમે તે રીતે નુકસાન પહોંચાડે છે’
Elon Musk To Take Legal Action Against Apple: ઈલોન મસ્કે એપલ પર એવો આરોપ મૂક્યો છે કે તે ચેટજીપીટીને વધુ મહત્ત્વ આપી રહ્યું છે અને એથી જ તે કેસ કરશે. આથી સેમ ઓલ્ટમેને કહ્યું છે કે મસ્ક એક એવી વ્યક્તિ છે જે તેને ન ગમતી હોય એ કંપની અને વ્યક્તિને ગમે તે રીતે નુકસાન પહોંચાડી શકે છે. ચેટજીપીટી હાલમાં એપ સ્ટોર પર ટોપ પર છે. આથી ઈલોન મસ્કે આરોપ મૂક્યો છે કે એપલ ચેટજીપીટીને વધુ પ્રાધાન્ય આપે છે.
ચેટજીપીટીને પ્રાધાન્ય આપી રહ્યું હોવાનો મસ્કનો આરોપ
ઈલોન મસ્ક દ્વારા હાલમાં જ X પર પોસ્ટ કરવામાં આવી હતી કે ‘એપલ એવી રીતે વર્તન કરી રહ્યું છે જેના કારણે OpenAIને બાદ કરતાં અન્ય કોઈ પણ AI કંપની એપ સ્ટોર પર પહેલા ક્રમે નહીં આવી શકે. આથી આ સંદિગ્ધ રીતે એન્ટીટ્રસ્ટનો ભંગ કહેવાય છે. xAI આ વિશે લીગલ એક્શન લેશે.’
મસ્કના આ આરોપને વખોડ્યો સેમ ઓલ્ટમેને
ઈલોન મસ્કે પોસ્ટ કર્યા બાદ એનો જવાબ આપતાં સેમ ઓલ્ટમેને પોસ્ટ કર્યું કે ‘મેં એવું સાંભળ્યું છે કે ઈલોન મસ્ક પોતાને અને પોતાની કંપનીઓને ફાયદો થાય તેમ જ તેને ન ગમતા વ્યક્તિ અને કંપનીને ગમે તે રીતે નુકસાન પહોંચાડવા માટે Xનો ઉપયોગ કરે છે. આથી તે જ્યારે આ પ્રકારનો આરોપ મૂકે ત્યારે એ ખૂબ જ નોંધપાત્ર સાબિત થાય છે.’
આ સાથે જ સેમ ઓલ્ટમેન દ્વારા એક આર્ટિકલ પણ શેર કરવામાં આવ્યો હતો જેમાં ઈલોન મસ્કે પોતાની ટ્વિટને વધુ લોકો સુધી પહોંચાડવા માટે તેની અલ્ગોરિધમનો ઉપયોગ કરતો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
એપલ સામે લીગલ એક્શન
ઈલોન મસ્કે આરોપ લગાવ્યો છે કે એપલ અન્ય AI કંપની સાથે ભેદભાવ કરી રહ્યું છે. આ વિશે ઈલોન મસ્કે X પોસ્ટ કર્યું કે ‘હેલો એપલ, એપ સ્ટોર પર તમે કેમ ગ્રોક અથવા તો Xનો સમાવેશ મસ્ટ હેવ સેક્શનમાં નથી કરતા. X દુનિયાભરમાં ન્યૂઝ એપમાં નંબર વન છે. તેમ જ ગ્રોક દરેક એપમા પાંચમા ક્રમે છે. તમે પોલિટિક્સ રમી રહ્યા છો?’
મસ્કે અગાઉ OpenAI પર પણ કર્યો હતો કેસ
OpenAI અને ઈલોન મસ્કના રિલેશન પહેલેથી સારા નથી રહ્યા. તેમની વચ્ચે પણ ખૂબ જ હરિફાઈ ચાલી રહી છે. ત્યાર બાદ OpenAI અને તેના સૌથી મોટા ઇન્વેસ્ટર માઇક્રોસોફ્ટ સામે પણ ઈલોન મસ્કે કેસ કર્યો છે. બ્રીચ ઑફ કોન્ટ્રેક્ટ હેઠળ આ કેસ કરવામાં આવ્યો છે. OpenAIને લોકોના ફાયદા માટે બનાવવામાં આવી હતી, પરંતુ પ્રોફિટેબલ કંપની બનાવતા ઈલોન મસ્કે કેસ કર્યો છે અને તે એપલ પર હવે કેસ કરવાની તૈયારી કરી રહ્યો છે.