ચેટજીપીટીને ટક્કર આપવા ગ્રોક 4ને કરવામાં આવ્યું ફ્રી: ઇલોન મસ્કે કહ્યું, ‘PhD લેવલ કરતાં પણ વધુ હોંશિયાર છે આ AI’
Grok 4 Free for All Users: ચેટજીપીટી દ્વારા હાલમાં જ GPT-5 રજૂ કરવામાં આવ્યું છે. આથી ચેટજીપીટીને ટક્કર આપવા માટે ઇલોન મસ્ક દ્વારા ગ્રોક 4ને ફ્રી કરી નાખવામાં આવ્યું છે. ગ્રોક તેના ઘણાં ફીચર્સને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ ફીચર્સનો ઉપયોગ કરવા માટે સબ્સ્ક્રિપ્શન લેવું પડતું હતું, પરંતુ હવે એને ફ્રી કરી નાખવામાં આવ્યું છે. ગ્રોકનું આ નવું વર્ઝન એકદમ કોમ્પ્લેક્સ સવાલો માટે ઉત્તમ છે.
ફ્રી કરતાંની સાથે રાખી મર્યાદા
ઇલોન મસ્ક દ્વારા ગ્રોક 4ને દરેક યુઝર્સ માટે ફ્રી તો કરી દેવામાં આવ્યું છે. જોકે એનો ઉપયોગ કરવા માટે કેટલીક મર્યાદા રાખવામાં આવી છે. આ વિશે ઇલોન મસ્કે કહ્યું, ‘ફ્રી વર્ઝનમાં યુઝર્સ એક દિવસમાં થોડા સવાલો કરી શકશે. જોકે ત્યાર બાદ ગ્રોક 4નો ઉપયોગ કરવા માટે તેમણે સબસ્ક્રીપ્શન લેવું પડશે.’ એનો મતલબ એ થયો કે ભલે મર્યાદામાં હોય, પરંતુ યુઝર્સ હવે ગ્રોક 4 ઍડ્વાન્સ મોડલનો ઉપયોગ ફ્રીમાં કરી શકશે.
કેટલો ચાર્જ છે સબસ્ક્રીપ્શન માટે?
ગ્રોક 4 માટે બે સબસ્ક્રીપ્શન આપવામાં આવી રહ્યા છે. પહેલું સુપરગ્રોક જેમાં મહિનાના 700 રૂપિયા ચૂકવવાના રહેશે. તેમ જ સુપરગ્રોક હેવી સબસ્ક્રીપ્શન માટે મહિનાના 29,900 રૂપિયા ચૂકવવાના રહેશે. આ AI હવે સામાન્ય AI ચેટબોટ નથી રહ્યું. સામાન્ય સવાલોના જવાબ માટે એનો ઉપયોગ કરવામાં નથી આવતું. આ મોડલ હવે દુનિયાના કોઈ પણ પ્રકારના સવાલોના જવાબ આપવા માટે તૈયાર છે. તેમ જ વીડિયો અને ફોટો બનાવવા માટે પણ એનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ઇલોન મસ્કનો દાવો
ઇલોન મસ્કે દાવો કર્યો છે કે PhD લેવ કરતાં પણ ગ્રોક 4 વધુ હોંશિયાર છે. GPT-5ના લોન્ચ દરમ્યાન સેમ ઓલ્ટમેને કહ્યું હતું કે ચેટજીપીટી હવે હોંશિયાર થઈ ગયું છે અને એનો ઉપયોગ કરશો ત્યારે ખબર પડશે કે તેની પાસે PhD લેવલનું ઇન્ટેલિજન્સ છે. આથી આ વાતને ધ્યાનમાં રાખીને ઇલોન મસ્કે કહ્યું, ‘પોસ્ટગ્રેજ્યુએટ કે પછી PhD લેવલ જેટલું નહીં. PhD લેવલ કરતાં પણ વધુ હોંશિયાર છે ગ્રોક. એમાં કોઈ અપવાદ નથી. ગ્રોક 4 એવા સવાલોના જવાબ પણ આપશે જ્યાં PhD લેવલ નિષ્ફળ રહેશે, પરંતુ ગ્રોક 4 પાસ થઈ જશે.’