Xનું સબ્સ્ક્રિપ્શન પ્લાન સસ્તું કર્યું ઇલોન મસ્કે: ભારતમાં વધુ પ્રીમિયમ યુઝર બનાવવાનો ટાર્ગેટ
Elon Musk Cut X Subscription Price: ઇલોન મસ્કના સોશિયલ મીડિયા X દ્વારા ભારતમાં સબ્સ્ક્રિપ્શનની કિંમત ઘટાડી દેવામાં આવી છે. દુનિયામાં ભારત બીજા ક્રમનું ઈન્ટરનેટ યુઝર માર્કેટ છે. જોકે આ માર્કેટમાં ઇલોન મસ્ક હજી પોતાના પ્રીમિયમ યુઝર નથી વધારી શક્યો. આ કારણસર તેણે સબ્સ્ક્રિપ્શનની કિંમતમાં ઘટાડો કર્યો છે જેથી પ્રીમિયમ યુઝર્સ વધારી શકાય. પહેલી વાર એવું થયું છે કે બેસિક, પ્રીમિયમ અને પ્રીમિયમ પ્લસ દરેકની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે એ પણ એટલી જ હકીકત છે કે ગયા વર્ષે પ્રીમિયમ પ્લસની કિંમતમાં બે વાર વધારો કરવામાં આવ્યો છે.
દરેક પ્લાનની કિંમતમાં થયો ઘટાડો
ઇલોન મસ્કની કંપની xAI દ્વારા ગ્રોક 4 લોન્ચ કર્યા બાદ તરત જ સોશિયલ મીડિયાના સબ્સ્ક્રિપ્શનની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બેસિક પ્લાન પહેલાં ₹244 પ્રતિ મહિનો હતો, જે હવે ₹170 થઈ ગયો છે અને ₹2591 એક વર્ષના હતા, જે હવે ₹1700 થઈ ગયા છે. એટલે કે અંદાજે 30 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. પ્રીમિયમ પ્લાનમાં 34 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલાં એક મહિનાના ₹650 રૂપિયા હતા, જે હવે ₹427 છે. તેમ જ એક વર્ષ માટે ₹6800 હતા, જે હવે ₹4272 થઈ ગયા છે.
પ્રીમિયમ પ્લસની કિંમતમાં પણ મૂકવામાં આવ્યો કાપ
X પર સૌથી વધુ ફીચર ધરાવતું પ્લાન પ્રીમિયમ પ્લસ છે. એથી જ એની કિંમત ગયા વર્ષે બે વાર વધારવામાં આવી હતી. જોકે હવે એની કિંમતમાં પણ અંદાજે 26 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. આ પ્લાન પહેલાં એક મહિના માટે ₹3470 રૂપિયાનો હતો, જે હવે ₹2570 થઈ ગયો છે. એક વર્ષના પહેલાં ₹34340 ચૂકવવામાં આવતાં હતાં, જે હવે ₹26400 થઈ ગયા છે. જોકે Xની મોબાઇલ એપ્લિકેશન પર આ માટેના ચાર્જ વધુ છે, કારણ કે ગૂગલ પ્લે સ્ટોર અને એપલના એપ સ્ટોરને કમિશન ચાર્જ આપવો પડે છે, એથી તેમની કિંમત અલગ રાખવામાં આવી છે.
બેસિક અને પ્રીમિયમ પ્લાનમાં શું ફરક છે?
બેસિક પ્લાનમાં X દ્વારા પોસ્ટ એડિટિંગ, લાંબી પોસ્ટ કરવી અને લાંબા વીડિયો અપલોડ કરવો, ટેક્સ્ટ ફોર્મેટિંગ, રિપ્લાય પ્રાયોરિટાઈઝેશન અને એપ કસ્ટમાઈઝેશનના ફીચર મળે છે. આ તમામ ફીચર પ્રીમિયમમાં હોવાની સાથે એમાં ક્રિએટર ટૂલ X Pro, એનાલિટિક્સ અને મીડિયા સ્ટુડિયો જેવા ઘણા અન્ય ફીચર્સ પણ છે.
પ્રીમિયમ પ્લસમાં શું લાભ મળે છે?
બેસિક અને પ્રીમિયમ પ્લાનના તમામ ફીચર્સનો એમાં સમાવેશ કરવાની સાથે એમાં યુઝર્સને એડ્સ-ફ્રી ઉપયોગ કરવા મળે છે. આ સાથે જ યુઝરને રીપ્લાય બૂસ્ટ મળે છે. આર્ટિકલ રાઇટિંગ ફીચરની સાથે રડારની મદદથી રિયલ-ટાઇમ ટ્રેન્ડ્સ જાણી શકાશે. આ સાથે નાના-નાના અન્ય ઘણાં ફીચર્સનો સમાવેશ થાય છે. X દ્વારા સબ્સ્ક્રિપ્શન માટે ચાર્જ લેવામાં આવતો હોવા છતાં આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની આવક આમાંથી ખૂબ જ ઓછી આવે છે. કમાણી માટે X એડ્સ અને રેવેન્યુ માટેના અન્ય મોડલ પર નિર્ભર રહે છે.