ગ્રોક વાતચીત કરતો વીડિયો બનાવી શકશે, પણ xChat હજી સિક્યોર નથી; યુઝર્સના મેસેજ પર છે જોખમ...
Grok Launch New-Feature but xChat is Not Secure: ઇલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xમાં ગ્રોક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગ્રોક દ્વારા હાલમાં જ એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ હવે વાતચીત કરતાં હોય એવો વીડિયો જનરેટ કરી શકશે. એક તરફ ગ્રોક નવી અપડેટ આપી રહ્યું છે ત્યારે બીજી બાજુ Xની સિક્યોરિટીને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે. X પર જે xChat ફીચર છે એ એટલું સિક્યોર નથી એમ કહેવામાં આવી રહ્યું છે.
બેટા વર્ઝનમાં કરવામાં આવ્યો સમાવેશ
ઇલોન મસ્ક દ્વારા X પરનું એક ડોગ ડિઝાઇનર એકાઉન્ટની પોસ્ટ શેર કરવામાં આવી છે. આ પોસ્ટમાં એક એનિમેશન કેરેક્ટર જોવા મળી રહ્યું છે. એનું નામ એન કહેવામાં આવી રહ્યું છે. આ એક બેટા ફીચર છે અને એને જ્યારે લોન્ચ કરવામાં આવશે ત્યારે એમાં ઘણાં સુધારા-વધારા અને નવા ફીચર્સનો પણ સમાવેશ કરવામાં આવશે. આ વીડિયો ફીચરની સાથે ગ્રોકમાં એક નવા ફીચરનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. ગ્રોક હવે હવામાન ખાતાની પણ આગાહી કરશે. આ માટે એક્સપર્ટ મોડનો ઉપયોગ કરવો પડશે.
શું છે ફ્યુચર X?
ગ્રોક હવામાનની આગાહી કરવાની સાથે અન્ય બાબતોમાં પણ હવે પ્રિડિક્શન કરશે. Xના લાર્જ લેંગ્વેજ મોડલમાં હવે રિયલ વર્લ્ડ ઇવેન્ટ વિશે પ્રિડિક્શન કરવાની ક્ષમતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચરને જિયાશુ લિયુ અને તેની ટીમ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. એને ફ્યુચર X નામ આપવામાં આવ્યું છે. આ આર્ટિફિશિયલ એજન્ટ્સ હવે પોલિટિકલ, ઇકોનોમિક અને સ્પોર્ટ્સની સાથે કલ્ચર ઇવેન્ટ વિશે પણ પ્રિડિક્શન કરશે. એ પણ રિયલ ટાઇમમાં.
આ પણ વાંચો: વોટ્સએપ ચેનલમાં આવશે નવું ઇન્ટરએક્ટિવ ક્વિઝ ફીચર: જવાબ આપો, તરત ફીડબેક મેળવો...
xChatની સિક્યોરિટી સામે સવાલ
ઇલોન મસ્કની કંપની નવા ફીચર્સ લોન્ચ કરી રહી છે, પરંતુ તેના પ્લેટફોર્મનું xChat સિક્યોર નથી એવું કહેવામાં આવી રહ્યું છે. મેસેજિંગ એપ્લિકેશન સિગ્નલ એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્શન પર કામ કરે છે. જોકે xChat પણ એ રીતે કામ કરતું હોવા છતાં એ સિક્યોર નથી. આ પાછળનું કારણ છે કે યુઝર્સની ઇન્ક્રિપ્શનની કી. દરેક યુઝર્સની એક કી હોય છે જેમાં ઇન્ક્રિપ્શનની માહિતી જાણવા માટે ઉપયોગી હોય છે. સિગ્નલ દ્વારા આ કીને જે-તે યુઝર્સના મોબાઇલમાં સેવ કરવામાં આવે છે. આથી એને કોઈ એક્સેસ નહીં કરી શકે. જોકે xChat દ્વારા આ કીને તેમના સર્વર પર સેવ કરવામાં આવે છે. આ માટે ચાર ડિજિટની પિનનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે હેકર્સ જ્યારે સર્વરને હેક કરી શકે તો આ કીનો પણ એક્સેસ મેળવી શકે છે. આથી ઇલોન મસ્કના કહેવા છતાં xChat યુઝર્સ માટે સિક્યોર નથી.