મેક્રોહાર્ડ vs માઇક્રોસોફ્ટ: ઇલોન મસ્કની AI યુદ્ધ માટે ટેલેન્ટની શોધ
Elon Musk Looking For Talent: ઇલોન મસ્ક દ્વારા નવી કંપની શરૂ કરવામાં આવી છે જેનું નામ મેક્રોહાર્ડ રાખવામાં આવ્યું છે. આ કંપની માટે તે હવે કર્મચારીઓની શોધમાં છે. ઇલોન મસ્ક ઇલેક્ટ્રિક કાર્સ બનાવવાથી લઈને સોશિયલ મીડિયા અને સ્પેસએક્સથી લઈને ઇન્ટરનેટ જેવી ઘણી કંપનીઓ ચલાવે છે. તે હવે સોફ્ટવેરમાં પણ આવી રહ્યો છે. તે હંમેશાં એવી કંપની શરૂ કરે છે જે ઇન્ડસ્ટ્રીમાં દાખલ થવાનું કોઈ વિચારે પણ નહીં. તે હવે xAI હેઠળ નવી AI સોફ્ટવેર કંપની શરૂ કરી રહ્યો છે. ટેક ઇન્ડસ્ટ્રીમાં દુનિયાભરમાં માઇક્રોસોફ્ટનો દબદબો છે અને એથી જ ઇલોન મસ્ક હવે એની સાથે ટક્કર લેવા માટે જઈ રહ્યો છે.
મસ્તીભર્યું નામ, પરંતુ મિશન એટલું જ સિરિયસ
ઇલોન મસ્કે આ કંપનીનું નામ ખૂબ જ મસ્તીભર્યું રાખ્યું છે. માઇક્રો પરથી મેક્રો અને સોફ્ટ પરથી હાર્ડ. આથી માઇક્રોસોફ્ટના નામની મસ્તી કરતાં મેક્રોહાર્ડ નામ રાખવામાં આવ્યું છે. નામ ભલે મસ્તીભર્યું હોય, પરંતુ એનું મિશન એટલું જ સિરિયસ છે. ઇલોન મસ્કનું કહેવું છે કે નામ પરથી આ કોઈ જોક હોય એવું ન સમજવું કારણ કે તે ખૂબ જ મોટો સ્ટેપ ભરી રહ્યો છે. તે હવે આ કંપનીને સંપૂર્ણ રીતે AI સોફ્ટવેર કંપની બનાવવા માગે છે. પ્રોસેસ, ડિઝાઇન, કોડિંગ, ટેસ્ટિંગ અને સોફ્ટવેરને રજૂ કરવા જેવી દરેક પ્રોસેસને AI દ્વારા કરવામાં આવશે.
ટેસ્લા અને સ્પેસએક્સ કંપનીમાં મોટી-મોટી ફેક્ટરી અને ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. જોકે મેક્રોહાર્ડ સોફ્ટવેર કંપનીને એવી રીતે બનાવવામાં આવી રહી છે કે એ સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કામ કરે. એના માટે કોઈ મોટી કંપની બનાવવાની જરૂર નથી. મસ્ક દ્વારા એવી દલીલ કરવામાં આવે છે કે માઇક્રોસોફ્ટ ખાસ કરીને ડિજિટલ પ્રોડક્ટ પર કામ કરે છે, તેઓ હાર્ડવેર નથી વેંચતા. આથી તેમના જેવું કામ AI પણ કરી શકે છે અને માઇક્રોસોફ્ટની જગ્યા પણ લઈ શકે છે.
ગ્રોક 5 અને સુપરકમ્પ્યુટર દ્વારા ચલાવવામાં આવશે આ કંપની
ઇલોન મસ્કની કંપની xAIનું અત્યાર સુધીનું સૌથી પાવરફુલ AI મોડલ ગ્રોક 5 છે. આથી આ AI મોડલ અને કોલોસસ 2 સુપરકમ્પ્યુટરની મદદથી આ કંપનીને ચલાવવામાં આવશે. કોલોસસ 2 અત્યારે દુનિયાનું સૌથી મોટું AI સુપરકમ્પ્યુટિંગ પ્લેટફોર્મ છે. આ બન્ને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને AI મોડલ પાસે કોડિંગ કરાવવામાં આવશે. આ સાથે જ તેમનાથી શક્ય હોય એટલી ઓછી ભૂલ કરવામાં આવશે અને મનુષ્યની ક્ષમતા બહારનું કામ તેમની પાસે કરાવી શકાશે.
