ઇલોન મસ્કનો દાવો, ન્યુરાલિંકની બ્રેઇન ચીપથી બહેરો વ્યક્તિ પણ થઈ જશે સાંભળતો…
Elon Musk on Hearing Problem: ઇલોન મસ્ક દ્વારા હાલમાં જ તેની કંપની ન્યુરાલિંકને લઈને દાવો કરવામાં આવ્યો છે. ન્યુરાલિંક બ્રેઇન ચીપ બનાવે છે. આ ચીપના ઉપયોગથી જન્મથી જ સાંભળી ન શકનાર વ્યક્તિ પણ સાંભળી શકશે, એવું મસ્કનું કહેવું છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક રિપોર્ટ જોવા મળ્યો હતો જેમાં કહેવામાં આવ્યું છે કે લોકોની સાંભળવાની શક્તિ પર ખતરો છે. જેમની સાંભળવાની શક્તિ જતી રહે છે, તેમના દિમાગ પર પણ અસર થાય છે.
ઇલોન મસ્કનો દાવો
આ રિપોર્ટ વિશે મસ્કે પ્રતિક્રિયા આપી હતી. એક યુઝરે જણાવ્યું કે ન્યુરાલિંક દ્વારા સાંભળવાની શક્તિ પર હવે ધ્યાન આપવું જોઈએ, જેને મસ્કે સ્વિકારી હતી. મસ્કના જણાવ્યા પ્રમાણે, ન્યુરાલિંકની ડિવાઇઝ દ્વારા મગજમાં આવેલા ન્યુરોન સાથે સીધો સંપર્ક થાય છે જે સાંભળવામાં મદદરૂપ બને છે. સાઉન્ડને પ્રોસેસ કરતા ન્યુરોનને કન્ટ્રોલ કરી શકાય છે એટલે વ્યક્તિ ફરી સાંભળી શકે છે.
વ્યક્તિઓ પર ચાલી રહી છે ટ્રાયલ
મસ્કે જણાવ્યું કે ત્રણ વ્યક્તિઓ પર પહેલેથી જ આ ડિવાઇઝ ઇમ્પ્લાન્ટ કરવામાં આવી છે. લાસ વેગાસમાં યોજાયેલી લાઇવ ઇવેન્ટમાં આ અંગે અપડેટ મળ્યું હતું, જે X પર સ્ટ્રીમ પણ થયું હતું. હવે આ વર્ષમાં કુલ 20-30 વ્યક્તિઓ પર ટ્રાયલ થવાની આશા છે. પહેલાના એક પેશન્ટ પર ટ્રાયલ બાદ અપગ્રેડ થઈ નવા પેશન્ટ પર ટેક્નોલોજી લાગુ કરવામાં આવી છે.
પેશન્ટ પર શું અસર પડી?
મસ્કે બે પેશન્ટના પ્રગતિ રિપોર્ટ પણ જાહેર કર્યા હતા. પહેલાં પેશન્ટને સ્પાઇનલ ઇન્જરી હતી અને ઇમ્પ્લાન્ટ પછી હવે તે વીડિયો ગેમ્સ અને ચેસ રમી શકે છે. બીજા પેશન્ટને સ્પાઇનલ કોર્ડ ઇન્જરી હતી અને હવે તે વીડિયો ગેમ્સ રમવાની સાથે 3D ઓબ્જેક્ટ ડિઝાઇન માટે સોફ્ટવેર પણ શીખી રહ્યો છે.