નોકરી માટે વ્યક્તિની શોધ શરૂ
મેક્રોહાર્ડ માટે કેટલાક વ્યક્તિની જરૂર પડે છે. આ માટે મસ્ક દ્વારા દુનિયાભરના એન્જિનિયર્સ, AI રિસર્ચર્સ અને સોફ્ટવેર ડેવલપર્સને ઓપન ઇનવાઇટ કર્યું છે. આ માટે તેમને ભરપૂર સેલરી આપવામાં આવશે, પરંતુ એના બદલામાં જે-તે વ્યક્તિ મસ્કના વિઝનને પૂરું કરવાનું રહેશે. તેમણે સંપૂર્ણપણે AI આધારિત કંપની બનાવવાની રહેશે. આ માટે દુનિયાભરના ઘણાં ટેલેન્ટેડ વ્યક્તિઓની નજર આ નોકરી પર પડી છે.
આ કંપનીનું સૌથી પહેલાં ધ્યાન ઇન્ટેલિજન્ટ સિસ્ટમ એટલે કે કોમ્પ્યુટર કન્ટ્રોલ એજન્ટ્સ બનાવવા પર છે. આ એજન્ટ દ્વારા સોફ્ટવેરના ખૂબ જ કોમ્પ્લેક્સ ટાસ્ક પણ એ ઓટોમેટિક કરી લે એવા હશે. આ એજન્ટને ગ્રોક 5નો સપોર્ટ આપવામાં આવશે.
માઇક્રોસોફ્ટ સાથે ટક્કર
મેક્રોહાર્ડ માટે સૌથી મોટી ટક્કર માઇક્રોસોફ્ટ છે. માઇક્રોસોફ્ટની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ, ઓફિસ સૂટ, અઝૂરે ક્લાઉડ સર્વિસ અને OpenAI સાથેની પાર્ટનરશિપને લઈને માર્કેટમાં તેનો દબદબો છે. સોફ્ટવેર અને AIમાં માઇક્રોસોફ્ટને કોઈ હલાવી શકે એમ નથી. આમ છતાં મસ્કને એમાં એક તક જોવા મળી છે. આ તકનો ઉપયોગ કરીને તે AIની મદદથી સોફ્ટવેર બનાવી માઇક્રોસોફ્ટને ટક્કર આપવાની કોશિશ કરવા જઈ રહ્યો છે.
મેક્રોહાર્ડ સફળ રહી તો AIની દુનિયામાં હવે સોફ્ટવેર કંપની કેવી હશે એનો અંદાજ આવી શકશે. અત્યારે આ કંપનીઓમાં એન્જિનિયર્સ છે જેની જગ્યા AI એજન્ટ્સ લેશે. આ કરવાથી ખૂબ જ પૈસા અને સમયનો બચાવ થશે.
મસ્કે લીધું ખૂબ જ મોટું રિસ્ક
મેક્રોહાર્ડ ફક્ત એક કંપની નથી, પરંતુ મસ્કનું ખૂબ જ મોટું રિસ્ક છે. મસ્ક દ્વારા ન્યુરોલિંક કંપનીની શરૂઆત કરવામાં આવી હતી એ પણ એક રિસ્ક હતું. તે હવે ફરી નવું રિસ્ક લેવા જઈ રહ્યો છે અને આખેઆખી સોફ્ટવેર કંપની AI આધારિત બનાવી રહ્યો છે. જો મસ્કને એમાં સફળતા મળી તો દરેક કંપની તેનું અનુકરણ કરશે. ત્યાર બાદ સોફ્ટવેર બનાવવું, મેનેજ કરવું અને એને લોકો સુધી પહોંચાડવા જેવા દરેક કામ AI કરશે. ઇલોન મસ્ક જ્યારે કંઈ પણ કરે છે ત્યારે દરેકનું ધ્યાન તેના પર જાય છે. ટેસ્લા દ્વારા તેણે ઓટો ઇન્ડસ્ટ્રીમાં બદલાવ લાવ્યો. સ્પેસએક્સ દ્વારા તેણે સ્પેસ એક્સપ્લોરેશનની કાયાપલટ કરી. મેક્રોહાર્ડ પણ હવે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય હોય એવું લાગી રહ્યું છે.